[૧] યોગી
અરૂણગિરિ
યોગી
અરૂણગિરિ કોઈ સામાન્ય કક્ષાના યોગી ન હતા. એ એક સર્વસમર્થ આત્મનિષ્ઠ અથવા
સિદ્ધ યોગી હતા. અથવા હતા શા માટે ?
એમના સંબંધમાં હતા એવો ભૂતકાળસૂચક શબ્દપ્રયોગ કરવાને બદલે છે એવો
વર્તમાનકાળવાચક શબ્દપ્રયોગ કરવાનું વધારે યોગ્ય લેખાશે. ભક્તો તથા સાધકોની
શ્રદ્ધાભક્તિપૂર્ણ માન્યતા છે કે એ અરૂણાચલ પર્વત પર અસંખ્ય વરસોથી મુક્ત કે
પૂર્ણ અવસ્થાનો આસ્વાદ લેતા વસી રહ્યા છે. એ પર્વત પરના પરમપવિત્ર પ્રત્યક્ષ
દેવતા છે અને કદી કદી કોઈ સૌભાગ્યશાળી સ્વનામધન્ય સાધકો, સંતો કે ભક્તોને
પોતાના દૈવી દર્શનથી કૃતાર્થ કરે છે. દેશ અને કાળનાં સર્વસામાન્ય સર્વવ્યાપક
બંધનોથી પર થયેલા એ અમર યોગી અરૂણાચલની પવિત્ર પર્વતમાળાને આજે પણ અલંકૃત કરે
છે. એ કૃતકૃત્ય મહાયોગીએ આજ સુધી કેટકેટલા સંતો ને સાધકોના જીવનને પોતાની
અમીદૃષ્ટિથી અમૃતમય કર્યાં એનો પ્રમાણભૂત કડીબંધ ઈતિહાસ કોની પાસે છે
?
મહર્ષિને એ
મહાશક્તિશાળી સિદ્ધ મહાયોગી પ્રત્યે અનંત આકર્ષણ હતું. એમના અંતરમાં એમને
માટે અપાર અનુરાગ હતો. એની પ્રતીતિ એમના જીવન પરથી થયા વિના નથી રહેતી.
અરૂણાચલ પરના નિવાસ દરમિયાન એમને એ સર્વસમર્થ સિદ્ધેશ્વરના સાક્ષાત્કારનો લાભ
મળ્યો હશે એવું માનવામાં હરકત નથી. કારણ કે એ જો અરૂણાચલ પર રહેતા હોય તો
એમના જ સ્થળમાં એમના અસાધારણ અતિથિવિશેષ તરીકે આવેલા મહર્ષિથી દૂર ના રહી
શકે. મહર્ષિના અંતરમાં એમને માટે જે અદ્
ભુત
આદરભાવ હતો તે કોઈ પણ પ્રકારની સ્વાનુભૂતિ સિવાય એમ ને એમ તો ના જ પ્રકટી
શકે. એમનો અનુભવ એમને અનેકવાર એક અથવા બીજી રીતે મળતો રહ્યો હશે. એમના
પ્રત્યેના આદરભાવની અભિવ્યક્તિ એમના સાધુ અરૂણાચલ સાથેના નીચેના વાર્તાલાપમાં
અત્યંત સરસ રીતે થયેલી જોવા મળે છે :
સાધુ
અરૂણાચલ : અરૂણગિરિ યોગી કોણ છે ?
મહર્ષિ
: એ ઈશ્વર વિના બીજા કોણ હોઈ શકે
?
એ શબ્દોમાં
દેખાતી શ્રદ્ધાભક્તિ સામાન્ય તો નથી જ. મહાત્મા પુરૂષોને સુદીર્ઘ સાધનાકાળ
દરમિયાન નાના મોટા અસંખ્ય અવનવીન અનુભવો થતા હોય છે. એ બધા જ અનુભવોની
અભિવ્યક્તિ એ બીજાની આગળ કરતા જ હોય છે એવું નથી સમજવાનું. અભિવ્યક્તિનો આધાર
એમની સ્વતંત્ર ઈચ્છા પર અથવા ઈશ્વરેચ્છા પર રહેતો હોય છે. એટલે જે અનુભવોની
અભિવ્યક્તિ એમણે ના કરી હોય એ અનુભવો એમને નહિ જ થયા હોય એવો એકપક્ષીય
અભિપ્રાય ના આપી શકાય. નિર્ણય તો બાંધી જ ના શકાય. મહર્ષિના સંબંધમાં પણ એ
વિધાન સાચું ઠરે છે. અરૂણગિરિના સંબંધમાં એમણે વધારે વાતો નથી કરી, પરંતુ જે
કરી છે એ એમને માટેના પ્રેમને પ્રકટ કરવા પૂરતી છે.
યોગી
અરૂણગિરિ અરૂણાચલ પર્વત પર એક વિશાળ વટવૃક્ષની નીચે નિવાસ કરે છે એ વાત
ભક્તોમાં લાંબા વખતથી ચાલી આવે છે ને અવારનવાર ચર્ચાતી રહે છે. એમના અને એ
વિશાળ વટવૃક્ષનાં દર્શન માટે કેટલાય લોકો પર્વતનો પ્રવાસ કરે છે. મહર્ષિ પણ
પર્વતના વિભિન્ન જ્ઞાત–અજ્ઞાત
પ્રદેશમાં ખૂબ જ રસ, આનંદ અને આદરપૂર્વક ફરતા રહેતા. અરૂણગિરિ જે વટવૃક્ષ
નીચે વાસ કરે છે તે વટવૃક્ષ પર્વતની ઉત્તર તરફની તળેટીના જંગલમાં આવેલું છે
એમ કહેવાય છે. પોતાના પર્વત પરના પરિભ્રમણ દરમિયાન એક દિવસ અચાનક એ
વટવૃક્ષનાં વિશાળ પાંદડાં મહર્ષિની નજરે પડ્યાં. એ પાંદડાં નીચે પૃથ્વી પર
પડેલાં ને એકાદ ફૂટ જેટલા ઘેરાવાવાળાં હતાં.
કહે છે કે
મહર્ષિ એક દિવસ એ ઐતિહાસિક સુપ્રસિદ્ધ રહસ્યમય સિદ્ધ સ્થળની શોધમાં ચાલી
નીકળ્યા. એમના અંતરમાં અનંત ઉત્સાહ ઉછાળા મારી રહેલો. લાબાં વખતના પરિભ્રમણ
પછી એમણે દૂરથી એ અત્યંત વિશાળ વૃક્ષને જોયું પણ ખરું. એમનું અંતર આનંદમગ્ન
બની ગયું. યોગી અરૂણગિરિના એ સુંદર સ્થાનને નિહાળવાની ને યોગીનાં પ્રત્યક્ષ
દર્શનની ઉત્કંઠાથી એ આગળ વધ્યા. પરંતુ એમનો પુરૂષાર્થ અટકી પડ્યો. એ સ્થળની
આસપાસ કાંટાવાળી થોરની મોટી ગીચ વાડ હોવાથી એમને માટે આગળ વધવાનું એકદમ અશક્ય
બન્યું. એમણે એમાંથી રસ્તો કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ એ પ્રયાસ સફળ બનવાને
બદલે ઊલટો હાનિકારક થઈ પડ્યો. એમનાથી અજાણે એક મધપૂડાને દખલ પહોંચવાથી
છંછેડાયલી મધમાખીઓએ એમની ઉપર આક્રમણ કરીને એમને ચટકા ભરવા માંડ્યા. જ્યાં
સુધી એમનો રોષ શમ્યો નહિ ત્યાં સુધી એ એમના અપરાધનો દંડ ભોગવતા ત્યાં જ ઊભા
રહ્યા.
છેવટે આગળ
વધવાનો વિચાર પડતો મૂકીને એ પાછા ફર્યા. એમનો સ્વાનુભવ સાંભળીને કેટલાક ભક્તો
ને જિજ્ઞાસુઓનો ઉત્સાહ વધી પડ્યો.
એમનામાંના
થોડાકે એ દૈવી સિદ્ધ સ્થળની શોધ કરવાનો સંકલ્પ કર્યો.
એ સંકલ્પની
સિદ્ધિ માટે ઈ.સ. ૧૯૪૨ કે ૧૯૪૩માં એક દિવસ સવારે ભક્તોની એક મંડળીએ અરૂણાચલ
પર્વતના પરમપવિત્ર પ્રદેશમાં પ્રયાણ કર્યુ.
મહર્ષિએ એ
મંડળીને આગળ વધવાની ના પાડી ને જણાવ્યું કે તમારો પ્રયત્ન નિષ્ફળ જશે–છતાં
પણ મંડળી એમને કહ્યા વિના જ આગળ વધી.
કુંજુ
સ્વામીએ એની આગેવાની લીધી.
પર્વત પર
પરિભ્રમણ કરતાં કરતાં બધા ભક્તો થાકી ગયા ને જંગલમાં ભૂલા પડ્યા. અવારનવાર
પ્રયત્નો કરવાં છતાં એમને રસ્તો ના જડ્યો ત્યારે એ એકદમ નિરાશ બની ગયા ને મદદ
માટે ઈશ્વરને પ્રાર્થના કરવા માંડ્યા. એ પ્રાર્થનાના પ્રત્યુત્તરરૂપે કે બીજા
ગમે તેને લીધે એ ઘોર જંગલમાં એમની પાસે કોઈ ગામડિયા જેવો દેખાતો માણસ આવી
પહેંચ્યો. એને જોઈને એમના અંતરમાં આશા પ્રકટી. એમણે એમની આપવીતી કહી બતાવી
એટલે એ વૃદ્ધ પુરૂષે એમને તરત જ રસ્તો બતાવ્યો. એ જોઈને એ બધા આભા બની ગયા.
આખરે એ બધા
જેમતેમ કરીને સહીસલામત રીતે આશ્રમમાં આવી પહોંચ્યા ને મહર્ષિને મળ્યા ત્યારે
મહર્ષિએ એમને એમના એ અવિચારી કૃત્યને માટે મીઠો ઠપકો આપ્યો ને કહ્યું કે
તમારે મારી અનુમતિની ઉપરવટ થઈને આવો પ્રયત્ન નહોતો કરવો જોઈતો. તમારા જેવા
સામાન્ય માણસોને માટે એવા મહાન યોગીનું ને સુંદર સ્થળનું દર્શન કાંઈ રસ્તામાં
નથી પડ્યું.
ભક્તોને
પર્વત પર અણીને વખતે મળેલો એ અપરિચિત એકાકી વૃદ્ધ પુરૂષ ખરેખર રહસ્યમય હતો. એ
કોણ હશે અને કેવી રીતે આવી પહોંચ્યો
?
શું એ અરૂણાચલના પરમ પવિત્રપ્રદેશમાં રહેનારા કોઈ પ્રાતઃસ્મરણીય સિદ્ધ પુરૂષ
હશે કે જેમની શોધમાં એ બધા પરમ શ્રદ્ધાભક્તિથી ભરપૂર બનીને ચાલી નીકળેલા એ
યોગી અરૂણગિરિ પોતે જ હશે ?
એ રહસ્યમય રૂપમાં એ સ્વેચ્છાએ એમને માર્ગદર્શન આપવા આવ્યા હશે
?
એ વિશે અનુમાન કરવાનું જ શેષ રહે છે. તો પણ એ વ્યક્તિ ખરેખર અસાધારણ અને
પર્વતમાળાનો પૂરો પરિચય ધરાવનારી હતી એમાં સંદેહ નહિ.
મહર્ષિ જેવા
મહાપુરૂષનો એ સ્થળમાં પહોંચવાનો પ્રયત્ન પણ એ દિવસે અધૂરો રહ્યો એનું કારણ
શું સમજવું ?
એનું કારણ એ તો નહિ હોય કે મહર્ષિ એ સુંદર સિદ્ધ સ્થળને જોઈને પાછા ના ફરત,
ત્યાં જ રહી જાત, અને એવો અવસર હજુ નહોતો આવ્યો
?
એમને હજુ આશ્રમમાં રહીને કેટલુંય લોકોપયોગી કાર્ય કરવાનું હતું માટે
?
એ સૂક્ષ્મ રૂપે એમની વિશેષ શક્તિથી એ સ્થળમાં જરૂર પહોંચ્યા હશે પરંતુ એ
દિવસનો એમનો સ્થૂળ પ્રયત્ન અધૂરો રહ્યો એ પણ સહેતુક જ હશે.
[૨] બીજા
સિદ્ધો વિશે
અરૂણાચલ
પર્વત પર બીજા પણ કેટલાક સિદ્ધ, યોગીઓ અથવા આત્મદર્શી પૂર્ણ જ્ઞાની મહાપુરૂષો
રહેતા હશે એવું મહર્ષિના અનુભાવાત્મક ઉદગારો પરથી સમજી શકાય છે. એ સંબંધમાં
અરૂણાચલની સરખામણી પ્રખ્યાત ગિરનાર પર્વત સાથે કરી શકાય. બંનેના પ્રદેશમાં
આજે પણ અનેક સિદ્ધો નિવાસ કરે છે એવું કહેવાય છે.
એ વિશેના
મહર્ષિના મંતવ્યનો પડઘો એક નાના સરખા છતાં સુંદર પ્રસંગમાં બહુ સારી રીતે પડે
છે.
એક દિવસ
રાતે આશ્રમની પાછળના પર્વતની શિલા પર ઊભા રહીને એક કૂતરાએ જોરશોરથી ભસવા
માંડ્યું. કોઈને એના ભસવાનું કારણ ના સમજાયું. આશ્રમવાસીઓના એને શાંત કરવાના
કે નસાડી મૂકવાના સઘળા પ્રયત્નો નકામા ગયા. આખરે મહર્ષિએ એને ખાવાનું આપવાની
આજ્ઞા આપી. એ આજ્ઞાનો તરત અમલ કરવામાં આવ્યો. ભોજન જોઈને કૂતરાએ ભસવાનું તરત
જ બંધ કર્યુ. થોડીવારમાં એણે ભોજન કરી લીધું ને પર્વતીય પ્રદેશ પ્રતિ પ્રયાણ
કર્યું.
એ કૂતરો પછી
કદી પણ ના દેખાયો ત્યારે આશ્રમવાસીઓને એને માટે કુતૂહલ થયું.
એ કુતૂહલને
શાંત કરતાં મહર્ષિએ જણાવ્યું કે એ રાતે આવેલો કૂતરો કોઈ સામાન્ય કૂતરો ન હતો.
અરૂણાચલ પર રહેનારા કોઈક સિદ્ધ પુરૂષે ક્ષુધાને સંતોષવા માટે પોતાની
ઈચ્છાનુસાર એનું સ્વરૂપ ધારણ કરેલું, માટે જ મેં એને ઓળખી લઈને ભોજન આપવાનો
આદેશ આપેલો. સિદ્ધો પોતાના મનપસંદ રૂપમાં રહેતા ને ફરતા હોવાથી એમના અસલ
વાસ્તવિક સ્વરૂપને કોઈક જ સમજી શકે છે : જેમની ઉપર એમની અહેતુકી કરુણા કે
કૃપા થાય છે તે કોઈક જ.
આશ્રમવાસીઓને એ કૂતરાની અસાધારણતાની ત્યારે જ ખબર પઢી. એ તો એને કોઈ સાધારણ
કૂતરો જ સમજતા’તા.
મહર્ષિએ એ
વખતે જણાવ્યું કે પર્વત પર એવા તો કેટલાય સમર્થ સંતો છે. એ સંતો અપ્રકટ
રહેવામાં આનંદ માનતા હોવાથી આવાં જુદાં જુદાં રૂપોને ધારણ કરીને આવતા હોય છે.
એકવાર એક
ભક્તે એમને પૂછ્યું :
‘પર્વત
પર સદાને માટે સાત જ્ઞાની પુરૂષો વાસ કરે છે એ હકીકત સાચી છે
?’
એમણે તરત જ
ઉત્તર આપ્યો :
‘એથી
વધારે જ્ઞાની પુરૂષો પણ હોઈ શકે. એ સંબંધી સાચી ખબર કોને પડી શકે
?
એમને ઓળખી પણ કોણ શકે ?
કોઈક વાર એ સાધારણ ભિક્ષુકના રૂપમાં તો કોઈક વાર કોઈ બીજા વેશમાં ફરતા હોય
છે. એ કયા વેશમાં ને ક્યાં નથી રહેતા તે વિશે કશું જ ચોક્કસપણે ના કહી શકાય.
’