Shri Yogeshwarji's biography in Gujarati on

રમણ મહર્ષિ

Bhagavan Ramana Maharshi : Life and works

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

ભગવાન રમણ મહર્ષિ

NEXT >

. વાનરોની વાત

 

અરૂણાચલ પર્વત પર વાંદરાઓ પણ સ્વાભાવિક રીતે જ એકઠા થતા ને વૃક્ષો પર ચઢીને ઈચ્છાનુસાર ક્રીડા કરતા. મહર્ષિના સંપર્કમાં જુદી જુદી જાતના બીજા જીવોની જેમ એમને પણ આવવાનું થયું. એ સંપર્ક ધીમેધીમે આગળ વધ્યો, વિકસ્યો અને આત્મીયતામાં પરિણમ્યો. એ પર્વત પર રહેતા વાંદરાઓ સાથે રહેતા, કોઈ પણ પ્રકારના સંકોચ કે ભય વિના ભળી જતા, એમના ઝઘડા મટાડતા, કલહોનું યુક્તિપૂર્વક નિવારણ કરતા અને એમની અંદર સંપ તથા શાંતિ સ્થાપતા. એ એમની ભાષાને જાણે કે જાણતા અને એમની સાથે વિચારવિનિમય કરી શક્તા. એમના સ્વભાવનું ને જીવનવ્યવહારનું એ સૂક્ષ્મતાપૂર્વક નિરીક્ષણ કરતા. એ કોઈ કોઈ વાર કહી બતાવતા કે વાંદરાઓમાં રાજા હોય છે ને અંદર અંદર યુદ્ધ તથા સુલેહ થયા કરે છે. મનુષ્યોની સાથે કોઈ વાંદરો રહેવા માંડે ને અમુક વખત પછી ફરી પોતાની મંડળીમાં જઈને મળે તો એનું સારી પેઠે સ્વાગત નથી થતું. મંડળીના બીજા વાંદરા એને ઊતરતી કક્ષાનો અને અસ્પૃશ્ય માને છે. પરંતુ એ પરંપરાગત પ્રથામાં મહર્ષિ અપવાદરૂપ મનાતા. એમની સંગતિ શ્રેયસ્કર અને આદર્શ ગણાતી. એમની પાસે ઓછાવત્તા વખત માટે રહીને જે વાંદરા પાછા ફરતા તેમની તરફ કોઈ તિરસ્કારની નજરે ના જોતું પરંતુ મંડળ તરફથી એમનું સન્માન કરવામા આવતું.

વાંદરાઓની અંદર એક અથવા બીજા કારણે કોઈવાર ક્લેશ કે કલહ થતો ત્યારે એ સમાધાનની અભિલાષાથી એમની પાસે આવી પહોંચતા. એવે વખતે એ બંને પક્ષોની હકીકત શાંતિપૂર્વક સાંભળતા ને ન્યાય કરતા અથવા ફેંસલો આપતા તથા બંને પક્ષોમાં સુલેહ કરાવવાનો પોતાની રીતે પ્રયત્ન કરતા. એમની ભાષાથી એ અભિજ્ઞ હતા અથવા અનભિજ્ઞ એ વાતને બાજુએ રાખીએ તોપણ એમનું આકર્ષણ અને આત્મબળ એવું અસાધારણ અને અદ્દભૂત હતું કે મનુષ્યો સિવાયનાં એ બીજા પ્રાણીઓ પણ એમની ઉપર પ્રેમ રાખતાં, એમના સંસર્ગની ઈચ્છા સેવતાં, અને એમને વશ થઈને એમની ઈચ્છાનુસાર કાર્ય કરતાં.

વાંદરાઓના રાજાએ એકવાર ગુસ્સામાં આવીને વાંદરાના એક નાના બચ્ચાને કરડી ખાધું. એ બચ્ચું એથી ખૂબ જ ઘાયલ થઈને બેહોશ બની ગયું. એને મરી ગયેલું માનીને વાંદરાઓના રાજાએ ત્યાં જ છોડી દીધું, ને પોતે આગળ વનની અંદરના પ્રદેશમાં ચાલી નીકળ્યો.

બધા વાંદરાઓના વિદાય થયા પછી એ એકલા પડેલા બચ્ચાને લાંબા વખતે ભાન આવ્યું ત્યારે એ લંગડાતા પગે જેમતેમ કરીને આગળ વધ્યું ને વિરૂપાક્ષી ગુફા પાસે આવી પહોંચ્યું.

મહર્ષિના દિલમાં એને દેખીને દયા ઉત્પન્ન થઈ. એમણે આશ્રમવાસીઓને આદેશ આપ્યો. એ આદેશને અનુસરીને આશ્રમવાસીઓએ ભારે અનુકંપાપૂર્વક એ ઘાયલ બચ્ચાની સેવા કરી.

એ બચ્ચાનું નામ એ લંગડું હોવાથી નોંડિ રાખવામાં આવ્યું.

ધીરેધીરે સેવાનો લાભ મળવાથી નોંડિને આરામ થવા લાગ્યો.

છ સાત દિવસ થઈ ગયા એટલે નોંડિની મંડળીના વાંદરાઓ વિરૂપાક્ષી ગુફાના રસ્તે આવી પહોંચ્યા. નોંડિને નિહાળીને એ પ્રસન્ન થયા ને બધી પરિસ્થિતિ સમજી ગયા.

સામાન્ય રીતે મનુષ્યોના સહવાસમાં આટલા બધા સમય સુધી રહેલા કોઈ બીજા વાંદરાનો એમની પરંપરાગત પદ્ધતિ પ્રમાણે એમણે લેશ પણ સંકોચ વિના કાયમને માટે પરિત્યાગ કર્યો હોત, પરંતુ નોંડિની વાત જુદી હતી. એ રમણ મહર્ષિ જેવા લોકોત્તર મહાપુરૂષના સંસર્ગમાં રહેલો અને એમની પ્રત્યે સૌને પ્રેમ તેમ જ આદરભાવ હતો એટલે એને એની મંડળીમાં પાછું પૂર્વવત્ માનવંતું સ્થાન મળી ગયું.

નોંડિ પોતાની મંડળીને જોઈને રાજી થયો. એણે પોતાને કરડનારા વાંદરાઓના રાજા તરફ સંકેત કરીને મહર્ષિને એની ઓળખાણ આપી એટલે મહર્ષિ સઘળી વાત સમજી ગયા.

મહર્ષિએ રાજાને મીઠો ઠપકો આપ્યો, અને આશ્રમવાસીઓ દ્વારા એ સૌનો સમુચિત સત્કાર કરાવ્યો. ત્યારથી મહર્ષિ પોતાના મહાન મિત્ર, માર્ગદર્શક અને હિતેચ્છુ છે એની એમને ખાતરી થઈ.

એ ખાતરી ને વિશ્વાસની ભાવના દિનપ્રતિદિન વધતી ગઈ. પછી તો વાંદરાઓની એ મંડળી ઈચ્છાનુસાર અવારનવાર મહર્ષિના શાંત એકાંત આશ્રમમાં આવી જતી અને ક્રીડા કરતી. મહર્ષિને નિહાળીને એ ખૂબ જ પ્રસન્ન થતી. મહર્ષિ પણ એ ચિરપરિચિત હોય એમ એને અવલોકીને આનંદમાં આવી જતા અને આશ્રમવાસીઓને એમનો સત્કાર કરવાનું કહેતા. આશ્રમવાસીઓનો  સુયોગ્ય સત્કાર પામીને એ મંડળી વનના વિહાર માટે આગળ ઊપડી જતી.

નોંડી આશ્રમવાસીઓને જોઈને પોતાનો પૂર્વપરિચય યાદ કરીને વધારે આનંદમાં આવી જતો. એમને એ પોતાના સ્નેહાળ સંબંધીઓ સરખા સમજતો. મહર્ષિને તો એ ભૂલી શકે જ કેવી રીતે ? એમણે પોતાની પરાધીન પીડિત દશામાં જે મમતા ને સહાનુભૂતિ બતાવેલી તે એને યાદ હતી. એને લીધે એમની ઉપર એ પોતાનો વિશેષ અધિકાર માનતો. એ એમની પાસે જઈને લાંબા વખત લગી બેસી રહેતો ને બીજાને રુઆબ બતાવતો.

નોંડિ હતો તો વાંદરો પરંતુ બીજા વાંદરાઓ કરતાં કેટલીક રીતે વિલક્ષણ હતો. એની અંદર કેટલીક નોંધપાત્ર, યાદગાર, વિશેષતાઓ હતી. એને જોનારાના કહ્યા પ્રમાણે એ ખૂબ જ સ્વચ્છ રહેતો. ખાતી વખતે અન્નનો એકપણ દાણો નીચે ના પડવા દેતો, અને કોઈવાર ઉતાવળ કે ભૂલને લીધે પડી જતો તો તરત જ વીણી લઈને ખાઈ જતો.

એક દિવસ એણે કોઈક કારણથી થોડુંક અનાજ છોડી દીધું. એ જોઈને મહર્ષિએ એને ટોકતાં તરત જ કહ્યું : અનાજ શા માટે છોડી દીધું ? એવી રીતે છાંડવાની પદ્ધતિ બરાબર નથી.

નેહ ભરેલો નોંડિ એવા ઠપકાને સાંભળી શકે ખરો ? અને એ પણ બીજા કોઈના નહિ ને જેમને માટે પોતાને પુષ્કળ મમતા હતી એ મહર્ષિના ઠપકાને ? એણે ક્રોધે ભરાઈને એમની આંખ પર તમાચો મારી દીધો.

સારું થયું કે મહર્ષિની આંખ બચી ગઈ. છતાં પણ એમને થોડું ઘણું વાગ્યું તો ખરું જ.

એના એ કુકર્મને માટે એને દંડ મળ્યો.

એવા અબોધ પ્રાણીને બીજો તો કયો દંડ દઈ શકાય ? છતાં પણ કેટલાક દિવસ સુધી મહર્ષિએ એને પોતાની પાસે  બેસવાના વિશેષાધિકારથી વંચિત રાખ્યો.

એને માટે એ દંડ ઘણો મોટો અથવા આકરો થઈ પડ્યો. વખતના વીતવા સાથે એ પોતાના અપરાધને સમજી ગયો. એનું દિલ દુઃખી થયું. એને એના દુષ્કર્મને માટે પશ્ચાત્તાપ થયો. એનું અંગેઅંગ આક્રંદ કરી ઊઠ્યું. પછી તો એણે એ મમતારહિત પવિત્ર પ્રેમભાવવાળા મહાપુરૂષને પગે પડીને વારંવાર માફી માગી. એ વખતની એની દશા જોવા જેવી હતી.

મહર્ષિનું હૃદય પાષાણ જેવું કઠોર તો હતું નહિ. એ તો એના સુધારને માટે એને પદાર્થપાઠ આપી રહેલા. એ પદાર્થપાઠ પૂરો થયો ને સુયોગ્ય સમય આવ્યો એટલે એ પીગળી ગયા. એના પરિણામે એમની પાસે બેસવાનો પૂર્વાધિકાર એને ફરી પાછો પ્રાપ્ત થયો. એની પ્રસન્નતા ને પરિતૃપ્તિનો પાર ના રહ્યો.

નોંડિએ એની પહેલાં એક બીજો અપરાધ પણ કરેલો. વાત એમ હતી કે મહર્ષિ એકવાર એને માટે તૈયાર કરેલા ગરમ દૂધને ફૂંક મારીને પીવા યોગ્ય કે ઠંડું કરી રહેલા. એ જોઈને એણે અજ્ઞાનવશ એવું માની લીધું કે મહર્ષિ એનું દૂધ પી જવાની તૈયારી કરી રહ્યા છે. એને રોષ ચઢ્યો ને રોષમાં ને રોષમાં એણે એ મહાપુરૂષ પર પ્રહાર કર્યો.

મહર્ષિ શાંત જ રહ્યા. એમની શાંતિ જોઈને એનું મન બદલાયું. એણે પોતાની ભૂલને સમજી લીધી. એ ભૂલને માટે એને પશ્ચાત્તાપ થયો. એણે મહર્ષિની માફી માગી. મહર્ષિની પાસે જઈને એ એકદમ ઉદાસ વદને બેસી ગયો. મહર્ષિએ એને વિના વિલંબ માફી આપી.

મહર્ષિ એ દિવસો દરમિયાન ભાવિના ભેદને ઉકેલવાની શક્તિ ધરાવતા હતા ખરા ? એ પ્રશ્નનો સીધો ઉત્તર આપવાને બદલે એ વખતના એક પ્રસંગને જ આપણે એ વિશે બોલવા દઈએ. એ દિવસોમાં એકવાર એમણે નોંડિને વિનોદમાં કહ્યું : નોંડિ, તું રાજા બની જશે તો તો તારો રુઆબ અનેકગણો વધી જશે ને તું અમને ભાગ્યે જ યાદ કરશે.

એ પછી થોડા જ વખતમાં નોંડિ ખરેખર એની મંડળીના વાનરોનો રાજા બની ગયો.

મહર્ષિનો જ્યારથી એને આશ્રય મળેલો ત્યારથી મંડળીમાં એની પ્રતિષ્ઠા ઘણી વધી ગયેલી. એ પ્રતિષ્ઠાને લીધે મંડળીમાં ત્રણ વયોવૃદ્ધ વાનરો હોવા છતાં પણ મંડળીના વાનરોએ એને જ રાજા તરીકે પસંદ કર્યો. એ વખતે મહર્ષિ આશ્રમમાં ન હતા. નોંડિની અભિલાષા મહર્ષિની ઉપસ્થિતિમાં જ એનો રાજા તરીકેનો અભિષેક કરાવવાની હોવાથી એમની અનુપસ્થિતિમાં એને ખૂબ જ નિરાશા થઈ. એ નિરાશાને લીધે અથવા રાજ્યપ્રાપ્તિના વધારે પડતા ઉલ્લાસને લીધે એણે અને એની મંડળીના બીજા વાનરોએ આશ્રમનાં બધાં જ વૃક્ષોને હલાવવા ને બગાડવા માંડ્યાં. આશ્રમવાસીઓને એ જોઈને અત્યંત આશ્ચર્ય ને દુઃખ થયું. એમના વિરોધની એણે જરા પણ પરવા ના કરી.

મહર્ષિ આશ્રમમાં પાછા ફર્યા ત્યારે એમને પણ એ બધું દેખીને ખૂબ જ આશ્ચર્ય થયું. નોંડિ અને એના સાથીઓની એ વિઘાતક પ્રવૃત્તિને એ સમજી ના શક્યા.

બીજે દિવસે એ મુખપ્રક્ષાલન કરી રહેલાં ત્યારે નોંડિ ત્યાં એમની આગળ આવી પહોંચ્યો.

એ એમનાથી થોડેક દૂર રહીને ઝાડ પર ચઢીને વાનરોના રાજાની પદ્ધતિ પ્રમાણે એની સૌથી ઉપરની ડાળીને જોરથી હલાવવા લાગ્યો. થોડાક સમય સુધી એવી રીતે પોતાના પ્રતાપનું પ્રદર્શન કરીને એ ઝાડ પરથી નીચે ઉતરીને મહર્ષિની પાસે આવીને બેસી ગયો.

પહેલાંના રાજાએ એની પાસે આવીને એને સલામ કરી.

મહર્ષિ સમજી ગયા કે નોંડિ રાજા બન્યો છે.

એ જમવા બેઠા ત્યારે નોંડિ એમની પંક્તિમાં બેસવાને બદલે કુટિર છોડીને બહાર જતો રહ્યો.

આશ્રમવાસીઓએ કુતૂહલવશ એની પાછળ જઈને જોયું તો એ એના અનુયાયીઓની વચ્ચે ગૌરવપૂર્વક બેઠેલો દેખાયો.

વાનરોમાં એવી પ્રથા છે કે પહેલાંના રાજાની પત્નીઓ નવા રાજાની પત્ની બની જાય છે. નોંડિના સંબંધમાં પણ એવું જ થયેલું. એની બાજુમાં એની ત્રણ પત્નીઓ બેઠેલી.

બદલાયેલી પરિસ્થિતિમાં એ એના અનુયાયીઓના ખાધા પછી જ ખાતો. એ બધું જાણીને આશ્રમવાસીઓએ એ દિવસે એ બધા વાનરોને મહર્ષિની સૂચનાનુસાર ભોજન કરાવ્યું. એ ભોજન–– અલબત્ત સમૂહભોજનથી વાનરો ખૂબ જ પ્રસન્ન થયા. નોંડિની પ્રસન્નતાનો પણ પાર ના રહ્યો.

નોંડિ છ સંતાનોનો પિતા હતો. થોડાક સમય સુધી તો એનું રાજ્ય નિરાપદ રીતે ચાલતું રહ્યુ પરંતુ પછી દીવાનના વિરોધ તથા ષડ્યંત્રને લીધે એને રાજ્યસુખથી વંચિત રહેવું પડ્યું. એ એના સંતાનો સાથે અલગ રહેવા લાગ્યો. એને માટે પ્રતિકૂળતા તેમ જ દુઃખના દિવસો શરૂ થયા.

મહર્ષિ સ્કંદાશ્રમ છોડીને રમણાશ્રમમાં રહેવા માંડ્યા ત્યારે એક દિવસ એ એમને શોધતો શોધતો એમનાં દર્શન માટે આવી પહોંચ્યો. એમના સંસર્ગમાં એણે શાંતિ મેળવી. એ પછી પ્રત્યેક પંદરમે દિવસે એણે એમનાં દર્શન માટે આવવાનો નિયમ બનાવ્યો. એ નિયમપાલનથી એને ખૂબ જ સંતોષ થતો.

એકવાર વાનરોનો એક વયોવૃદ્ધ આગેવાન વાનર માંદો પડ્યો. એનું મૃત્યું નજદીક હતું. નિર્બળતાને લીધે બીજા વાનરોની ટોળી સાથે ચાલવાનું એને માટે અશક્ય થઈ ગયું. એટલા માટે, પોતાની પરવશતાનો વિચાર કરીને એ આશ્રમની પાસે જ રહી ગયો. સવારે જ્યારે મહર્ષિની દૃષ્ટિ એના પર પડી ત્યારે એમને આશ્ચર્ય થયું. એમણે જોયું તો એની પાસેના વૃક્ષ પર બેઠેલા બે વાનરો વિલાપ કરી રહેલા. વયોવૃદ્ધ વાનર જ્યારે રાજા હતો ત્યારે એણે કોઈક અપરાધને લીધે એ બંને વાનરોને મંડળીની બહાર કાઢી મૂકેલા. હવે વખતના વીતવા સાથે એ વાનરો એમની મંડળીમાં પાછા ફરેલા. એમની અંદર બદલો લેવાની ભાવનાનો એકદમ અભાવ હતો. જો એમનામાં થોડીક પણ વેરવૃત્તિ શેષ હોત તો એ વૃદ્ધ વાનરની પાછળ આવી રીતે શોક ના કરત.

મહર્ષિનું દિલ એ શોકથી દ્રવી ઊઠ્યું.

એ રુગ્ણ વાનરને ઉપાડીને એની સેવા કરવાની વૃત્તિથી પ્રેરાઈને એમણે એમના સાથળ પર સુવાડી દીધો. એ જોઈને વૃક્ષ પર બેઠેલા વાનરો આનંદી ઊઠ્યા. પરંતુ એ આનંદ ક્ષણિક અથવા અલ્પજીવી ઠર્યો. વયોવૃદ્ધ રુગ્ણ વાનર વધારે જીવી શકે તેવી સ્થિતિમાં ન હતો. મહર્ષિએ એના મુખને એક સાથળ પરથી બીજા સાથળ પર બદલવાની કોશિશ કરી ત્યારે એમના સાથળમાં એની દાઢ દબાઈ ગઈ. એ દાઢનાં ચિન્હ  એમના સાથળ પર છેવટ સુધી એ પ્રસંગની સ્મૃતિ કરાવતાં કાયમ રહ્યા.

વાનરોના એ આગેવાનના પ્રાણ એક તીક્ષ્ણ ચીસ સાથે છૂટી ગયા. એના વર્તમાન જીવન પર પડદો પડી ગયો. પરંતુ મહર્ષિનો પ્રેમમય વ્યવહાર તો જુઓ ! એમણે એના મૃત શરીરને દૂધ તથા પાણીથી સ્નાન કરાવ્યું, એના પર ભસ્મ લગાડી, ને મુખને ખુલ્લું રાખીને બાકીના શરીરને સ્વચ્છ વસ્ત્રથી ઢંકાવ્યું. એ પછી એની આગળ ધૂપદીપ સળગાવીને એના શરીરને દાટવામાં આવ્યું. એમના આદર્શ શ્રેષ્ઠ મનુષ્યોચિત વ્યવહારથી એ સાધારણ પ્રાણીનું મૃત્યુ મંગલ બની ગયું ને જીવન ધન્ય થયું. એના મુખમંડળ પર તેજ છવાયું.

એક દિવસે બપોરે એ એમના પ્રશંસકો ને શિષ્યો સાથે અરૂણાચલ પર્વતની પરિકમ્મા કરવા નીકળ્યા.

રસ્તામાં પચ્ચેયમ્મન મંદિર સુધી પહોંચતાં પહોંચતાં બધાને થાક લાગ્યો. તાપ પુષ્કળ હોવાથી આગળ વધવાનું કઠિન થઈ પડ્યું.

એમના પરિશ્રમનો વિચાર કરીને એમને રાહત આપવાની ઈચ્છા કરતી હોય તેમ એમની બાજુએ બેઠેલી એક વાનરમંડળી નજદીકનાં જાંબુડાનાં વૃક્ષો પર ચઢી ગઈ ને એની શાખાપ્રશાખાઓને હલાવવા લાગી. એને લીધે જોતજોતામાં અસંખ્ય જાંબુ ધરતી પર ઢળી પડ્યાં. એ પછીથી કોઈને કોઈ પ્રકારનો સંકોચ ના થાય એટલે વાનરમંડળી ત્યાંથી દૂર ચાલી ગઈ. મહર્ષિના આશ્રમમાં એ મંડળીની કોઈ વાર સેવા કરાયેલી. એ ભૂતકાલીન સેવાનું સ્મરણ કરીને એણે કૃતજ્ઞતા દર્શાવવાનો એ અવસર ઝડપી લીધો એ જોઈને મહર્ષિ અને એમની સાથેના બીજા બધા જ આશ્રમવાસીઓ ગદ્ ગદ્ બની ગયા. એમને થયું કે વાનરો પણ કોઈએ કરેલા ગુણને યાદ રાખીને કૃતજ્ઞ બની શકે છે ખરા.

આશ્રમની પાસેના પવિત્ર પ્રદેશમાં કોઈ કોઈવાર એક સિંહ પણ આવી પહોંચતો. એના અવાજ પરથી કલ્પી શકાતું કે એ શુદ્ધ દાનતથી, મિત્રભાવે જ આવી રહ્યો છે. એને જોઈને મહર્ષિને લેશ પણ ભય ના લાગતો. એ તદ્દન શાંત જ રહેતા. પરંતુ આશ્રમવાસીઓ પાસેથી એવા આત્મવિશ્વાસ અને એવી શાંતિની આશા ના રાખી શકાય. એમની અવસ્થા મહર્ષિની અવસ્થા કરતાં જુદી હોવાથી એ એને જોઈને ભયભીત અથવા સાશંક બનીને કોલાહલ કરી મૂકતા. એમના શંખનાદના ને બીજા સ્વરો સાંભળીને એ મિત્રભાવે શાંતિપૂર્વક ચાલ્ચો જતો.

કહે છે કે એકવાર એ સિંહ ત્યાં ક્રોધાતુર બનીને આવી પહોંચ્યો.

એની ભયંકર ગર્જના સાંભળીને વૃક્ષો પર બેઠેલા વાનરો કંપી ઊઠ્યા. એમના હોશકોશ ઊડી ગયા, અને એમનામાંના કેટલાક ભયભીત બનીને કાળને સાક્ષાત્ અને સામે આવેલો જોઈને વૃક્ષો પરથી નીચે પડી ગયા. સિંહ એમનું ભક્ષણ કરી ગયો.

એવો પ્રસંગ અપવાદરૂપ હતો ને ભાગ્યે જ બનતો.

મોટે ભાગે તો સિંહ આશ્રમની પાસેના પાવન પ્રદેશનાં પરમાણુઓથી પ્રભાવિત થઈને વેરભાવનું વિસ્મરણ કરીને પ્રેમભાવે જ વિહાર કરતો. મહર્ષિના જાદુઈ વ્યક્તિત્વની અસર એવી અસાધારણ અને અજબ હતી કે સૌ કોઈ એમની પાસે પ્રેમભાવનો અનુભવ કરતા ને શાંતિ પામતા. એમનો આત્મા સાધનાના સમ્યક્ અનુષ્ઠાન દ્વારા ઉત્તમોત્તમ અવસ્થાની પ્રાપ્તિ કરી ચૂકેલો. એટલે એ મનુષ્યસૃષ્ટિ સાથે જ નહિ પરંતુ મનુષ્યેતર સૃષ્ટિ સાથે પણ આત્મીયતાનો અનુભવ કરતો. એવા આત્મરત, આત્માભૂતિથી અલંકૃત મહામાનવ સંસારમાં જ્યારે ત્યારે ને જ્યાં ત્યાં નથી થતા. એમનું પ્રાકટ્ય દુર્લભ હોય છે. એથીયે દુર્લભ હોય છે એમનું દર્શન અને એથી વધારે દુર્લભ હોય છે એમનો અનુગ્રહ. એમના સુખદ દર્શનનું ને સ્વર્ગીય સહવાસનું જેમને સૌભાગ્ય સાંપડ્યું છે અને જેમની ઉપર એમના અહેતુકી અનુગ્રહની વર્ષા વરસી છે તો પણ ધન્ય છે !

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'રમણ મહર્ષિ : જીવન અને કાર્ય'માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer