|
ભૂતકાળના એ દિવસો અત્યંત ઝાંખા સ્વરૂપમાં સ્મૃતિપટ પર તાજા થાય છે. આજે
તો ગંગાતટના આ સ્થાનમાં બેસીને હિમાલયના પાવન પ્રદેશની હવા લઇ રહ્યો છું.
દિલના ભાવો બદલાઇ ગયા છે. વિચારો વધારે વિશદ અને વિશાળ બન્યા છે અને
આદર્શમાં અલૌકિકતા આવી ગઇ છે. બીજમાંથી જેમ અંકૂર ફૂટે ને તેમાંથી ફૂલ
અને ફળની દુનિયા બહાર આવે તેમ બાળપણના સાધારણ સંસ્કારબીજોમાંથી નવી
દુનિયા ઉગી નીકળી છે. એ બીજોની કીમત આંકી ના અંકાય તેવી ભારે છે ને
તેમનું મહત્વ પણ ભૂલવા જેવું નથી, કેમ કે તેમના વિના ફૂલ ને ફળથી ભરેલી
જીવનની વાડીની આ નવી દુનિયા ક્યાંથી થાત
?
મૂળ જ ના હોત તો શાખાની સૃષ્ટિ ક્યાંથી થાત
?
પાયા વિના મકાનનું ચણતર જેમ થઇ શકે નહિ, દૂધ વિના દહીં બની શકે નહિ, ને
કૌમાર્ય દશામાંથી પસાર થયા વિના સ્ત્રી વૃદ્ધા બની શકે નહિ તેમ
બાલ્યાવસ્થાનો અનુભવ કર્યા વિના યુવાવસ્થાના અનુભવ માટેનો અધિકાર ના મળી
શકે. બાલ્યાવસ્થા જીવનની ઇમારતનો પાયો છે. તેની અસર સમગ્ર જીવન પર ઘણી જ
પ્રબળ પડે છે. એટલે તેની ઉપેક્ષા કે અવગણના કેવી રીતે થઇ શકે
?
એ
દિવસોમાં મને એક સ્વપ્ન આવ્યું. અમારી સંસ્થામાં એક નાનું મંદિર અને એની
બહાર નાનું સરખું મેદાન હતું. તે મેદાનમાં હું ઊભો છું એવું સ્વપ્ન શરૂ
થયું. થોડીવાર સુધી હું ઊભો રહ્યો કે તરત જ મેદાનના છેડા તરફથી નીકળીને
એક સાપ મારી તરફ આવવા માંડ્યો. મને જરા ભય લાગ્યો એટલે મેં મેદાનમાં
દોડવાનું શરૂ કર્યું. પણ મારા અસાધારણ આશ્ચર્ય વચ્ચે મેં જોયું કે સાપ પણ
મારી પાછળ દોડવા માંડ્યો. હું આગળ ને સાપ પાછળ. કેટલાય વખત સુધી મેદાનમાં
દોડવાનું ચાલ્યા જ કર્યું. છેવટે મને થાક લાગવા માંડ્યો. મને થયું કે
હવે મારાથી દોડાશે નહિ ને સાપ મને જરૂર પકડી પાડશે. પણ ત્યાં તો એક બીજું
આશ્ચર્ય થયું. સાપને જાણે કે વાચા ફૂટી. સાપને કદી બોલતાં જોયો કે
સાંભળ્યો નથી. પણ આ સાપ તો બોલવા માંડ્યો. તેણે મને સંબોધીને કહેવા
માંડ્યું કે 'શા
માટે દોડ્યા કરો છો ?
મારાથી શા માટે ડરો છો ?
હું તમને કાંઇ નહિ કરું. ઊભા રહો.'
કેટલું
વિચિત્ર ?
સાપ તે વળી આવું શુદ્ધ ગુજરાતીમાં બોલે
?
મારું આશ્ચર્ય વધી ગયું. પણ ખરેખર તે સાપ જ બોલતો હતો. તેના આશ્વાસનથી
ઉત્સાહિત થઇને ભયને ત્યાગીને મેં તેની સામે જોયું. ત્યાં તો તે ઊભો
રહ્યો. મસ્તકને ઊંચુ કરીને હલાવવા માંડ્યો. તે વખતે તેનું શરીર અદૃશ્ય થઇ
ગયું, ને તેને ઠેકાણે એક મૂર્તિ થઇ ગઇ. મૂર્તિ નાની હતી પણ કોની હતી તે
મારી સમજમાં આવ્યું નહિ. મારી તરફ જોઇને તે બોલવા માંડી કે
'તમે
એક મહાન પુરુષ થશો. તે માટે જ તમારો જન્મ છે.'
એટલું કહીને તે અદૃશ્ય થઇ ગઇ. મારી નિંદ્રા પણ તે પછી પૂરી થઇ. જાગ્યા
પછી મને થયું કે સ્વપ્નમાં દેખાયેલો સાપ કોણ હશે ને મારી પાછળ શા માટે
દોડતો હશે ?
શું તે કલિયુગ કે માયાનું સ્વરૂપ હશે
?
અથવા ઇશ્વર પોતે હશે ?
તે પ્રશ્નોના ઉત્તર મારા મનને મળી શક્યા નહિ. પરંતુ સ્વપ્નની ખુમારી
લાંબો વખત રહી. મને લાગવા માંડ્યું કે હું જરૂર એક મહાન પુરુષ થઇશ. કેવી
રીતે તે મને ખબર નથી. પણ ઇશ્વરને તે ખબર છે ને તે મને જરૂર મહાન બનાવશે.
તેની તે ઇચ્છા છે ને તે ઇચ્છાને તેણે આ સ્વપ્ન દ્વારા મારી આગળ રજૂ કરી
છે.
એવી
સમજને પરિણામે મારો ઉત્સાહ ખૂબ વધી ગયો ને મહાન થવાની મહત્વકાંક્ષા વધારે
ને વધારે મજબૂત બનવા માંડી.
|