Shri Yogeshwarji's biography in Gujarati on

રમણ મહર્ષિ

Bhagavan Ramana Maharshi : Life and works

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

ભગવાન રમણ મહર્ષિ

NEXT >

2. સાધનાનો સાર

 

એમની સાધનાપદ્ધતિ કોઈ પણ પ્રકારના આડંબર અને દંભથી રહિત, સરળ તથા સુસ્પષ્ટ અને સીધી હતી. એને સમજાવતી વખતે એમણે કોઈ કઠિન શબ્દપ્રયોગોનો આધાર નથી લીધો. એ સાધના કોઈ બાહ્ય સિદ્ધિઓની પ્રાપ્તિ માટે ન હતી પરંતુ સ્વાત્મસિદ્ધિ માટે હતી. એ પ્રત્યેક સાધકને પોતાના મૂળભૂત વાસ્તવિક સ્વરૂપને જાણી લેવાનો આદેશ આપતા. સ્વરૂપની શોધ એમની સાધનાનું એકમાત્ર ધ્યેય હતું. એ શોધ પૂરી થતાં અથવા સ્વરૂપનો સાક્ષાત્કાર સહજ બનતાં બીજી બધી જ સમસ્યાઓ ઊકલી જશે ને જીવન સનાતન સુખશાંતિ તથા સાર્થકતાથી સંપન્ન બનશે એવો એમનો અભિપ્રાય હતો. સ્વરૂપના સાક્ષાત્કારના સંદેશને એમની સાધનાનો મધ્યવર્તી વિચાર કહી શકાય. એ એમની સાધનાનું એકમાત્ર ધ્રુવપદ હતું. શંકરાચાર્યે कस्त्वम् તું કોણ છે થી શરૂ કરીને પ્રશ્નોની પરંપરા રજૂ કરતાં આગળ પર શોધી કાઢવાનું કહ્યું છે કે આ સંસાર શું છે, ક્યાંથી ને કેવી રીતે પેદા થયો છે, માતા કોણ છે ને પિતા સાથે કેવોક સંબંધ છે ! મહર્ષિ પણ સાધકોને એવી રીતે વિચારવાનું કહેતા પરંતુ પ્રશ્નોની પરંપરા રજૂ કરવાને બદલે એક જ પ્રશ્નનો પ્રત્યુત્તર મેળવવાનો આદેશ આપતાં. એ મૂળભૂત પ્રશ્નનો પ્રત્યુત્તર મળતાં બીજા બધા જ નાના મોટા પ્રશ્નો ઊકલી જશે ને સમસ્યાઓ શાંત થશે. એમનો એ પ્રશ્ન कोङहम् અથવા હું કોણ છું એ રહેતો. એના ઉત્તર સારું એ સાધકને ઉત્સાહિત કરતા.

 ‘હું કોણ છું એ જિજ્ઞાસાનો જવાબ મેળવવાનો માર્ગ પણ એટલો જ સ્પષ્ટ હતો. એ માર્ગ વિચારનો હતો. વેદાંતની પ્રસિદ્ધ પદ્ધતિ પ્રમાણે શંકરાચાર્યે પોતાના ગ્રંથ વિવેકચૂડામણીમાં अतः विचारः कर्तव्यः। એટલા માટે આત્મવિચારનો આધાર લેવો જોઈએ એવું જણાવીને વિચાર કરતાં શીખવાની ભલામણ કરી છે. મહર્ષિ પણ સ્વરૂપના સંશોધન માટે આત્મવિચારની એ જ પુરાતન છતાં પ્રાણવાન સનાતન પદ્ધતિનો આશ્રય લેવાનો આદેશ આપે છે. પરંતુ સાથે સાથે સ્પષ્ટ કરે છે કે સ્વરૂપનો સાક્ષાત્કાર એકલા વિચાર દ્વારા નહિ થઈ શકે. વિચારની શક્તિ ગમે તેટલી બળવાન હોય તો પણ એની એક મર્યાદા છે. એ મર્યાદાથી આગળ વધવાનું કામ એને માટે મુશ્કેલ છે. આત્મવિચારની મદદથી સ્વરૂપનો બૌદ્ધિક શંકારહિત સુનિશ્ચય થઈ શકે ખરો પરંતુ સ્વાનુભવ ના થાય. સ્વાનુભવને માટે તો વિચારને શાંત કરી, એ વિચારને પ્રકટાવનારા કે પોષનારા મનનો પણ લય કરીને, મન, વાણી ઈન્દ્રિયો તથા શરીરથી પારના પ્રદેશમાં પહોંચવું જોઈએ. એ પછી જ સ્વરૂપનો સાક્ષાત્કાર સહજ બની શકે. શંકરાચાર્ય તથા મહર્ષિ બંનેએ એ મહત્વના સાધનમાર્ગનું પ્રતિપાદન કર્યું છે. જે સ્વરૂપની શોધ કરવા માટે સાધકે નિશ્ચય કર્યો છે તે સ્વરૂપ ક્યાંય બહાર નથી પરંતુ એની પોતાની અંદર હોવાથી એના સ્વાનુભવ માટે વૃત્તિને અંતર્મુખ કર્યા સિવાય છૂટકો નથી.

વૃત્તિને અંતમુર્ખ કરીને કરાતા ધ્યાનના પરિણામરૂપે સમાધિની સિદ્ધિ થતાં સ્વરૂપનો સાક્ષાત્કાર સહજ બને છે. એ વખતે આત્માની અમૃતમય અનાદિ સત્તા જ શેષ રહે છે. એની સાથે સીધો સંબંધ બંધાય છે અને સંનિધિમાં, એના એ અલૌકિક સ્વર્ગીય સ્વાનુભવની ફળશ્રુતિ રૂપે સાધક અસાધારણ સનાતન સુખશાંતિનો આસ્વાદ પ્રાપ્ત કરીને કૃતાર્થ બને છે. એની સાધના સાર્થકતાને વરે છે, જિજ્ઞાસાવૃત્તિને પૂરેપૂરો જવાબ મળે છે, અને હું કોણ છું ની શોધ સફળ ઠરે છે.

* * *          * * *          * * *          * * *

એ દૃષ્ટિએ જોતાં એમની સાધના શુદ્ધ જ્ઞાનમાર્ગની અથવા જ્ઞાનયુક્ત ધ્યાનમાર્ગની સાધના હતી. એની અંદર જ્ઞાન અને ધ્યાનનો સુભગ સમન્વય થતો. અને પ્રેમ અથવા ભક્તિથી રહિત તો એ નહોતી જ. પ્રેમ અથવા ભક્તિથી રહિત સાધના ભાગ્યે જ સફળ થઈ શકે. આત્મવિકાસના અસાધારણ ક્ષેત્રમાં આગળ વધવા માટે સાધકના દિલમાં ભાવ તથા લગન જોઈએ. એમાંથી સમર્પણની સ્વર્ગીય સૃષ્ટિ પેદા થતી હોય છે. એ સમર્પણભાવ સાધનાની નિર્ધારિત સિદ્ધિને માટે મોટા મોટા ભોગો આપવાનું મનોબળ તથા સામર્થ્ય પૂરું પાડે છે. મહર્ષિની અંદર એવી સમજપૂર્વકની શુદ્ધ શ્રદ્ધાભક્તિ હતી એટલું જ નહિ પરંતુ એના સર્વોચ્ચ સ્વરૂપમાં હતી એની પ્રતીતિ એમના સતત સાધનાત્મક જીવનનું વિહંગાવલોકન કરનારને સહેલાઈથી થઈ રહે છે.

એ ઉત્કટ આદર્શ શ્રદ્ધાભક્તિથી યુક્ત થઈને જ એમણે એમની આત્મસાધનાના અરૂણોદય સમયે ભગવાન અરૂણાચલનો આશ્રય લીધેલો. એમનું શરણ લઈને એમનાં શ્રીચરણોમાં સર્વસમર્પણ કરેલું અને એમને જીવનના પથદર્શક અને સારસર્વસ્વ માનીને એમની પ્રશસ્તિ કરેલી. પોતાના જીવનનું સારથિપદ એમને સુપ્રત કરેલું. એ સમર્પણયુક્ત શ્રદ્ધાભક્તિએ એમના જીવનવિકાસમાં ઘણો મોટો ભાગ ભજવેલો એમાં શંકા નથી. ભગવાન અરૂણાચલ પર રચાયલાં એમનાં પદો કે સ્તોત્રો દ્વારા એ હકીકતને પુષ્ટિ મળે છે. એમનું સહાનુભૂતિપૂર્વક તટસ્થ રીતે અધ્યયન કરવાથી એવા સુવિચારિત નિર્ણય પર પહોંચ્યા વિના નથી રહેવાતું કે એમની જીવનસાધનામાં જ્ઞાન, ધ્યાન અને ભક્તિ ત્રણેએ અત્યંત અગત્યનો ભાગ ભજવેલો અથવા એ ત્રણેનો ત્રિવેણીસંગમ થયેલો.

* * *          * * *          * * *          * * *

છતાં પણ એમની સાધના સમાધિના અતીન્દ્રિય પ્રદેશમાં થનારી આત્માનુભૂતિ પૂરતી જ સીમિત ન હતી. એવી આત્માનુભૂતિને એક સોપાનમાત્ર માનીને એ એથી પણ આગળ વધવામાં ને સમસ્ત જીવનને સહજ આત્માનુભૂતિથી અલંકૃત કરવામાં માનતી. સમાધિનો એને મોહ નહોતો અને આરંભમાં જો હતો તો કેવળ એની અંદર રહેલી સ્વરૂપદર્શનની શક્યતાને લીધે જ. પછી તો એને માટે જાગૃતિ અને સમાધિના ભેદ નહોતા રહેતા, ને જાગૃતિમાં પણ સમાધિમાં થયેલો એ અલૌકિક આત્માનુભવ એવો જ અખંડ રહેતો એ એની વિશેષતા હતી. વ્યવહારમાં પણ એની જ્યોતિ જલતી રહેતી.

મહર્ષિ સમાધિ કરતાં સ્વરૂપના સાક્ષાત્કારને અથવા આત્માનુભવને વધારે મહત્વનો માનતા અને એના તરફ પ્રત્યેકનું ધ્યાન ખેંચતા. એ પોતે એવા આત્માનુભવની મંગલમય મૂર્તિ જેવા હતા. સમાધિ તો એમને સારુ સહજ હતી જ, પરંતુ જાગૃતિમાં પણ એ નિત્યનિરંતર સર્વોત્તમ દેહાતીત દશાનો અનુભવ કર્યા કરતા, અને જે ચૈતન્યતત્વનો સ્વાનુભવ એમને સમાધિ દરમિયાન થયેલો તે તત્વની ઝાંખી જાગૃતિમાં પણ પ્રત્યેક પદાર્થમાં કરતા રહેતા. સમસ્ત સંસારમાં, સર્વકાળમાં, એમને એ પરમચેતનાનું દર્શન થતું. એમને મન સંસાર એના સાકાર રૂપ જેવો હતો.

કેટલાક લોકો એમની અસાધારણ અનુભવદશાને સહજ સમાધિની દશા તરીકે ઓળખાવે છે. પરંતુ એ દૃષ્ટિએ જોતાં જણાશે કે એ સહજ સમાધિની દૈવી દશા તો હતી જ; પણ એથીય આગળ વધીને અનવરત અખંડ આત્માનુભવની અલૌકિક અવસ્થા હતી. એને સહજ સમાધિની દશાને નામે ઓળખવા કરતાં સતત આત્માનુભૂતિની અવસ્થાને નામે ઓળખાવવામાં એ મહાપુરૂષને વધારે ન્યાય થશે. એમાં અધિક ઔચિત્ય લાગે છે.

જે સાધના કેવળ સમાધિસુખનો સ્વાદ પ્રાપ્ત કરવાની કળામાં કુશળ કરે પરંતુ એ સુખને સહજ ના કરે ને જાગૃતિમાં દૈવી પરમાત્મમયી દૃષ્ટિ ના ધરે એ સાધના જીવનને જ્યોતિર્મય કરીને સાધકને માટે ભાગ્યે જ ઉપયોગી કે આશીર્વાદરૂપ બની શકે. એને સંપૂર્ણ સાધના ના કહી શકાય. મહર્ષિની સાધનાની એ વિશેષતા હતી કે એ કોઈ પણ અવસ્થાને મહત્વની માનવાને બદલે એ તત્વની અનુભૂતિને જ અગત્ય આપતા ને સાધકનું ધ્યાન અવારનવાર તે તરફ જ દોર્યા કરતા. ધ્યેયનું વિસ્મરણ કદાપિ ના થવા દેતા.

એમના ઉપદેશોમાં ઈશ્વર શબ્દનો પ્રયોગ નથી મળતો. પરંતુ એનો અર્થ એવો નથી સમજવાનો કે એ ઈશ્વરમાં માનતા નહિ અથવા ઈશ્વર શબ્દનો પ્રયોગ એમને પસંદ નહોતો પડતો. ઈશ્વરના નામે માનવસમાજમાં વિવિધ પ્રકારના ખ્યાલો પ્રચલિત થયેલા છે. તેમને શુદ્ધ કરવા, સાચા રસ્તે વાળવા અથવા આદર્શ બનાવવા માટે એમની રજૂઆતની પદ્ધતિ ખૂબ જ ઉત્તમ, આદર્શ અને અનુકરણીય હતી. ઈશ્વર સૌની અંદર છે અને એટલા માટે જ એમની શોધ ક્યાંય બહાર નથી કરવાની, પરંતુ પોતાની અંદર કરવાની છે, એ એમની સાધનાનો અથવા એમના સદુપદેશનો પ્રધાન સૂર હતો.

એ કહે છે કે હૃદયરૂપી ગુફાની અંદર પરમાત્માનો નિવાસ છે. એ આત્મારૂપે ઓળખાય છે. એના સાક્ષાત્કાર અથવા અપરોક્ષ અનુભવને માટે મનથી પોતાના સંબંધી મનન કરવાની ને અંદરની દુનિયામાં ડૂબકી મારવાની આવશ્યકતા છે. એમ કરતાં પ્રાણવાયુનું સ્પંદન શાંત થતાં આત્માની નિષ્ઠાનો લાભ મળશે.

આ રહ્યો એમના સદુપદેશના સારરૂપ, એ વિચારધારાની અભિવ્યક્તિ કરતો, એમનો પરમ પ્રિય સુંદર શ્લોક:

‘‘हृदयकुहरमध्ये केवलं ब्रह्ममात्रं ।

 ह्यहमहमिति साक्षादात्मरूपेण भाति ॥

 ह्यदि विश मनसा स्वं चिन्वता मज्जता वा ।

 पवनचलनरोधादात्मनिष्ठे भव त्वम् ॥’’

* * *          * * *          * * *          * * *

મહર્ષિ પોતાની સાધનાપદ્ધતિમાં પ્રાણાયમ પ્રત્યે રસ નથી બતાવતા. એ તો ઉપદેશે છે કે સાધકે પોતાનું સમગ્ર ધ્યાન આત્મવિચાર અથવા હું કોણની શોધ પૂરતું જ કેન્દ્રિત કરી દેવું. એમ કરવાથી ધ્યાનમાં ધીમે ધીમે આગળ વધાશે ને એવા ક્રમિક અંતરંગ વિકાસના પરિણામે પ્રાણવાયુ આપોઆપ રોકાઈ જશે. એને રોકવા માટે કોઈને સ્વતંત્ર પ્રયત્ન કરવો હોય તો ભલે કરે. તેમાં કશી હરકત પણ નથી, પરંતુ એવો પ્રયત્ન સૌને માટે આવશ્યક નથી. આવશ્યક તો કેવળ હૃદયરૂપી ગુફામાં વિરાજેલા એ શાશ્વત સુધામય પરમાત્મતત્વની સીધી શોધ છે. એના પરથી ધ્યાનને હઠાવીને બીજે લગાડવાથી સાધકને માટે આડવાતમાં પડી જવાનો અથવા ખોટે ચીલે ચઢી જવાનો સંભવ રહે છે. સીધો માર્ગ મૂકીને બીજે ભળતે માર્ગે શા માટે ચઢવું જોઈએ ? સાધક ભળતે કે ખોટે માર્ગે ભૂલેચૂકે પણ ના ચઢી જાય એટલા માટે એ પ્રાતઃસ્મરણીય પ્રજ્ઞાપૂત મહાપુરૂષ અવારનવાર, સાધારણ અથવા અસાધારણ સર્વ પ્રકારના અવસરો ઉપસ્થિત થતાં સૂચવતા રહે છે કે સાધનાનું ધ્યેય આત્મદર્શન છે અને એની સિદ્ધિ પોતાની અંદર વધારે ને વધારે ઊંડા ઊતરવાથી થઈ શકે છે. એમના એ શબ્દો સાધકને માટે મહામૂલ્યવાન દૈવી દીવાદાંડી જેવા માર્ગદર્શક બની રહેતા.

* * *          * * *          * * *          * * *

એમની સ્વાનુભવયુક્ત સાધનાનો સંક્ષિપ્ત છતાં સારગર્ભિત સંદેશ નીચે પ્રમાણે એમના જ ઉદગારોમાં આપી શકાય :

. પોતાની ઓળખાણ આપતી વખતે પ્રત્યેક પુરૂષ અથવા સ્ત્રી અભિનય દ્વારા છાતી પર હાથ મૂકે છે એથી પૂર્ણપણે પુરવાર થાય છે કે અવિનાશી પરમાત્મા આત્મારૂપે પ્રત્યેક હૃદયમાં રહેલો છે.

. શરીરને આત્મારૂપે માનનારા અહંકારયુક્ત મનને એની ચંચલતામાંથી મુક્ત કરીને હૃદયની અંદર લીન કરવાંમાં આવે છે, શરીરની અંદરની આત્મબુદ્ધિને તિલાંજલિ આપવામાં આવે છે અને શરીરમાં રહેનારી ચેતના કઈ છે એની અંદરની દુનિયામાં શાંત મનથી શોધ થાય છે, ત્યારે અહં ના સુસૂક્ષ્મ પ્રકાશકિરણનો અનુભવ થાય છે. એ પ્રકાશ અથવા ચેતનની સ્ફુરણા શરીરરૂપી પુરમાં વિરાજેલા પરમ પુરૂષની, અનંત પરમાત્માની અથવા આત્માની જ સ્ફુરણા છે.

. એવા સ્વાનુભવ વખતે નિશ્ચલ અને શાંત રહેવું જોઈએ ને માનવું જોઈએ કે સર્વ રૂપે છતાં પણ સૌથી અતીત રહીને અંદર, બહાર અને સર્વત્ર દેશકાલાતીત ચેતનારૂપે એનો જ પ્રકાશ ફેલાઈ રહ્યો છે. એ પરમ સત્યનું ધ્યાન કહેવાય છે, ચોથી તુરીય અવસ્થાના નામથી ઓળખાય છે, અને એની અનુભૂતિ માટે શિવોઙહમ્  અથવા હું કલ્યાણકારક કલ્યાણસ્વરૂપ પરમાત્મા છું એ મંત્રનો આધાર લેવાય છે. એ મંગલ મંત્ર દ્વારા એનું જ પ્રતિપાદન કરવામાં આવે છે.

. ‘હું પરબ્રહ્મ છું એવા આત્માના દીર્ઘકાલીન, નિત્ય નિરંતર, સતત, સ્થિર ચિત્તના ધ્યાનના અભ્યાસથી આખરે અંતરની આગળનું અજ્ઞાનનું આવરણ દૂર થશે. એના પરિણામે પેદા થનારા બીજા બધા જ અંતરાયોનો અંત આવશે, ને પરિપૂર્ણ પ્રજ્ઞાનું પ્રાકટ્ય થઈ રહેશે. એ પદ્ધતિ પ્રમાણે શરીરની અંદર આવેલી હૃદય ગુફામાં રહેલા સત્ય તત્વને જાણી લેવું એ સૌની અંદર રહેનારા પરમાત્માનો સાક્ષાત્કાર કરવા બરાબર છે. હૃદયમાં સૌનો સમાવેશ થાય છે એટલા માટે.

. નિર્ગુણ નિરાકાર પરમાત્માની ઉપાસનાનું પ્રયોજન હું બ્રહ્મ છું એ સત્યનું કદી પણ વિસ્મરણ ના થાય તે છે, કારણ કે હું બ્રહ્મ છું એવા ધ્યાનમાં સમર્પણ, ભેટ અથવા નૈવેદ્ય, તપ, વિધિવિધાન, પ્રાર્થના, યોગ અને પૂજાસેવાનો સમાવેશ થઈ જાય છે. તમારા ધ્યાનમાં કોઈ અંતરાય આવે તો એને દૂર કરવાનો એકમાત્ર માર્ગ એના તરફ ધ્યાન નહિ આપવાની, અને આત્માનું અધિકાધિક અનુસંધાન સાધવાની મનને આજ્ઞા કરવાનો અથવા ટેવ પાડવાનો છે. જે કાંઈ બને તે બનતી તટસ્થ રીતે, અલિપ્ત ભાવે જોયા કરો. એ સિવાય બીજી કોઈ પદ્ધતિ નથી. એક વિપળને માટે પણ સ્વરૂપનું વિસ્મરણ ના થવા દો. એનું નિત્ય નિરંતર અનુસંધાન સાધો. મનને સ્વરૂપમાં જોડવું અથવા હૃદયમાં સ્ફુરતા અહંમાં કેન્દ્રિત કરવું એ બીજું કશું જ નથી પરંતુ યોગ, ધ્યાન, જ્ઞાન તથા ભક્તિની સાધનાનો સાર છે, એની સંપૂર્ણતા છે. એ હકીકતમાં કોઈ પ્રકારની શંકા નથી કરવા જેવી.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'રમણ મહર્ષિ : જીવન અને કાર્ય'માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer