Shri Yogeshwarji's biography in Gujarati on

રમણ મહર્ષિ

Bhagavan Ramana Maharshi : Life and works

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

ભગવાન રમણ મહર્ષિ

NEXT >

3. ગુરૂભાવ

 

ભારતીય ધર્મ, સાધના અથવા આધ્યાત્મિકતામાં સદગુરૂનો સ્વીકાર સર્વસામાન્ય રીતે અને સર્વસંમતિથી કરવામાં આવ્યો છે. ભક્તિ, જ્ઞાન અને યોગની ત્રિવિધ સાધનાના સમર્થકો ગુરૂની આવશ્યક્તાનો સ્વીકાર કરે છે. ગુરૂના સ્વાનુભવપૂર્ણ મંગલ માર્ગદર્શન વિના આગળ વધવાનું અશક્ય હોય છે.

સામાન્ય રીતે એ બરાબર પણ છે. વિકાસનો આરંભ કરવો હોય ત્યારે અને વિકાસની અધકચરી અવસ્થામાં માણસ પોતાની મેળે આગળ વધવામાં મૂંઝવણ તેમજ મુશ્કેલી અનુભવે છે. એ કોઈક પોતાના કરતાં વિશેષ શક્તિશાળી સ્વાનુભવસંપન્ન મહાપુરૂષનો આશ્રય શોધે છે અને એમના માર્ગદર્શનની આકાંક્ષા રાખે છે. પોતાની મેળે એકલે હાથે વિકાસ નથી કરી શકતો. માનવની પ્રકૃતિની એ રચનાને લક્ષમાં લઈને જ ગુરૂની આવશ્યક્તાનો સ્વીકાર કરવામાં આવ્યો છે, ગુરૂને આટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે, અને એ મહત્વથી પ્રેરાઈને ગુરૂની પાર વિનાની પ્રેમપૂર્ણ પ્રશસ્તિ કરવામાં આવી છે.

સાધકના જીવનમાં એક અવસ્થા એવી આવે છે જ્યારે વિકાસના પરિણામરૂપે એના હૃદયની શુદ્ધિ સધાતાં એની અંદરથી જ આત્મજ્ઞાનનો પાવન પ્રકાશ પેદા થાય છે. એવે વખતે એનો અંતરાત્મા જ એનો પથદર્શક અથવા ગુરૂ બને છે. એને બીજા કોઈ બાહ્ય ગુરૂની આવશ્યકતા નથી રહેતી.

મહર્ષિ પોતે એ બંને પ્રકારની વિચારધારાઓમાં માનતા હતા. એમની વચ્ચે એમને કોઈ પ્રકારનો વિરોધ નહોતો લાગતો. એ જાણતા કે માણસ આત્મવિકાસની આરંભિક અવસ્થામાં બાહ્ય ગુરૂનો આશ્રય લઈને આગળ વધશે, પરંતુ ધીમે ધીમે વિકાસ દૃઢમૂળ કે નક્કર બનતાં આત્મનિર્ભર બની રહેશે. એ દશામાં પરમાત્મા પોતે જ એના ગુરૂ બનશે અને એને આત્મિક વિકાસના મંગલમય માર્ગમાં આગળ વધારશે. બંને અવસ્થાઓમાં એ ગુરૂનો સ્વીકાર તો કરતા જ, એ એમના ઉદ્ ગારો પરથી સ્પષ્ટ થાય છે. પૂર્વજન્મના કોઈ મહાન સર્વોત્તમ સુસંસ્કારોના પરિણામરૂપે એમને કિશોરાવસ્થાથી જ ઉત્તમ પ્રકારની મેઘા, શક્તિ તથા સુયોગ્યતાની પ્રાપ્તિ થયેલી. એને લીધે એમને એમની અંદરથી જ આવશ્યક માર્ગદર્શન મળ્યા કરતું  હોવાથી કોઈ બાહ્ય ગુરૂની આવશ્યકતા નહોતી રહી. તો પણ એમની જીવનસાધનાનું અવલોકન કરવાથી સહેલાઈથી સુસ્પષ્ટતાપૂર્વક સમજી શકાય છે કે એમણે અરૂણાચલમાં ગુરૂભાવ રાખેલો અને એ ભાવથી પ્રેરાઈને અરૂણાચલની અવારનવાર પ્રશસ્તિ પણ કરેલી. અરૂણાચલના ચિન્મય ચારુ ચરણે એમણે પોતાનું સર્વસમર્પણ કરેલું. એ રીતે વિચારીએ તો એમને ગુરૂની આવશ્યકતા ન હતી તો પણ એમણે ગુરૂ નહોતા કર્યા અથવા કોઈની અંદર ગુરૂભાવ નહોતો રાખ્યો એવું ભૂલેચૂકે પણ ના કહી શકાય. સાધક પોતાની શ્રદ્ધાભક્તિને અનુસરીને ગમે તેની અંદર ગુરૂભાવ રાખી શકે છે, એને માટેની એને સંપૂર્ણ સ્વતંત્રતા છે, એ હકીકતનો એ સંપૂર્ણપણે સ્વીકાર કરતા.

એ સંબંધી વિશેષ સ્પષ્ટીકરણ માટે એમના વાર્તાલાપોમાંથી ગુરૂવિષયક વિવરણ પર એક દૃષ્ટિપાત કરી જઈએ :

એ વાર્તાલાપ ૩૦મી ઑક્ટોબર ૧૯૪૫નો છે. અરવિંદ આશ્રમના શ્રી દિલીપકુમાર રોયે એ વાર્તાલાપમાં ભાગ લીધો છે ને મહર્ષિએ  એમને પ્રત્યુત્તરો પૂરા પાડ્યા છે.                           

                      

દિલીપકુમાર    : કેટલાક માણસો તરફથી તમે એવું કહ્યાની માહિતી મળી છે કે ગુરૂની આવશ્યકતા બિલકુલ નથી. બીજાઓએ એથી જુદો જ અભિપ્રાય રજૂ કર્યો છે. મહર્ષિને પોતાને એ સંબંધી શું કહેવાનું છે ?

મહર્ષિ          : મેં એવું કદાપિ નથી કહ્યું કે ગુરૂની આવશ્યકતા નથી.

દિલીપકુમાર    : શ્રી અરવિંદે અને બીજાઓએ તમારા સંબંધી ઉલ્લેખ કરતાં કહ્યું છે કે તમે કોઈયે ગુરૂ નથી કર્યો.

મહર્ષિ          : બધાનો આધાર તમે ગુરૂ કોને કહો છો તેના પર રહે છે. એ સદા માનવના રૂપમાં જ રહેતા હોય છે એવું નથી હોતું. દત્તાત્રેયે ચોવીસ ગુરૂ કરેલા : પૃથ્વી, પાણી જેવાં પરમ મહાભૂતો અને એવા કેટલાક બીજા. એનો અર્થ એવો થયો કે સંસારનો પ્રત્યેક પદાર્થ એમનો ગુરૂ હતો. ગુરૂ ખરેખર અને અનિવાર્યરૂપે આવશ્યક છે. ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે કે બુદ્ધિ તથા ઈન્દ્રિયોના વિષયોરૂપી જંગલમાંથી માણસને સહીસલામત રીતે બહાર કાઢવાની શક્તિ ગુરૂ વિના બીજા કોઈમાં નથી હોતી. એટલે ગુરૂ તો હોવા જ જોઈએ. એમની આવશ્યકતા છે જ.

દિલીપકુમાર    : હું માનવ ગુરૂની વાત કરી રહ્યો છું. મહર્ષિએ એવા ગુરૂ નહોતા કર્યા.

મહર્ષિ          : મેં એક અથવા બીજે વખતે કોઈક ગુરૂ કર્યા હોત. પરંતુ મેં અરૂણાચલનાં સ્તવનો નથી ગાયાં ?  ગુરૂ ઈશ્વર અથવા આત્મા પોતે જ છે. શરૂઆતમાં માણસ ઈશ્વરને પોતાની ઈચ્છાઓની પૂર્તિને માટે પ્રાર્થે છે. પરંતુ એક વખત એવો પણ આવે છે જ્યારે એ લૌકિક ઈચ્છાઓની પૂર્તિને માટે પ્રાર્થવાને બદલે ઈશ્વરને પોતાને માટે જ પ્રાર્થવાનો પ્રારંભ કરે છે. એ વખતે એની પ્રાર્થનાના પ્રત્યુત્તરરૂપે અને એની આવશ્યક્તાઓને અનુસરીને એને પોતાના તરફ દોરવા માટે ઈશ્વર એની આગળ માનવ અથવા અમાનવ, એક અથવા બીજા સ્વરૂપમાં પ્રકટ થાય છે.

 

એ સુંદર વાર્તાલાપ દ્વારા સ્પષ્ટ થાય છે કે મહર્ષિને કોઈ માનવ ગુરૂ નહોતા મળ્યા પરંતુ એમના જીવનમાં એમની આવશ્યકતા પણ નહોતી રહી. એમની આધ્યાત્મિક યોગ્યતા આરંભથી જ અત્યંત અસાધારણ હોવાથી એમને બીજા સામાન્ય સાધકો કે સંતોની સાથે એક જ ત્રાજવે તોળવાનું કામ ભારે અજ્ઞતાપૂર્ણ અને એમને અન્યાય કરનારું લેખાશે. એમણે ગુરૂનો સ્વીકાર કર્યો છે ને ગુરૂ કર્યા છે પણ ખરા, પરંતુ એમના ગુરૂ એકદમ અલૌકિક હતા. એમણે પોતે જ કહી બતાવ્યું છે તેમ, ગુરૂ માનવીય હોય એ આવશ્યક નથી. એ કોઈયે હોઈ શકે - પરમાત્મા પોતે પણ. સાધકની આવશ્યક્તાને અનુસરીને એ કોઈયે વેશમાં આવી શકે છે.     

        એ ગુરૂ તથા ગુરૂભાવનો વિરોધ નહોતા કરતા, પરંતુ ગુરૂને આત્મારૂપે અથવા પરમાત્માના પ્રતિનિધિ તરીકે જોવાનો ઉપદેશ આપતા તથા અધિકાધિક અંતર્મુખ થવાનું શીખવતા. માણસની ભાવનાને ઓળખી લઈને એનો અનાદર કર્યા વિના એને વધારે વિશુદ્ધ કરવાની પદ્ધતિ એમને વધારે પસંદ પડતી.

        પ્રસિદ્ધ થિયોસોફીસ્ટ શ્રી જીવરાજદાસની પત્નીએ એકવાર એમની મુલાકાત લીધી. એ દિવસ ૧૯મી ફેબ્રુઆરી ૧૯૩૭નો હતો. એમનો એમની સાથેનો વાર્તાલાપ જાણવા જેવો છે.

 

શ્રીમતી જીવરાજ        : શ્રીમતી બેસન્ટના સમયમાં અમે સત્પુરૂષો કે સદ્ ગુરૂઓનું ધ્યાન કરવા પાછળ ઘણો વધારે વખત પસાર કરતાં. સદ્ ગુરૂઓ કે સત્પુરૂષો ખરેખર ઉપયોગી થઈ પડે છે  ખરા ?

મહર્ષિ          : સાધક પોતે જ્યાં સુધી દેહભાવે અનુભવતો હોય ત્યાં સુધી સદ્ ગુરૂઓનું અસ્તિત્વ બાહ્ય રીતે રહેતું હોય છે. એ સંજોગોમાં એ એના સંબંધી સત્ય જ્ઞાન પૂરું પાડવામાં ઉપયોગી થાય છે. એકવાર સાધક પરમ સત્યનો સાક્ષાત્કાર કરીને દેહભાવમાંથી મુક્તિ મેળવે છે કે તરત જ અનુભવે છે કે સદ્ ગુરૂઓમાં ને એનામાં કશો તફાવત નથી. એ આત્મા અથવા પરમ ચેતનાના સ્વરૂપ જેવા જ છે. સદ્ ગુરૂઓ જો આત્માથી અલગ અથવા બહાર રહેતા હોય તો તો બહારની આવૃત્તિઓ જેવા હોવાથી સાચા નહિ હોઈ શકે. કારણ કે જે આવે છે તે જાય છે પણ, અથવા સનાતન નથી હોતા. સત્ય હકીકત તો એ છે કે આત્મા, પરમાત્મા અને ગુરૂમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી હોતો. એ એક જ છે.

                        * * *          * * *          * * *          * * *

મહર્ષિ અરૂણાચલને ગુરૂરૂપે માનતા એ એમના પોતાના જ ઉદગારો પરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે.

એમણે રચેલી સુપ્રસિદ્ધ સ્તુતિ અરૂણાચલ-શિવની થોડી જ પંક્તિઓનું મનન કરવાથી એમના અરૂણાચલ પ્રત્યેના પ્રખર પ્રેમની ઝાંખી સંપૂર્ણપણે ને સારી રીતે થઈ શકે છે.

હે અરૂણાચલ ! મારા ઘરમાં પ્રવેશી અને મને મોહિત કરીને, મને તારા હૃદયરૂપી બંદીખાનામાં શા માટે બંદી બનાવ્યો છે ?’

હે અરૂણાચલ ! તેં મારા પર અધિકાર કર્યો છે તે તારા આનંદ માટે કર્યો છે કે મારા કોઈ લાભ માટે ? હવે જો મને અપનાવવાને બદલે મારો પરિત્યાગ કરશે તો દુનિયાના લોકો તને કલંક લગાડશે.

એ કલંક તને ના લાગે તેનું ધ્યાન રાખજે, ઓ અરૂણાચલ ! તું મને તારું વારંવારનું સ્નેહપૂર્વકનું સ્મરણ શા માટે કરાવી રહ્યો છે ? હવે મારાથી તારો ત્યાગ કેવી રીતે કરી શકાય ?’

ચંચલ મન તારું દર્શન થતાંવેંત જ વિષયોની શોકયુક્ત શેરીઓમાંથી પાછું વળી જશે. એટલા માટે ઓ અરૂણાચલ, તારા સનાતન શ્રેષ્ઠતમ સૌન્દર્યનો સાક્ષાત્કાર કરાવીને એને માટે તારા પ્રખર પ્રેમપાશમાં બાંધી દે !

મારા હૈયાનું તેં હરણ કર્યું છે, અરૂણાચલ ! હવે જો મને આલિંગનનો આનંદ નહિ આપે તો તારી વીરતાનાં વખાણ કેવી રીતે કરી શકાશે ?’

ઓ અરૂણાચલ ! મને સર્વ પ્રકારની ભૂલોમાંથી મુક્તિ આપ, તારા અલૌકિક અનુગ્રહનો અધિકારી કરી દે, ને મારા સદ્ ગુરૂ રૂપે કાર્ય કર !

હું તારી પાસેથી પોષણ મેળવવા આવેલો, પણ તેં મારી પાસેથી મારા પ્રેમનું પોષણ મેળવ્યું છે,  અરૂણાચલ ! હવે મને શાંતિ છે.

હે અરૂણાચલ ! બરફ જેવી રીતે પાણીમાં ઓગળી જાય છે તેવી રીતે મને તારા પ્રેમમાં પ્રેમ બનીને ઓગળી જવા દે. તું પ્રેમ પોતે છે.

હે અરૂણાચલ ! તું મને આલિંગન નહિ આપે ત્યાં સુધી મારું અંતર અફસોસના અશ્રુથી ઓગળતું રહેશે.

હે અરૂણાચલ ! તેં શાંતિપૂર્વક ઊભા રહીને કહ્યું કે શાંતિપૂર્વક ઊભો રહે. તારો એ સંદેશ મેં સાંભળી લીધો છે.

સૂર્યના કિરણોનો સ્પર્શ પામીને કમળદલ ખીલી ઊઠે છે, તો પછી તું સૂર્યોનો પણ સૂર્ય છે, છતાં મારી આગળ મધમાખીની જેમ ગુંજારવ કરતાં કહે છે કે તું હજુ સુધી નથી ખીલી ઊઠ્યો તે શું બરાબર છે ?’

તું જડની જેમ ત્યાં ઉભો રહ્યો છે ને તારી શોધ માટે તેં મને એકલો જ છોડી દીધો છે તે જોઈને તને સહેજે પણ શરમ નથી આવતી, અરૂણાચલ ?’

અરૂણાચલ ! પથ્થરની પેટે જડ, નિષ્ક્રિય અને વિકાસરહિત બની બેસી રહેવું એ જ શું સાચી શાંતિનું અથવા મૌનાવસ્થાનું રહસ્ય છે ?’

અરૂણાચલ ! તને મારા ઈશ્વરરૂપે માનીને જ આ બધું બોલી રહ્યો છું. મારા શબ્દો સાંભળીને જરા પણ રોષે ના ભરાતો; પરંતુ મારી પાસે પહોંચી જઈને મને સુખી કરજે.

પરમપ્રિય અરૂણાચલ ! તેં મને ઉપદેશ આપ્યો કે અંદર દૃષ્ટિપાત કર, આંતર આંખની મદદથી સદા સ્વરૂપની શોધ કર; એમ કરવાથી સાક્ષાત્કાર સહજ બનશે.

જેના જીવનમાં એવો પરમપવિત્ર પ્રખર પ્રેમ પ્રકટી ઊઠે એની આગળ અવિદ્યારૂપી અંધકાર કદાપિ રહી શકે ખરો ? એના અંતરની અશાંતિનો અંત ના આવે અને એનું જીવન ઉત્સવમય ના બને એવું ભૂલેચૂકે પણ બની શકે ખરું ? સાધકના અંતરમાં સદ્ ગુરૂને માટે કેટલી બધી ઉત્કટ શ્રદ્ધાભક્તિ તેમજ લગન જોઈએ એનો ખ્યાલ એમના એ અરૂણાચલ સ્તોત્રના અનુરાગપૂર્ણ ઉદ્ ગારો પરથી સહેલાઈથી આવી શકે છે.  અરૂણાચલને માટેનો એમનો પ્રેમ કેટલી બધી પરિસીમા પર પહોંચેલો એનું દિગ્દર્શન એ સ્તોત્રો દ્વારા સંપૂર્ણપણે થઈ શકે છે.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'રમણ મહર્ષિ : જીવન અને કાર્ય'માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer