મહર્ષિ કર્મ
કરવાની પ્રથાના વિરોધી હતા એવું માનનારે આ વાર્તાલાપ ખાસ વાંચવા જેવો છે :
જિજ્ઞાસુ : પ્રવૃત્તિ કેવી રીતે મદદરૂપ થાય છે
?
આપણા મસ્તક પરથી ઉતારવાના મહાન બોજામાં તે વધારો નથી કરતી
?
મહર્ષિ
: નિસ્વાર્થભાવે કરાયેલાં કર્મો મનને નિર્મળ કરે છે ને ધ્યાનમાં
સ્થિર થવામાં મદદરૂપ બને છે.
જિજ્ઞાસુ : પરંતુ કોઈ પણ પ્રકારની બાહ્ય પ્રવૃત્તિ વિના નિરંતર ધ્યાન
જ કરવામાં આવે તો ?
મહર્ષિ
: કરી જુઓ. તમારી સુષુપ્ત વાસનાવૃત્તિઓ તેમ નહિ કરવા દે. ગુરૂની
કૃપાથી એમનો ક્રમેક્રમે હ્રાસ થતો જાય છે તેમ તેમ ધીમે ધીમે ધ્યાન જામતું જાય
છે. એકદમ ઉતાવળ કરવાથી નથી જામતું.
* *
* * * * * * * * * *
એક દિવસ એક
બીજા ભક્તે પૂછ્યું :
ભક્ત
: મને કુટુંબમાં રસ નથી રહ્યો. કુટુંબીઓની વચ્ચે રહીને મારે કશું જ
નથી કરવા જેવું;
મારું કર્તવ્ય મેં પૂરું કર્યું છે ને હવે ઘરમાં છોકરાનાં છોકરાં છે. મારે
ઘરમાં રહેવું જોઈએ કે એમને છોડીને ચાલી નીકળવું જોઈએ
?
મહર્ષિ
: તમે જ્યાં છો ત્યાં રહો તે જ બરાબર છે. પરંતુ અત્યારે તમે ક્યાં
છો ?
તમે ઘરમાં છો કે ઘર તમારામાં છે ?
તમારાથી ઘર જુદું છે ખરું ?
જો તમે તમારા મૂળ સ્થાનમાં સ્થિતિ કરશો તો સમજશો કે બધી વસ્તુઓ તમારામાં
વિલીન થઈ છે. પછી આવા પ્રશ્નો જ નહિ પેદા થાય.
ભક્ત
: તો પછી મારે ઘરમાં રહેવાનું છે એવું સમજી લઉં
?
મહર્ષિ
: તમારે તમારા મૂળભૂત વાસ્તવિક સ્વરૂપમાં રહેવાનું છે.
* *
* * * * * * * * * *
એક
બીજા ભક્તનો એમની સાથેનો વાર્તાલાપ પણ એમના બાહ્ય ત્યાગવિષયક વિચારોની
દૃષ્ટિએ અગત્યનો છે :
ભક્ત
: દુન્યવી જીવનમાં રહીને પણ હું આધ્યાત્મિક સાધનામાં રત રહી શકું
ખરો ?
મહર્ષિ
: અવશ્ય. માણસે એવી રીતે રત રહેવું જ જોઈએ.
ભક્ત
: દુનિયાનું જીવન અંતરાયરૂપ નથી
?
બધાં ઘર્મશાસ્ત્રો ત્યાગની ભલામણ નથી કરતાં
?
મહર્ષિ : દુનિયા ફક્ત મનની અંદર જ રહેલી છે.
‘હું
દુનિયા છું’
એવા પોકારો એ નથી પાડતી. જો એવા પોકારો પાડ્યા કરતી હોત તો તે તમારી
નિદ્રાવસ્થામાં પણ કાયમ રહેત. એનું અસ્તિત્વ નિદ્રા દરમિયાન નહિ હોવાથી એ
સનાતન નથી. સનાતન નહિ હોવાથી સત્ય પણ નથી, અને સત્ય નહિ હોવાથી આત્માના
અધિકારમાં આવી જાય છે. આત્મા જ એક શાશ્વત છે. અનાત્મ વસ્તુથી આત્માને અલગ
જાણી લેવો એ જ ત્યાગ છે. અજ્ઞાન દૂર થાય છે ત્યારે આત્મા સિવાયનું બીજું કશું
નથી અનુભવાતું. સાચો ત્યાગ એ જ છે.
ભક્ત
: તો પછી તમે તમારા ઘરને ઊગતી યુવાનીમાં શા માટે છોડી દીધું
?
મહર્ષિ
: મારું પ્રારબ્ધ એવું હતું માટે. માણસના વર્તમાન જીવનનો
વ્યવહારક્રમ એના પ્રારબ્ધ પ્રમાણે નક્કી થતો હોય છે. મારું પ્રારબ્ધ આ જાતનું
હતું : તમારું જુદી જાતનું છે.
ભક્ત
: હું પણ ત્યાગનો આશ્રય ના લઉં
?
મહર્ષિ
: તમારું પ્રારબ્ધ એવું હોત તો આવો પ્રશ્ન જ ના પેદા થાત.
ભક્ત
: તો પછી એનો અર્થ એવો થયો કે મારે સંસારમાં રહીને આત્મોન્નતિના
અભ્યાસનો આધાર લેવો જોઈએ. પરંતુ એવું કરવાથી મને આ જ જીવનમાં આત્મસાક્ષાત્કાર
થઈ શકશે ?
મહર્ષિ
: એનો ઉત્તર ક્યારનો અપાઈ ગયો છે. તમે હંમેશાં આત્મા છો. પ્રામાણિક
પ્રયત્નો કદી નિષ્ફળ નથી જતા. સફળતા મળશે જ એમાં કશી શંકા નથી.
* *
* * * * * * * * * *
મહર્ષિ
: તમે ગૃહસ્થી કે સંસારી છો એવું માનો છો શા માટે
?
સંન્યાસ લઈને બહાર નીકળશો તો પણ તમે સંન્યાસી છો એવો બીજો વિચાર તમારા મનને
ઘેરી લેશે. તમે ઘરમાં રહો કે તેનો ત્યાગ કરીને જંગલમાં જાવ, મન તમારી વચ્ચે
આવ્યા કરશે. વિચારોનું ઉદ્
ભવસ્થાન અહંભાવ છે. એ શરીરને તથા સંસારને ઉત્પન્ન કરે છે અને તમે સંસારી છો
એવું મનાવે છે. તમે ત્યાગ કરશો તો કંટુંબને બદલે ત્યાગનો વિચાર પેદા થશે ને
ઘરના વાતાવરણનું સ્થાન વન લેશે. પરંતુ માનસિક વિક્ષેપ તો સદા તમારી સાથે જ
રહેશે. નવા વાતાવરણમાં તે વધશે પણ ખરા. એટલે વાતાવરણને બદલવાથી જ કોઈ લાભ નહિ
થાય. મુખ્ય અંતરાય મનનો છે, માટે ઘરમાં કે વનમાં ગમે ત્યાં રહીને પણ એની ઉપર
વિજય મેળવવો જોઈએ. એવો વિજય જો વનમાં મળી શકતો હોય તો ઘરમાં શા માટે ના મળે
?
એટલા માટે વાતાવરણને શા માટે બદલવું જોઈએ
?
ગમે તેવી પરિસ્થિતિમાં રહીને પણ તમે અત્યારથી જ તમારી સાધના શરૂ કરી શકો છો.’
આટલા વિવરણ
પરથી મહર્ષિના ત્યાગ કે સંન્યાસવિષયક વિચારો સ્પષ્ટ રીતે સમજી શકાશે.