આત્મદર્શી
અથવા આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત પુરૂષોની અવસ્થા કેવી અનેરી હોય છે ! એ
માનવમાત્રમાં જ નહિ પરંતુ પ્રાણીમાત્રમાં પરમપવિત્ર પરમાત્મપ્રકાશનું દર્શન
કરે છે અને એને લીધે ભેદભાવ, ભય તથા રાગદ્વેષથી રહિત બનીને સૌ પ્રત્યે પ્રેમ રાખે છે. એમનો વ્યવહાર નિષ્કપટ, નિર્મળ ને મધુમય બને છે. એમના અંતરમાં
સૌની સુખાકારી, શાંતિ અને સમુન્નતિની ભાવના રહે છે અને એ ભાવનાથી પ્રેરિત
થઈને એમના નાનામોટા બધા જ જીવન વ્યવહાર થયા કરે છે. એમનું જીવન જાણે કે
સર્વત્ર સર્વકાળે સુખશાંતિના પ્રસાર માટે ને બીજાને ઉપયોગી થવા માટે જ
વપરાતું હોય છે.
મહર્ષિનો
પ્રાણીઓ––અલબત્ત
મનુષ્યેતર પ્રાણીઓ પ્રત્યેનો વ્યવહાર અત્યંત વિલક્ષણ હતો. કેટલાક સામાન્ય
માનવો એમની તરફ ઊંડી તિરસ્કારવૃત્તિ તથા સૂગ રાખતા હોય છે. એ એમની સાથે અતિશય
કઠોર કે નિર્દયતાપૂર્ણ વર્તાવ કરતાં પણ નથી અચકાતા. પરંતુ મહર્ષિ એવા
નિર્દયતાપૂર્ણ તિરસ્કારયુક્ત કઠોર વ્યવહારની કલ્પના સ્વપ્ને પણ ના કરી શકતા.
એમના સ્વભાવમાં એવી વસ્તુ હતી જ નહિ. એમના અંતરમાં જાણે કે પ્રેમ ને પ્રેમ જ
ભરેલો. એ પ્રેમનો પવિત્ર પ્રવાહ જડચેતનાત્મક જગત પ્રત્યે કોઈ પણ પ્રકારના
ભેદભાવ વિના વહેતો રહેતો. એમના સંસર્ગમાં આવનારાં પ્રણીઓના બાહ્ય ક્લેવરને
નિહાળીને બેસી રહેવાને બદલે એમની આત્માનુભવયુક્ત જ્ઞાનમયી દૈવી દૃષ્ટિ એમની
અંદરના ઊંડાણમાં રહેલા આત્મતત્વ સુધી પહોંચી જતી.
બહારના
વિવિધ રૂપરંગોને ભેદીને એ એની પાછળની પરમ ચેતનાનો પરિચય કરતી. એ ઉપરાંત એ
વિચારતા ને સમજતા કે પ્રાણી કે પક્ષીના રૂપમાં દેખાય છે એ આત્મા તો જાણે
કેટલા બધા દીર્ઘ સમયથી વિશાળ સંસૃતિચક્રમાં ફર્યા કરે છે. એણે ન જાણે આવા
કેટકેટલા વેશ ધારણ કર્યા છે. આજે પ્રગતિના પ્રકાશમય પાવન પથ પર એ આ ભૂમિકા પર
સ્થિતિ કરે છે એટલું જ, બાકી મૂળભૂત રીતે તો એ યોનિરહિત, જાતિરહિત અને શુદ્ધ
બુદ્ધ મુક્ત અથવા અલૌકિક છે.
એક બીજી
હકીકત પણ ખાસ યાદ રાખવા જેવી છે. એમની તપઃપૂત ઉદાત્ત અંતદૃષ્ટિને લીધે જુદાં
જુદાં પ્રાણીઓને જોતાંવેંત જ એમના જન્માંતરનું રહસ્યજ્ઞાન એમની આગળ કેટલીય
વાર ખુલ્લું થઈ જતું. પૂર્વજન્મના એ રહસ્યજ્ઞાનની મદદથી એ પ્રાણીઓના ક્રમિક
આત્મવિકાસને સહેલાઈથી સમજી શકતા, અને એટલા માટે જ એમના પ્રત્યે પ્રેમ તથા
આદરભાવ રાખતા. એમની સાથેના એમનો વ્યવહાર એકદમ વિલક્ષણ બની રહેતો. એ વ્યવહારને
સહાનુભૂતિપૂર્વક સુચારુરૂપે સમજવા માટે એના આવશ્યક ઉપોદઘાતરૂપ આ રહસ્યને સમજી
લેવાની આવશ્યકતા છે.
મહર્ષિનો જુદા જુદા જીવો પ્રત્યેનો વ્યવહાર એવી પરમજ્ઞાનમયી ઊર્ધ્વ ભૂમિકા
પરથી થતો હોવાથી એમની વાણી પણ બીજા બધા કરતાં વિલક્ષણ લાગતી. આશ્રમમાં રહેતાં
પ્રાણીઓને જોઈને એ મનુષ્યોને માટે કાઢતા હોય એવા જ ઉદગારો
કાઢતા.
‘લક્ષ્મી
આવી પહોંચી છે. એને જલદી ભાતનું ભોજન પૂરું પાડો.’
હૉલની બારીમાંથી લક્ષ્મીને જોતાં જ એ એવી રીતે બોલી ઊઠતા. એ સાંભળીને
આશ્રમમાં આવેલા કોઈક નવાગંતુકને લાગતું કે લક્ષ્મી નામની કોઈક સંબંધી સ્નેહી
છોકરી બહાર ફરવા કે રમવા ગઈ હશે એ હવે આવી પહોંચી હશે ને મહર્ષિ એને લક્ષ્ય
કરીને આવી
સૂચના આપી
રહ્યા હશે;
પરંતુ થોડા વખતમાં જ એ ભ્રાંતિ ભાંગી જતી ને સઘળું સ્પષ્ટ થતું. લક્ષ્મીના
નામનો અનુરાગપૂર્વક ઉત્તર આપતી લક્ષ્મી નામની ગાય એમની આગળ ત્વરિત ગતિએ ભારે
ગૌરવપૂર્વક ચાલતી આવી પહોંચતી ને પોતાના ભોજનની પ્રતીક્ષા કરતાં ઊભી રહેતી
ત્યારે એને ને બીજા બધાને સમજાતું કે મહર્ષિ લક્ષ્મી ગાયનું કેટલું ધ્યાન
રાખે છે !
મહર્ષિ પાછા
બીજા પ્રકારના ભાવથી ભરાઈને બોલી ઊઠતા :
‘છોકરાઓને
એમનું ભોજન મળ્યું કે નહિ ?’
એ શબ્દો
સાંભળીને પણ આશ્રમમાં આવેલા નવા એકદમ અપરિચિત દર્શનાર્થીઓને લાગતું કે
આશ્રમમાં રહેતા, રમતા કે બહાર ગયેલા છોકરાઓને માટે મહર્ષિ એવી મમત્વયુક્ત
માહિતી મેળવી રહ્યા હશે, પરંતુ એ લાગણી તરત જ ખોટી નીકળતી. મહર્ષિ બોલી રહેતા
કે તરત જ, એમના શબ્દોની રાહ જોઈને ઊભા હોય તેમ એમના એ સંવેદનશીલ સ્નેહસભર
શબ્દોના ઉત્તરરૂપે બે–ત્રણ
કૂતરાઓ આવી પહોંચતા ને એમને ભોજન કરાવવામાં આવતું.
‘એને
પાણી પાવ.’
મહર્ષિ એમનામાંના એક તરફ અંગુલિનિર્દેશ કરીને કહેતા ને ભક્તો એમના આદેશનો અમલ
કરીને એને પાણી પાતા.
નાની બિલાડી
પણ એમની દૃષ્ટિની બહાર નહોતી. એને જોઈને એ બોલી ઊઠતા :
‘છોકરા
! અહીં આવ, તારું ભોજન આવે ત્યાં સુધી થોડીક વાર વિશ્રામ કરતાં રાહ જો.’
અને બહારથી
ભોજનનો સમય થતાં આવી પહોંચેલી બિલાડી એમના આદેશનું આજ્ઞાકિંત બાળકની પેઠે
પાલન કરતી.
દિવસો,
મહિના ને વરસો સુધી એ પ્રાણીઓ પ્રત્યે એ મનુષ્યો પ્રત્યે કરતા હોય એવો જ
વ્યવહાર કરતા અને એમને મનુષ્યોને સંબોધતા હોય એવી રીતે જ સંબોધતા રહેતા. એમને
એ પ્રાણીઓ છે એવું જાણે કે લાગતું જ નહિ. એમના પ્રત્યેની એમની દૃષ્ટિ તથા
વૃત્તિ એવી અદભુત અથવા વિલક્ષણ હતી. મહાત્મા પુરૂષોના જીવનમાં અલગ અલગ અનેક
અસાધારણ અંગો જોવા મળે છે. એ એમના વિરાટ વ્યક્તિત્વનો પરિચય પૂરો પાડનારાં ને
સાથે મળીને સમગ્ર રીતે એ વ્યક્તિત્વને ઘડવામાં ફાળો આપનારાં હોય છે. એ બધાં
અંગોનું અધ્યયન કર્યા પછી તટસ્થ રીતે નિસ્સંકોચપણે જરૂર કહી શકાય કે મહર્ષિના
જીવન અથવા વિશાળ વ્યક્તિત્વનું મનુષ્યેતર પ્રાણીઓ પ્રત્યેના ઉદાત્ત
વ્યવહારનું આ અંગ એક અત્યંત અનોખું અંગ છે અને એ જાતનું વિશિષ્ટ અંગ એમના
સિવાયના બીજા મહાપુરૂષો કે સંતોના જીવનમાં એટલી બધી સરસ રીતે સંપૂર્ણપણે
ભાગ્યે જ દેખાય છે અથવા નથી દેખાતું.
* *
* * * * * * * * * *
મહર્ષિએ
અરૂણાચલ પર્વત પર રહેવાનો પ્રારંભ કર્યો ત્યારથી જ કૂતરાઓ એમના વિશ્વસનીય
સાથી અને આશ્રમજીવનના ભાગ્યશાળી ભાગીદારો તરીકે રહેવા માંડેલા. એ એ મૂંગાં
પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખતા.
આશ્રમમાં
આવનારા નવાગંતુકોને ત્યાંનાં કૂતરાઓની ઓળખાણ આપતાં એ કોઈ કોઈવાર ભારે ભાવભરી
ભાષામાં કહેતાં :
‘આ
કમળાને જોઈને ?
એ ઘણી જૂની છે. નીલા ને જેક એનાં સંતાનો છે. રોઝ અને બીજાં નાનાં બાળકોની એ
માતામહ છે.’
કમળાના
મૃત્યુ વખતે એમણે એની સંતતિને સંબોધીને કહ્યું :
‘તમે
તમારી દાદીમા પાસે શા માટે નથી જતાં
? એ
તમને સૌને છોડી જવાની તૈયારીમાં છે.’
અને કમળાના
મૃત્યુ પછી એનાં સંતાનોને એક સાચા શુભચિંતક સ્નેહાળ સ્વજનની પેઠે પોતાના કોઈક
માનવ શિષ્યને સાંત્વન આપતા હોય તેમ સાંત્વન આપતાં અને સહાનુભૂતિ બતાવતાં
કહેવા લાગ્યા : ‘
રોઝ, તારી દાદી કમળા તને છોડી ગઈ.’
* *
* * * * * * * * * *
મહર્ષિનું
જીવનવૃત્તાંત અંગ્રેજીમાં લખનાર ભક્ત શ્રી બી.વી. નરસિંહ સ્વામીને આશ્રમના
કૂતરા સંબંધમાં વરસો પહેલાં એકવાર વાત નીકળતાં જે કહેલું તે ખાસ નોંધવા જેવું
છે. એમણે જણાવેલું : ‘કરુપ્પન
એના નામ પ્રમાણે આખા અંગે કાળો હતો. એ ઉચ્ચ આદતો તથા સિદ્ધાંતોમાં રુચિ
રાખતો. અમે વિરૂપાક્ષી ગુફામાં રહેતા ત્યારે કોઈ કોઈ વાર એની કાળી આકૃતિને
થોડેક દૂરથી જોઈ શકતા. કેટલીક વાર ઝાડપાન પાછળથી એનું મોઢું જ દેખાતું. એ
વૈરાગ્યવાન હોય ને કોઈનો સંસર્ગ ના ચાહતો હોય એવી છાપ પડતી. અમે એના વૈરાગ્ય
ને સ્વાતંત્ર્યને માન આપતા અને એના સ્થાનની નજીક એને માટેનું ભોજન મૂકી દેતા.
એકવાર અમે પર્વત પર ચઢી રહેલા ત્યારે એણે એકાએક અમારા માર્ગની વચ્ચે આવીને
મારી તરફ પ્રેમથી કૂદીને પૂંછડી પટપટાવવા માંડી. એણે એ આખીયે મંડળીમાંથી
પોતાના પ્રેમને પ્રકટ કરવા માટે મને જ કેમ પસંદ કર્યો એ એક આશ્ચર્ય હતું.
ત્યારથી એણે એક આશ્રમવાસી તરીકે રહેવા માંડ્યુ.
‘એનો
આત્મા ખરેખર ઉચ્ચ હતો અને સેવાભાવથી સંપન્ન. ધીરે ધીરે એણે એકાંતિક સ્વભાવને
છોડી દઈને માયાળુ થવાનું શરૂ કર્યું. એ સાર્વત્રિક ભ્રાતૃભાવના આદર્શમાં
વિશ્વાસ રાખતો. દરેક મુલાકાતી અથવા આશ્રમવાસી સાથે ભળી જઈને ગેલ કરતાં એ એના
ખોળામાં અથવા એની સોડમાં બેસી જતો. કેટલાક એને પસંદ કરતા તો કેટલાક એનાથી દૂર
રહેતા. પરંતુ એ પોતાના પ્રયત્નોમાં પાછો ના પડતો. કોઈ વાર એને શાંત રહેવાનો
આદેશ આપવામાં આવતો તો આશ્રમના એકાદ આદર્શ સાધુની પેઠે એનું પાલન કરતો.
‘એકવાર
અમારી ગુફાની બાજુના એક બિલીવૃક્ષ પાસે બેસીને એક જુનવાણી બ્રાહ્મણ મંત્રજપ
કરતો’તો
ત્યારે એ એની પાસે પહોંચ્યો. બ્રાહ્મણ કૂતરાઓને અપવિત્ર માની એમનાથી દૂર
રહેતો, તો પણ કરુપ્પન એની પાસે જવા લાગ્યો. એ બ્રાહ્મણની લાગણીનો ખ્યાલ કરીને
એક આશ્રમવાસીએ એને ત્યાં જતો અટકાવવા માટે લાકડી ઉગામીને એની ઉપર ધીમેથી
પ્રહાર પણ કર્યો. તે પછી કરુપ્પન બૂમ પાડતો નાસી ગયો.
‘એણે
એ દિવસથી આશ્રમનો ત્યાગ કર્યો અને એ પછી એ દેખાયો જ નહિ. એનો સ્વભાવ જ એવો
સંવેદનશીલ અથવા લાગણીપ્રધાન હતો કે એકવાર જ્યાં એની સાથે બૂરો વર્તાવ કરવામાં
આવતો ત્યાં એ ફરીવાર પગ જ ના મૂક્તો. પેલા આશ્રમવાસીને એકવાર પહેલાં સાવધાન
કરવામાં આવેલો તો પણ એ કૂતરાના આદર્શો અને સ્વભાવથી બરાબર માહિતગાર ના હોવાથી
એ એને મારવાની મોટી, મહાભંયકર ભૂલ કરી બેઠો. પહેલાં પલનિ સ્વામી વાણી ને
વર્તનમાં કરુપ્પન પ્રત્યે કડકાઈ રાખતા. એક દિવસ એમના કડક વ્યવહારની અસર એટલી
બધી ખરાબ થઈ કે વરસાદની ઋતુની ઠંડી રાતે કરુપ્પને આશ્રમના આંગણાનો ત્યાગ
કર્યો. એ આશ્રમથી થોડે દૂર પડેલી કોલસાની કોથળી પર પડી રહ્યો. બીજે દિવસે
સવારે એને પાછો બોલાવ્યો ત્યારે જ એ પાછો ફર્યો.
’એક
બીજા નાના કૂતરાની કથા પણ એવી જ રસપ્રદ છે. વિરૂપાક્ષી ગુફામાં અમારી સાથે
રહેતા એ કૂતરા પર પલનિ સ્વામીએ થોડાં વરસો પહેલાં પ્રહાર કર્યો હતો. એ
પ્રહારથી પીડિત થઈને એ શંખતીર્થ તળાવની દિશામાં ગયો. થોડા વખત પછી એની કાયા એ
તળાવના પાણી પર તરવા લાગી. પલનિ સ્વામીને ને બીજા બધાને તરત કહેવામાં આવ્યું
કે કૂતરાઓ અને આશ્રમમાં રહેતાં બીજા પ્રાણીઓ બુદ્ધિશાળી છે અને સિદ્ધાંતવાદી
છે;
માટે એમની સાથે ખરાબ વર્તન ના કરાવું જોઈએ. કેવા કેવા અદભુત આત્માઓ એમનાં
શરીરોમાં રહીને જીવી રહ્યા છે અને આપણા સંસર્ગમાં રહીને એમનાં અધૂરા રહેલાં
કર્મોનો કયો ફળભોગ પૂરો કરી રહ્યા છે તેની ખબર કોને પડે છે
?’
આશ્રમમાં
રહેતાં અસાધારણ બુદ્ધિમત્તા કે ચતુરતાવાળાં કેટલાંક કૂતરાંઓ અજાણ્યાના
માર્ગદર્શકનું કામ પણ કરી બતાવતાં. કમળા, સેગપ્પન અને એવાં બીજાં કૂતરાંઓ
અપરિચિતોને અરૂણાચલ પર્વત પર ફેરવતાં. મહર્ષિ ફક્ત એટલું જ કહેતા :
‘કમળા,
આમને લઈને બધું બતાવી આવ તો !’
અને કમળા એ આજ્ઞાનું પાલન કરતાં નવાગંતુક દર્શનાર્થીને ગુફા, તળાવ, મૂર્તિઓ
તથા જોવા જેવું બધું જ બતાવતી અને પાછી લાવતી.
જેકની અંદર
પણ આજ્ઞાકારિતા, ચતુરતા અને સંવેદનશીલતાનો સમન્વય થયેલો દેખાતો. એક વાર
મહર્ષિ બીજા કેટલાક ભક્તો સાથે વિરૂપાક્ષી ગુફામાંથી અરૂણાચલ પર્વત પર
પરિભ્રમણ કરવા નીકળ્યા. એ પર્વતીય પથ પરથી જંગલમાંથી પસાર થતા આગળ વધવા માગતા’તા.
ગુફાની નજીક બેઠેલા જેકને જોઈને બહાર નીકળતી વખતે મહર્ષિએ કહ્યું :
‘
અમે ફરવા જઈએ છીએ તો તું હવે શહેરમાં જા.’
એ બધા પર્વત
પર દક્ષિણ તરફ આગળ વધ્યા. એકાદ માઈલ જેટલું અંતર કાપ્યા પછી એમણે જોયું તો
જેક મહર્ષિની આજ્ઞાનું પાલન કરતો હોય તેમ પર્વત પરથી શહેરની દિશામાં નીચે
ઊતરતો દેખાયો. થોડાક વખત પછી એ દેખાતો બંધ થયો.
થોડુંક
વધારે અંતર કાપ્યા પછી એમણે ફરીવાર જોયું તો એ નીચે ઊતરીને ફરી પાછો ઉપર
ચઢેલો અને એમની પ્રતીક્ષા કરતો એમના માર્ગમાં શાંતિપૂર્વક ઊભો રહેલો. એને
જોઈને મહર્ષિ બોલી ઊઠ્યા :
‘અમારી
સાથે આવવાને બદલે તું સીધો આશ્રમમાં જ પહોંચી જા એ બરાબર છે.
’
કૂતરાને એ
શબ્દો પસંદ તો ના પડ્યા, પરંતુ મહાકવિ કાલિદાસના શબ્દોમાં
‘आज्ञा
गुरूणांह्यविचारणीया ’
અર્થાત્ મોટા માણસો, વડીલો કે ગુરૂજનોની આજ્ઞા કોઈ પણ પ્રકારના વિરોધી વિચાર
વિના પાળવી જ જોઈએ એ ઉક્તિને માન આપતો હોય તેમ એ ઉદાસ થઈને આશ્રમ તરફ આગળ
વધ્યો.
જેકમાં બીજા
સદગુણો પણ નહોતા દેખાતા એમ નહિ. એ એક મહાન તપસ્વી કે સંયમી હતો અને નીરવતા
તથા શાંતિને પસંદ કરતો. સવારે એ દેવદાસીના ઘરમાં ઈશ્વરને અર્પણ કરવામાં આવેલા
પ્રસાદનો નાસ્તા તરીકે અંગીકાર કરતો, પછી પૂજારી સાથે અરૂણાચલ પર્વત પરના
મંદિરે જતો, અને પૂજારીનો સાથ ત્યાં જ છોડી દઈને મહર્ષિને મળવા વિરૂપાક્ષી
ગુફામાં જઈને બાજુની ગુફામાં શાંતિપૂર્વક મૌન ધારણ કરીને બેસી રહેતો. કોઈ
બીજા કૂતરાઓ સાથે ફરવાનું કે લડવાનું એને કદી પણ ના ગમતું. સવારે નવથી સાડા
નવ દરમિયાન બહાર નીકળીને પર્વતની તળેટીના મંદિરનું નૈવેદ્ય મેળવતો ને પોતાની
પ્રિય ગુફામાં પાછો ફરતો. આશ્રમમાં જે કાંઈ મળતું એથી એ સંતોષ પામતો ને
ફરીવાર ગ્રહણ કરવાની ઈચ્છા ના રાખતો. સાંજે એ જ દેવદાસીને ઘેર રાત્રીભોજન
માટે પહોંચી જતો. ત્યાં જે મળતું તે ખાઈને એક મઠમાં પેલા પૂજારી પાસે સૂઈ
રહેતો. એનું જીવન સાધક અથવા સાધુનું જીવન હતું. એકવાર એક ચિત્તાએ એને પકડ્યો
ત્યારે પૂજારીએ બૂમ પાડવાથી ચિત્તો એને છોડીને નાસી ગયો. એ વખતે તો એની રક્ષા
થઈ પરંતુ પાછળથી ઈ.સ. ૧૯૦૫–૬માં
એ જ ચિત્તાના હાથમાં સપડાઈને કહે છે કે એ મૃત્યુ પામ્યો.
મહર્ષિ એમના
સમાગમમાં આવનારાં સઘળાં પ્રાણીઓ પર પ્રેમ રાખતા. એમનો એમની સાથેનો વ્યવહાર
વિશદ, સ્વાર્થરહિત અને ઉત્તમ રહેતો. એ એમની સાથે વાતો કરતા અને એ સમજી તેમ જ
પાળી શકે એવી સાદીસીધી સૂચનાઓ પૂરી પાડતા. એ એમનાં સુખદુઃખનું, ભોજનનું,
સ્નાનનું, શયનનું અને એમની સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખતા. એ એમનો ઉલ્લેખ
આશ્રમવાસીઓ તરીકે જ કરતા અને આશ્રમનાં બાળકોની જેમ જ એમને સૌથી પહેલાં
જમાડવાનો આગ્રહ રાખતા. એમને જમાડ્યા પછી ક્ષુધાર્ત યાચકો કે દરિદ્રનારાયણોને
જમાડવામાં આવતા અને સૌથી છેલ્લે મહર્ષિ, આશ્રમવાસીઓ અને દર્શનાર્થીઓ ભોજન
કરતા. દરરોજ ભોજન કે નાસ્તો કરતી વખતે બધા જ પ્રસંગે એ પરિપાટીનું પાલન
કરવામાં આવતું. આશ્રમને માટે એ પરિપાટી સ્વાભાવિક બની ગયેલી.