Shri Yogeshwarji's biography in Gujarati on

રમણ મહર્ષિ

Bhagavan Ramana Maharshi : Life and works

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

ભગવાન રમણ મહર્ષિ

NEXT >

. સ્વરાજ વિશે

 

ભારતમાં છેલ્લાં દોઢસો વરસોના ગાળામાં જે નવજાગૃતિની લહરી એની પ્રજાની વિચારતંદ્રાને તોડતી અને એને નવું દિશાસૂચન કરતી ફરી વળી એમાંથી આધ્યાત્મિક ક્ષેત્ર પણ બાકાત નહોતું રહી શક્યું. એ ક્ષેત્રમાં રસ લઈ રહેલા અને પોતપોતાની રીતે આગળ વધેલા મહાત્મા પુરૂષો પણ જરાક જુદી રીતે વિચારતા થયેલા. જે ધર્મપ્રવૃત્તિ અથવા આધ્યાત્મિકતા મોટે ભાગે સમાજ સાથેના સર્વ પ્રકારના સંબંધના વિચ્છેદની પ્રેરણા પૂરી પાડીને એનો આશ્રય લેનારને સ્વાન્તઃસુખ, આત્મશાંતિ, આત્માનંદ, આત્મિક અભ્યુત્થાન અને સ્વાત્મમુક્તિની સાધના કરવા તૈયાર કરતી અને પરલોકનું સાધન અથવા માધ્યમ મનાતી તે ધર્મપ્રવૃત્તિ, સાધના અથવા આધ્યાત્મિકતાનું ચિંતનમનન જુદી જ રીતે થવા લાગ્યું. સામાન્ય લોકો ને કેટલાક પ્રાતઃસ્મરણીય પ્રજ્ઞાપૂત સંતો એને જુદી રીતે જ ચકાસવા તથા મૂલવવા લાગ્યા. એક સામાન્ય સાધક કે સંત સાધના કરે તે પરલોકને માટે જ હોય તો આ લોકમાં વર્તમાન જીવનમાં એથી શો લાભ થાય અને એ ધર્મપ્રવૃત્તિ, તપશ્ચર્યા કે સાધના સ્વાન્તઃસુખ, આત્મશાંતિ, આત્માનંદ, એકલા આત્મિક અભ્યુત્થાન અને સ્વાત્મમુક્તિના ધ્યેયની સિદ્ધિ માટે જ કરાતી હોય તો તેથી સમાજને, રાષ્ટ્રને કે સંસારને શો લાભ થઈ શકે ? તે તો કેવળ સ્વાર્થ જ કહેવાય : એવી વિચારસરણી વ્યાપક બનવા લાગી. એ વિચારસરણી તદ્દન નવી નહોતી. વેદ, ઉપનિષદ્ ગીતા તથા રામાયણ ને મહાભારતકાળમાં એનો પ્રચાર સુચારૂપે સફળતાપૂર્વક થઈ ચૂકેલો. પરંતુ પાછળથી એનું દીર્ઘકાલીન વિસ્મરણ થયેલું. એની નવજાગૃતિ એક આવકારદાયક શુભ લક્ષણ હતું. એ નવજાગૃતિના ઉદ્ બોધક તથા પોષક પરમપ્રતાપી પુરૂષવરો મહર્ષિ દયાનંદ, રામકૃષ્ણદેવ, વિવેકાનંદ, રામતીર્થ, યોગી અરવિંદ અને તિલક, ગોખલે તથા ગાંધીજીની પરંપરારૂપે દેશમાં પ્રકટવા લાગ્યા. ભારતવર્ષનો પ્રાચીન સંસ્કૃતિમંત્ર સ્વાન્તઃસુખાય, પરજનહિતાય ચ એમની દ્વારા જાગવા ને ગાજવા માંડ્યો ને એને લીધે લોકો જાણવા ને માનવા માંડ્યા કે જીવન, એની આરાધના અથવા સાધના અને એનું સર્વ કાંઈ પોતાની સાથે બીજાની સુખાકારી, શાંતિ, પ્રસન્નતા, પ્રગતિ તથા બંધનમુક્તિને માટે પણ છે અને એને માટે જ થવો જોઈએ. એનું ધ્યેય કેવળ પરલોક જ નથી પરંતુ આ લોકનું ને વર્તમાન જીવનનું પણ એણે ધ્યાન રાખવું જોઈએ. એની ઉપેક્ષા એનાથી ના થઈ શકે.

મહર્ષિના જમાનામાં પણ એ વિચારસરણી પ્રચલિત હોવાથી એમાં રસ લેનારા કેટલાય મુલાકાતીઓ એમની પાસે આવતા, એ વિશે એમની સાથે વાર્તાલાપ કરતા, અને એમના જીવનનું એ દૃષ્ટિને અનુસરીને મૂલ્યાંકન કરવાનો આગ્રહ રાખતા. એમનામાંના કેટલાક પોતપોતાની સમજશક્તિ પ્રમાણે ઉત્સાહિત બનતા તો કોઈક નિરાશ થતા. મહર્ષિ પોતે કરુણામૂર્તિ હતા ને દીનદુઃખીને મદદરૂપ થવાની ભાવના એમની અંદર પહેલેથી જ પ્રવર્તમાન હતી. એટલે એ સ્વાર્થવૃત્તિવાળા તો સ્વપ્ને પણ ના હોઈ શકે એ સહેલાઈથી સમજી શકાય તેમ છે. એમને પરહિત પસંદ હતું પરંતુ પરહિતનું અભિમાન નહોતું ને નહોતું ગમતું. પરહિતના કેફમાં પડીને માણસ આત્મવિકાસને, આત્મનિષ્ઠાને અથવા આત્મસ્વરૂપને ભૂલી જાય તે પણ એ નહોતા પસંદ કરતા. પરહિત તથા સ્વાત્મવિકાસ બંનેનો સમન્વય જીવનમાં કલ્યાણકારક છે એવો એમનો અભિપ્રાય હતો. પોતાના વિના દુનિયાનો ઉદ્ધાર નહિ થઈ શકે એવું માનનારી મિથ્યાભિમાનની વૃત્તિને તિલાંજલિ આપીને એ પોતાનો ને બીજાનો બધો ભાર ઈશ્વર પર છોડી દેવાનો ને જે કરવું હોય તે નમ્ર અને અનાસક્તભાવે કરી છૂટવાનો સંદેશ આપતા. એટલે એ સેવા, માનવપ્રેમ, દેશપ્રેમ અથવા પરહિતના વિરોધી ન હતા. એમના વિવિધ વાર્તાલાપો પરથી એ સહેલાઈથી સમજી શકાય છે. જે મનુષ્યેતર પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખતા અને એમની સુખાકારી તથા શાંતિનો સદા ખ્યાલ રાખતા તે માનવો પ્રત્યે કઠોર કેવી રીતે હોઈ શકે, માનવોની ઉપેક્ષા કેવી રીતે કરી શકે, અને માનવોની સેવાનો  સંદેશ ના આપે એ કેવી રીતે બની શકે ? એની કલ્પના પણ કેવી રીતે કરી શકાય ? સેવાની સદ્ ભાવનાને લીધે તો એ સૌને દર્શન આપતા, જિજ્ઞાસુઓને એમના પ્રશ્નોના સહાનુભૂતિપૂર્વક પ્રત્યુત્તરો પૂરા પાડતા અને બીજી અનેક રીતે કાર્ય કરતા. એમની કાર્ય કરવાની ને બીજાને મદદરૂપ થવાની પદ્ધતિ એકદમ અનોખી હતી એટલું જ.

* * *          * * *          * * *          * * *

એમના જીવનકાળ દરમિયાન ભારતમાં રાષ્ટ્રીય ચેતનાનો જુવાળ જાગેલો. પ્રજા બંધનમુક્ત બનવા માટે ઉત્સુક તેમજ કૃતનિશ્ચય બનેલી. ઉત્તરથી દક્ષિણ ને પૂર્વથી પશ્ચિમમાં જાગૃતિની નવી ચેતના પેદા થયેલી ને પ્રજા એક બનીને રાજકિય આઝાદીને માટે નાનાં મોટાં બલિદાનો આપવા મક્કમતાપૂર્વક સંકલ્પ કરી ચૂકેલી. ગાંધીજી જેવા પરમપ્રતાપી પ્રાતઃસ્મરણીય મહાત્મા પુરૂષના પ્રામાણિક પથપ્રદર્શન પ્રમાણે પ્રજા વરસોની જડતા કે તંદ્રામાંથી જાગીને અભિનવ આંદોલનોનો આધાર લેતી સ્વાતંત્ર્યના માર્ગમાં સફળતાપૂર્વક આગળ વધતીતી. એવે વખતે મહર્ષિના મનોભાવો કેવા હતા એ જાણવાનું ભારે રસપ્રદ થઈ પડશે. સ્વાતંત્ર્યની પ્રવૃત્તિથી દૂર રહીને પણ એ એના પ્રત્યે હાર્દિક સહાનુભૂતિ ધરાવતા હતા કે કેમ એવી જિજ્ઞાસા કેટલાયના મનમાં જાગવાનો સંભવ છે. એનો ઉત્તર અને સંપૂર્ણ સંતોષકારક ઉત્તર એમના એક જીવનપ્રસંગમાંથી મળી રહે છે.

એકવાર એમના આશ્રમમાં રાજેન્દ્રબાબુ તથા જમનાલાલ બજાજ આવેલા અને ત્યાંના સુંદર શાંત વાતાવરણ તેમજ મહર્ષિના વિલક્ષણ વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ ને એકાદ અઠવાડિયું રહેલા. છેલ્લે દિવસે એમણે - ખાસ કરીને જમનાલાલ બજાજે - મહર્ષિ સાથે કેટલોક વાર્તાલાપ કરેલો. તે આ વિષય પર પર્યાપ્ત પ્રકાશ નાખનારો હોવાથી ખાસ જોઈ જવા જેવો છે :

પ્રશ્ન            : સ્વરાજને માટેની ઈચ્છા શું યોગ્ય છે ?

ઉત્તર           : હા. શરૂઆતમાં એવી ઈચ્છાની પાછળ વ્યક્તિગત રસવૃત્તિ રહેતી હોય છે એમાં શંકા નથી. પરંતુ ધ્યેયને માટેની લાંબા વખતની કર્મસાધનાને લીધે દૃષ્ટિકોણ વિશાળ બને છે અને એના પરિણામે વ્યક્તિ ક્રમેક્રમે રાષ્ટ્રની સાથે એકતા અનુભવે છે. વ્યક્તિની એવી ભાવનાત્મક એકતા ઈચ્છવા યોગ્ય છે. એવું કર્મ નિષ્કામ કર્મ થઈ જાય છે.

પ્રશ્ન            : લાંબા વખતના સંઘર્ષ અને ભયંકર બલિદાનો પછી સ્વરાજની પ્રાપ્તિ થાય તો તે પરિણામથી માણસ પ્રસન્ન બની જાય તે શું ઉચિત નથી લાગતું ?

ઉત્તર           : ના. કર્મ કરતાં કરતાં વખતના વીતવાની સાથે એણે પરમાત્માની સર્વોપરી શક્તિને પોતાની જાતનું સમર્પણ કરી દીધું હોવું જોઈએ. એની શક્તિનો સદા વિચાર કરવો જોઈએ અને એનું એક વિપળને માટે પણ વિસ્મરણ ના કરવું જોઈએ. પછી એ પ્રસન્ન કેવી રીતે થઈ શકે ? એણે એના કર્મના ફળની કે એની પ્રવૃત્તિઓના પરિણામની પણ પરવા ના કરવી જોઈએ. તો જ એ કર્મ નિષ્કામ કહેવાય.

પ્રશ્ન            : કાર્યકર્તા કોઈ પણ પ્રકારની ત્રુટિ વિનાનું વલણ કેવી રીતે અપનાવી શકે ?

ઉત્તર           : જો એણે ઈશ્વરને કે ગુરૂને સર્વ સમર્પણ કર્યું હશે તો એમની શક્તિ એને સાચા માર્ગે દોરી જશે. કાર્યકર્તાએ એથી અધિક નિરર્થક ચિંતામાં નથી પડવાનું. જો એ શક્તિનું સંપૂર્ણપણે શ્રદ્ધાપૂર્વક આજ્ઞાપાલન નહિ કરાયું હોય તો જ શંકા પેદા થશે. ગાંધીજીએ પોતાની જાતને ઈશ્વરનાં ચરણોમાં સમર્પિત કરી છે. એ એવી અવસ્થામાં કોઈ પણ પ્રકારના વ્યક્તિગત સ્વાર્થ વિના કાર્ય કરી રહ્યા છે. પરિણામોની પરવા કર્યા વગર જે પરિણામો આવે એમને એ શાંતિપૂર્વક અપનાવી લે છે. રાષ્ટ્રીય કાર્યકરોનું વલણ પણ એવું જ હોવું જોઈએ.

પ્રશ્ન            : આ સૃષ્ટિમાં એવી કોઈ યે શક્તિ નથી જે એના ભક્તો અને શરણાગતો પર કૃપા કરીને એમને સ્વદેશની સુખાકારી તેમજ સ્વરાજને સારુ કાર્ય કરવા વધારે શક્તિશાળી બનાવે ?

 

એ પ્રશ્નના ઉત્તરમાં મહર્ષિ એમની લાક્ષણિક્તા પ્રમાણે શાંત રહ્યા. થોડાક સમય પછી વાર્તાલાપ આગળ વધ્યો. પોતાના પહેલાંના પ્રશ્નને અધિક સરળ તથા સ્પષ્ટ કરતાં જમનાલાલ બજાજે પૂછ્યું:

 

પ્રશ્ન            : દેશના પ્રાચીન મહાત્માઓની તપશ્ચર્યાનો લાભ એમના અર્વાચીન વારસોને નથી મળી શકે તેમ ?’

ઉત્તર           : કેમ નહિ ? પરંતુ એ હકીકતને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે એનો લાભ કોઈ એક જ માણસને ના મળી શકે. બધા જ સદ્ ગુણી ને સત્કર્મપરાયણ માણસોની વચ્ચે એનો લાભ સરખા ભાગે વહેંચાઈ જાય છે. દેશભરમાં વર્તમાન કાળમાં જે આધ્યાત્મિક ભૂમિકાવાળી જાગૃતિનું દર્શન થઈ રહ્યું છે તે શું એવી અનુગ્રહાત્મક અસામાન્ય શક્તિ વિના થઈ રહ્યું છે ?

 

વિદાય લેતાં પહેલાં પુછાયેલો રાજેન્દ્રબાબુનો પ્રશ્ન એમની સૌજન્યશીલ પ્રકૃતિનો પરિચય પૂરો પાડનારો ને વિલક્ષણ હતો. એ પ્રશ્ન અને એનો અસાધારણ ઉત્તર ચિરસ્મરણીય છે. એ ઉત્તર પરથી મહર્ષિ મહાત્મા ગાંધીજીને કેટલા બધા પ્રેમભાવથી જોતા તેની પ્રતીતિ થાય છે.

રાજેન્દ્રબાબુએ પૂછ્યું : મહાત્માજીએ મને અહીં મોકલ્યો છે. એમને પહોંચાડી શકું એવો કોઈ સંદેશ તમે આપી શકશો ? મહર્ષિએ ઉત્તર આપતાં કહ્યું : હૃદય હૃદય સાથે વાત કરતું હોય ત્યારે કયા સંદેશની જરૂર રહે છે ? જે શક્તિ અહીં કામ કરી રહી છે તે જ શક્તિ ત્યાં પણ કામ કરે છે !

એ શબ્દો બતાવે છે કે મહર્ષિ ગાંધીજીના કાર્યને ઈશ્વરપ્રેરિત માનતાતા અને એની પ્રત્યે ઊંડી ને મીઠી સહાનુભૂતિ ધરાવતાતા.

* * *          * * *          * * *          * * *

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'રમણ મહર્ષિ : જીવન અને કાર્ય'માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer