એકવાર એમની
પાસે આવેલા એક મુલાકાતીએ પોતાની બૌદ્ધિક પ્રતિભાનું પ્રદર્શન કરવા ધાર્યુ હોય
તેમ જુદા જુદા ધર્મો, સંપ્રદાયો, સત્પુરૂષો અને શાસ્ત્રોના સંદેશની ચર્ચા કરી
ને પાશ્ચાત્ય દર્શનશાસ્ત્રના સિદ્ધાંતોનો પણ પરિચય પૂરો પાડ્યો.
મહર્ષિ એ
સઘળા સમય દરમિયાન મૌન રહ્યા અને હોલમાં બેઠેલા દર્શનાર્થીઓ, ભક્તો ને
જિજ્ઞાસુઓ પણ એ બધું મંત્રમુગ્ધ બનીને શાંતિપૂર્વક સાંભળી રહ્યા.
ચર્ચાવિચારણાનો ઉપસંહાર કરતાં એ વિદ્વાન મુલાકાતીએ કહ્યું
:
‘એક
મહાપુરૂષ એક પ્રકારની વાત કહે છે ને બીજા વળી બીજા જ પ્રકારની. તમારામાંથી
કોની વાત સાચી સમજવી ?
મારે કયા માર્ગનું અનુસરણ કરવું ?’
મહર્ષિ
પહેલાંની પેઠે શાંત રહ્યા. પરંતુ મુલાકાતીએ પોતાના પ્રશ્નના ઉત્તર માટે આગ્રહ
રાખ્યો ને જણાવ્યું
:
‘હું
કયા માર્ગનું અનુસરણ કરું તે કૃપા કરીને કહી બતાવો.’
એટલામાં તો
મહર્ષિને ઊઠવાનો સમય થઈ ગયો એટલે એમણે હૉલની બહાર નીકળવા માટે ઊભા થતાં
જણાવ્યું
:
‘તમે
જે માર્ગેથી આવ્યા છો તે માર્ગનું અનુસરણ કરો અથવા એ જ માર્ગે પાછા જાવ.’
પેલા
મુલાકાતીને એમના એ સારગર્ભિત સુંદર શબ્દો ના સમજાયા એટલે એમણે બીજા ભક્તોને
ફરિયાદ કરી કે મને જે જવાબ મળ્યો તે બરાબર નથી. પરંતુ મહર્ષિનો જવાબ
મુદ્દાસરનો, સ્પષ્ટ ને સંપૂર્ણ છે એવું કેટલાક ભક્તોએ સ્પષ્ટીકરણ કર્યું ને
કહ્યું કે માણસે પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરવાની છે, પોતાના મૂળ ઉદ્
ભવસ્થાનને શોધી કાઢવાનું અથવા અનુભવવાનું અને એની સાથે એક થવાનું છે. જે પરમ
સનાતન તત્વ, ચેતના, શક્તિ કે સત્તામાંથી આ અનેકવિધ સૃષ્ટિની રચના થઈ છે, જેના
આધારથી એ ટકે છે તથા પુષ્ટિ પામે છે ને જેમાં વિલિન બને છે
:
અને સમષ્ટિ જ નહિ પરંતુ વ્યક્તિની જીવનસૃષ્ટિ પણ જેને લીધે પ્રાદુર્ભાવ પામે
છે, તે તત્વ, ચેતના, શક્તિ કે સત્તાનો સાક્ષાત્કાર કરવાની
આવશ્યકતા
છે એવો મહર્ષિનો સંદેશ છે.
ભક્તોનું એ
સ્પષ્ટીકરણ સાચું હતું. એનાથી પેલા મુલાકાતીના મનનું સમાધાન થયું. પરંતુ
મહર્ષિના એ સારસંદેશને જરાક જુદી રીતે પણ વિચારી શકાય તેમ છે. મહર્ષિએ
‘તમે
જે માર્ગેથી આવ્યા છો’
એવો શબ્દપ્રયોગ કર્યો એનો અર્થ શો ?
મનુષ્યમાત્ર કયા માર્ગેથી પોતાની વાસ્તવિક જીવનરૂપી સૃષ્ટિમાં આવતો હોય છે
?
પોતાની મૂળભૂત નિર્વિકાર, નિશ્ચલ, પ્રશાંત આત્મિક અવસ્થામાંથી એ સૌથી પ્રથમ
જાગે છે ને જીવનમાં પ્રવેશે છે ત્યારે શું થાય છે
?
સૌથી પહેલાં એની દશા કેવી હોય છે ?
એની અંદર અસ્મિતા અથવા અહંભાવ પેદા થાય છે જેના વિના જીવનનો અનુભવ કદાપિ શક્ય
નથી બનતો ને જીવનનું અનુભવગમ્ય અસ્તિત્વ પણ નથી સંભવતું. અહંતામાંથી પ્રકટેલો
એ જીવનમાર્ગ આગળ વધે છે ને મમતાથી યુક્ત બને છે. એમાંથી રાગદ્વેષ, ઈચ્છા તથા
લાલસા અને સુખદુઃખની, વિવિધ બંધનો કે દ્વંદ્વોની
તેમજ
જન્મમરણની નાનીમોટી, અનુકૂળ, ક્લેશકારક અથવા આનંદદાયક, શુભાશુભ શેરીઓ બને છે.
માણસે આજ સુધી એ જ પુરાતન પથ પર પ્રવાસ કર્યો છે અને એ જ માર્ગે પાછા વળવાનું
છે. જે શેરીઓ પરથી પોતાને પસાર થવાનું છે તે શેરીઓને સાનુકૂળ ને સ્વચ્છ કરી,
સંકલ્પોને સુંદર બનાવી, રાગદ્વેષાદિ દ્વંદ્વો અને મમતામાંથી મુક્તિ મેળવી,
અહંભાવનાને એકદમ ઓગાળી નાખવાની છે. અહંવૃત્તિનો વિલય થતાં સ્વરૂપનો
સાક્ષાત્કાર અથવા શાશ્વત સર્વોત્તમ સત્યનો સ્વાનુભવ સહજ બનશે.
‘એ
જ માર્ગે પાછા જાવ’
એવો આદેશ આપીને મહર્ષિએ એ જ પરંપરાગત સાધનાપદ્ધતિનું પ્રતિપાદન કરેલું. સાદા
છતાં પણ એમાં સમાયલા ભાવો ગહન અને ઊંચા હતા. પરંતુ પેલા બૌદ્ધિક પ્રતિભાવાળા
મુલાકાતી એમની અપરિપકવ આત્મિક અવસ્થાને લીધે એ ગૂઢાર્થ કે સારવાતને ના સમજી
શક્યા ને મહર્ષિએ પોતાના પ્રશ્નનો ઉત્તર જેવી રીતે આપવો જોઈએ તેવી રીતે નથી
આપ્યો એવી ફરિયાદ પણ કરવા લાગ્યા
!
મહર્ષિ
અહંવૃત્તિને સૌની માતા માનતા અને કહેતા કે એનો આવિર્ભાવ હૃદયમાંથી થતો હોય
છે. એમના અનુભવાત્મક અભિપ્રાયાનુસાર એ હૃદય કોઈ સ્થૂલ શારીરિક અંગ નથી. યોગના
ગ્રંથોમાં વર્ણવવામાં આવેલું હૃદયચક્ર પણ નથી. એનું સ્થાનવિશેષ છાતીના મધ્ય
ભાગથી જમણી બાજુએ દોઢ ઈંચ જેટલું દૂર આવેલું છે. દેહાતીત દશાનો અંત આવતાં આ જ
કેન્દ્રસ્થાનમાં અહંતાનો ફરીથી ઉદ્
ભવ
થાય છે.
મહર્ષિ
કહેતા કે અહંભાવ જ્યાંથી આવિર્ભાવ પામે છે ત્યાં જ એનો અંત પણ આવી
શકશે.
એટલા માટે એ કેટલાક સાધકોને હૃદયપ્રદેશમાં ધ્યાન કરવાનો આદેશ આપતા.
ઉપનિષદમાં
કહેવામાં આવ્યું છે કે આત્મા હૃદયમાં છે.
हृदि ह्येष
आत्मा ।
ગીતા પણ
જણાવે છે કે ઈશ્વર સૌના હૃદયપ્રદેશમાં વાસ કરે છે.
ईश्वरः
सर्वभूतानां हृद्देशेङर्जन तिष्ठति ।
કેટલાક
વિચારકો ચેતનાનું અધિષ્ઠાન મસ્તિષ્કમાં આવેલા સહસ્ત્રદલ ચક્રમાં માને છે
પરંતુ મહર્ષિનો પોતાનો અભિપ્રાય ઉપર જણાવ્યો તેવો જ છે. એ અભિપ્રાય અવનવો
હોવા છતાં એની પાછળ વરસોનો અનુભવ હોવાથી એની અવગણના કરવાનો વિચાર પણ ના કરી
શકાય.
એમના હૃદય
વિશેના વિચારોને વ્યક્ત કરતા એમના વાર્તાલાપ પર
દૃષ્ટિપાત
કરી જઈએ તો એ અસ્થાને નહિ લેખાય.
જિજ્ઞાસુ
:
શ્રી ભગવાન
હૃદયને ચેતનાના અધિષ્ઠાન અથવા આત્માના પર્યાય તરીકે કહી બતાવે છે. એ હૃદયથી
સાચેસાચ શું અભિપ્રેત છે ?
મહર્ષિ
:
ચેતના અથવા
સભાનતાના ઉદ્
ભવસ્થાનને શોધી કાઢવામાં તમને રસ છે એટલા માટે જ હૃદય સંબંધી પ્રશ્ન પેદા થાય
છે. ઊંડી વિચારશક્તિવાળા બધા જ માણસો
‘હું’
અને એના સ્વરૂપની શોધ માટે એક પ્રકારના અદમ્ય આકર્ષણનો અનુભવ કરે છે ઈશ્વર,
આત્મા, હૃદય, અથવા ચેતનાનું અધિષ્ઠાન, એને ગમે તે નામ આપો
તો પણ
વસ્તુતઃ એક જ છે. જે મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે તે એ છે કે હૃદય પ્રત્યેક
વ્યક્તિનું મુખ્ય બળ કે કેન્દ્રસ્થાન છે અને એના વિના બીજા કશાનું અસ્તિત્વ
નથી.
જિજ્ઞાસુ
:
પરંતુ
ભગવાને તો હૃદયને માટે સ્થૂલ શરીરમાં છાતીની અંદર બે ઈંચ જેટલે દૂર જમણી
બાજુએ એક ચોક્કસ સ્થાન બતાવ્યું છે.
મહર્ષિ
:
બરાબર છે.
સંતોના સ્વાનુભવ પ્રમાણે એ આત્મિક અનુભૂતિનું કેન્દ્રસ્થાન છે. એ આધ્યાત્મિક
હૃદય રક્તની સાથે સંકળાયલા હૃદયરૂપી સ્થૂલ અવયવથી તદ્દન જુદું છે. આધ્યાત્મિક
હૃદય શરીરનું કોઈ અંગ નથી. હૃદય સંબંધી એટલું અવશ્ય કહી શકાય કે એ તમારા
જીવનનું મુખ્ય બળ છે. જાગ્રત હો, સ્વપ્નદશામાં, સુષુપ્તિમાં કે સમાધિદશામાં
ડૂબેલા હો કે કાર્ય કરતા હો
તો પણ
એનાથી ખરેખર કદી પણ અલગ નથી થઈ
શકતા.
જિજ્ઞાસુ
:
તો પછી એ
સંજોગોમાં એનું સ્થાન શરીરના કોઈ પણ એક ખાસ પ્રદેશમાં સીમિત કેવી રીતે કરી
શકાય ?
એ હૃદયને માટે કોઈક સ્થાનને મુકરર કરવાનો અર્થ તો જે દેશ તથા કાળથી અતીત છે
તેને માટે ભૌતિક મર્યાદાઓ ઊભી કરવાનો પ્રયત્ન કરવા બરાબર થઈ પડશે.
મહર્ષિ
:
એ સાચું છે.
પરંતુ હૃદયના સ્થાનવિશેષ સંબંધી પ્રશ્ન પૂછનાર પુરૂષ પોતાને શરીર સાથે અથવા
શરીરમાં રહેનાર માને છે. અત્યારે આ પ્રશ્ન પૂછતી વખતે એવું કહી શકો તેમ છો કે
અહીં તમારું શરીર જ છે અને તમે કોઈક બીજે ઠેકાણેથી બોલી રહ્યા છો
?
ના. તમે તમારા સ્થૂલ શારીરિક અસ્તિત્વનો સ્વીકાર કરો છો. એ જ
દૃષ્ટિએ
ભૌતિક શરીરનો ઉલ્લેખ કરવો પડે છે. ખરું જોતાં વિશુદ્ધ ચેતના એકદમ અખંડ અથવા
અવિભાજ્ય છે. એના વિભાગો નથી પાડી શકાતા. એને આકાર કે રૂપ નથી, અંદર કે બહાર
જેવું કશું નથી. એને માટે જમણી તરફ કે ડાબી બાજુએ એવા શબ્દ પ્રયોગો નથી કરી
શકાતા. એ હૃદયરૂપી પવિત્ર કેવળ ચેતનામાં સર્વકાંઈ સમાઈ જાય છે. એનાથી અલગ કે
બહાર બીજું કશું જ નથી. એ એક માત્ર સત્ય છે. એવી વિશાળ
દૃષ્ટિથી
વિચારીએ તો સહેજે સમજી શકાય છે કે હૃદય, આત્મા અથવા ચેતનાનું સ્થૂલ શરીરમાં
કોઈ એક ચોક્કસ સ્થાન ના હોઈ શકે. એનું કારણ સમજી શકો છો
?
શરીર મનની માત્ર રચના છે અને મન એ પરમ ને સ્વયંપ્રકાશિત હૃદયનું સાધારણ આછું
પાતળું પ્રતિબિંબ. એકમાત્ર શાશ્વત સત્તાના સામાન્ય પ્રકટીકરણ જેવા સ્થૂલ
શરીરમાં એક નાનો સરખો વિભાગ અથવા અવયવ બનીને સૌને સમાવી લેનારું એ હૃદય કેવી
રીતે રહી શકે ?
પરંતુ માણસો એ નથી સમજતા. એ સ્થૂલ શરીર અને સંસારની
દૃષ્ટિએ
જ બધી વસ્તુઓનો વિચાર કરે છે. દાખલા તરીકે તમે કહો છો કે હિમાલયની પેલી પારના
પ્રદેશમાં આવેલી મારા માતૃભૂમિમાંથી હું આશ્રમમાં આવી પહોંચ્યો છું. પરંતુ એ
સાચું નથી. તમે તો એક, અનન્ય, સર્વવ્યાપક, આત્મા છો. આત્માને માટે આવવા કે
જવા જેવી કોઈ પ્રવૃત્તિ ક્યાં રહે છે
?
તમે સદાને માટે જ્યાં છો ત્યાં જ છો. આશ્રમમાં પહોંચતાં સુધી જુદાં જુદાં
સ્થળોમાં જે ફરતું રહ્યું તે તો શરીર છે. એ એક સીધું સાદું સત્ય હોવા છતાં
પોતાને ભૌતિક જગતમાં જીવંત સમજનારા માનવને દિવાસ્વપ્ન જેવું કપોલકલ્પિત લાગે
છે!
સામાન્ય માનવની વિચારસરણીની એ ભૂમિકા પર આવીને વાત કરીએ તો સ્થૂલ શરીરની અંદર
હૃદયના સ્થાનનો નિર્દેશ કરી શકાય છે.
જિજ્ઞાસુ
:
તો પછી
ભગવાનના એ નિવેદનનો અર્થ શો અથવા કેવી રીતે કરવો કે હૃદયનો અનુભવ છાતીમાં
અમુક ચોક્કસ સ્થાનમાં થતો હોય છે ?
મહર્ષિ
:
વાસ્તવિક્તાને અનુલક્ષીને એક વાર તમે વિશાળતાપૂર્વક વિચારો ને સ્વીકારો કે
હૃદય દેશકાળાતીત એકમાત્ર પવિત્ર ચેતના છે તો પછી બીજું બધું સમજવાનું સહેલું
થઈ પડશે.
જિજ્ઞાસુ
:
એ જ ભૂમિકા
પરથી મેં હૃદયના સ્થાનવિશેષ સંબંધી પ્રશ્ન પૂછ્યો છે. હું ભગવાનનો પોતાનો
અનુભવ જાણવા માગું છું.
મહર્ષિ
:
મન તથા
શરીરથી પર જે વિશુદ્ધ ચેતના છે તેનો જ સીધો અનુભવ થાય છે. સામાન્ય માણસ
પોતાના શારીરિક અસ્તિત્વને અનુભવે છે તેવી જ રીતે સંતપુરૂષો પોતાના શરીરરહિત,
શાશ્વત અસ્તિત્વનો અનુભવ કરતા હોય છે. પરંતુ ચેતનાની અનુભૂતિ શારીરિક ભાન
સાથે અને એના સિવાય એમ બંને રીતે થતી હોય છે. કેવળ ચેતનાના શરીરરહિત અનુભવ
દરમિયાન સંતપુરૂષ દેશ તથા કાળથી પર હોય છે. અને એ અવસ્થામાં હૃદયના
સ્થાનવિશેષનો પ્રશ્ન પેદા થવાનો કશો સંભવ નથી રહેતો.
ભૌતિક
શરીરનું અસ્તિત્વ પરમચેતના સિવાય નથી રહી
શકતું
એટલા માટે પરમ ચેતનાની મદદથી શરીરભાન ટકાવી રાખવું પડે છે. શરીરની શક્તિ
સ્વાભાવિક રીતે જ સીમિત છે. એ અનંત અને સનાતન ચેતનાની પેઠે વ્યાપક નથી.
સ્વાનુભવસંપન્ન સંતને માટે શરીરની સભાનતા તો કેવળ સ્વયંપ્રકાશિત અનંત
આત્મચેતનાનું પ્રતિધ્વનિત કિરણમાત્ર હોય છે. દેહનું ભાન એના જીવનમાં એ જ
અર્થમાં રહેતું હોય છે.
હૃદયના કેવળ
ચેતનાના રૂપમાં થનારા દેહાતીત અનુભવ દરમિયાન સંતપુરૂષને શરીરનું જરા પણ ભાન
નથી હોતું એટલે શરીરનું ભાન આવ્યા પછી એ અનુભવનું સહજ સ્મરણ કરીને એ એને
શરીરની સીમાઓમાં સીમિત કરવાનો પ્રયત્ન કરે છે.
જિજ્ઞાસુ
:
મારા જેવા
પ્રત્યક્ષ અનુભવ વગરના અને એના સંસ્મરણથી રહિત સાધકોને માટે આ આખીય વાત
સમજવાનું કામ થોડુંક કઠિન લાગે છે. હૃદયના સ્થાન વિશે અમારે તો એકમાત્ર
અનુમાનનો જ આધાર લેવો રહ્યો.
મહર્ષિ
:
સામાન્ય
માણસોએ પણ જો હૃદયના સ્થાન વિશેના નિર્ણય માટે એકમાત્ર અનુમાનનો જ આધાર
લેવાનો હોય તો તો પછી એને વિચારવાનો કશો અર્થ જ નથી રહેતો. ના. એને માટે
અનુમાનનો આધાર નથી લેવાનો પરંતુ નિર્ભેળ, અણિશુદ્ધ અંતઃપ્રેરણાનો આશ્રય
લેવાનો છે.
જિજ્ઞાસુ
:
અંતઃપ્રેરણા
કોને માટે છે ?
મહર્ષિ
:
સૌ કોઈ ને
માટે.
જિજ્ઞાસુ
:
મને
હૃદયનું એ અંતઃપ્રેરણામૂલક જ્ઞાન મળ્યું છે એવું ભગવાન માનશે ખરા
?
મહર્ષિ
:
ના. હૃદયનું
જ્ઞાન નહિ પરંતુ હૃદયના સ્થાનવિશેષનું જ્ઞાન.
જિજ્ઞાસુ
:
ભગવાન એવું
કહેવા માગે છે કે હું શરીરની અંદર રહેનારા હૃદયના સ્થાનવિશેષનું
અંતઃપ્રેરણાત્મક જ્ઞાન ધરાવું છું ?
મહર્ષિ
:
શા માટે નહિ
?
જિજ્ઞાસુ
:
ભગવાન શું આ
વાત મને વ્યક્તિગત રીતે ઉદ્દેશીને કહી રહ્યા છે
?
મહર્ષિ
:
હા. એ જ
અંતઃપ્રેરણા છે. હમણાં તમે તમારા વિશે વાત કરતી વખતે કેવો અભિનય કરી બતાવ્યો
?
તમારી આંગળીને છાતીની જમણી બાજુએ ના રાખી
?
હૃદયકેન્દ્રનું સાચું સ્થાન ખરેખર ત્યાં જ છે.
જિજ્ઞાસુ
:
તો
પછી પ્રત્યક્ષ જ્ઞાનની પ્રાપ્તિ થતાં સુધી એ અંતઃપ્રેરણા પર આધાર રાખું
?
મહર્ષિ
:
એમાં ખોટું
શું છે ?
વિદ્યાર્થી જ્યારે જણાવે છે કે મેં આ સરવાળો કે દાખલો બરાબર કર્યો છે અથવા
જ્યારે પૂછે છે કે હું જલદી જલદી જઈને તમારે માટે પુસ્તક લઈ આવું
?
ત્યારે દાખલો કરનારની ઓળખાણ આપતાં માથા પર આંગળી મૂકે છે અથવા તો પુસ્તક
લાવવામાં મદદરૂપ થનારા પગનો નિર્દેશ કરે છે
?
ના. એ બંને પ્રકારની અવસ્થામાં એની આંગળી છાતીની જમણી બાજુ પર પડતી હોય છે.
એવી રીતે એ અહંભાવનું ઉદ્
ભવસ્થાન ત્યાં રહેલું છે એ મૂળભૂત હકીકતનો કુદરતી રીતે જ નિર્દેશ કરે છે.
નિર્ભેળ અંતઃપ્રેરણાથી પ્રેરાઈને જ એ સ્વરૂપ અથવા હૃદયનો એવી રીતે પરિચય આપે
છે. દરેક વ્યક્તિ એ જ પ્રકારના અભિનયનો આધાર લેતી હોય છે. સ્થૂલ શરીરની
અંદરના હૃદયના સ્થાનને માટે આથી વધારે સુંદર પુરાવો બીજો કયો હોઈ શકે
?
જિજ્ઞાસુ
:
પરંતુ એક
સંત પાસેથી મેં સાંભળ્યું છે કે એમને એમના આત્મિક અનુભવની પ્રાપ્તિ બંને
ભ્રમરની મધ્યના પ્રદેશમાં થતી હોય છે
!
મહર્ષિ
:
મેં પહેલાં
કહ્યું તેમ, સંપૂર્ણ અને છેવટના સાક્ષાત્કારમાં દૃષ્ટા અને દૃશ્યના ભેદ નથી
રહેતા. એ સાક્ષાત્કારની સિદ્ધિ થાય છે ત્યારે આત્મિક અનુભૂતિ કયે ઠેકાણે થાય
છે તેનું મહત્વ નથી રહેતું.
જિજ્ઞાસુ
:
પરંતુ
પ્રશ્ન એ થાય છે કે બંનેમાંથી સાચું શું છે
?
આધ્યાત્મિક અનુભૂતિનું કેન્દ્રસ્થાન બંને ભ્રમરની મધ્યનો પ્રદેશ છે કે હૃદય
છે ?
મહર્ષિ
:
અભ્યાસને
ખાતર, તમને અનુકૂળ લાગે તો, ભ્રૂમધ્યમાં ધ્યાન કરી શકો છો. એ ધ્યાન મનનું
ભાવાનાત્મક અથવા કાલ્પનિક ધ્યાન હશે. પરંતુ સાક્ષાત્કાર અથવા આત્માનુભવની
સર્વોચ્ચ દશામાં તમારુ વ્યક્તિત્વ સંપૂર્ણપણે વિલીન થાય છે ને મનથી પારના
પ્રદેશમાં પહોંચાય છે. એ અવસ્થામાં તમે કોઈપણ કેન્દ્રવિશેષથી અલગ રહીને એનો
અનુભવ નથી કરી
શકતા.
જિજ્ઞાસુ
:
હું મારો
પ્રશ્ન જરાક જુદી રીતે પૂછું. ભ્રૂમધ્યના પ્રદેશને આત્માના અધિષ્ઠાન તરીકે
ઓળખી શકાય ?
મહર્ષિ
:
તમે માનો છો
કે આત્મા મનની ત્રણે અવસ્થા દરમિયાન રહે છે અને ચેતનાના એકમાત્ર પરિપૂર્ણ ઉદ્
ભવસ્થાનરૂપ છે. પરંતુ ધ્યાનમાં કોઈને ઊંઘ આવે છે ત્યારે શું થાય છે તેનું
અવલોકન કરો. ઊંઘના પહેલા લક્ષણરૂપે એનું મસ્તક હાલવા લાગે છે. જો સ્વરૂપ અથવા
આત્માનો આવાસ ભ્રૂમધ્યમાં કે મસ્તકના બીજા કોઈક પ્રદેશમાં હોત તો એવું ના
થાત. નિદ્રાની દશા દરમિયાન ભ્રૂમધ્યમાં આત્માનો અનુભવ ના થતો હોય તો એ
પ્રદેશને આત્માના અધિષ્ઠાનનો પ્રદેશ ના કહેવાય. નહિ તો આત્મા અવારનવાર પોતાના
સ્થાનનો પરિત્યાગ કરે છે એવું માનવું પડે. એ ઉચિત ના કહેવાય. જે સ્થાન અથવા
ચક્ર પર સાધક મનને એકાગ્ર કરે છે તે સ્થળે અનુભવની પ્રાપ્તિ કરી શકે છે.
પરંતુ એટલા જ કારણને લીધે એના અનુભવનું એ ચોક્કસ સ્થળ આત્માના અધિષ્ઠાનનું
સ્થળ નથી થઈ જતું.
જિજ્ઞાસુ
:
ભગવાન જણાવે
છે કે આત્મા ગમે તે કેન્દ્રમાં કે ચક્રમાં કામ કરે
તો પણ
એનું અધિષ્ઠાન હૃદયમાં રહે છે, તો પછી સતત ધારણા કે ભ્રૂમધ્યના ધ્યાનના
અભ્યાસથી ભ્રૂમધ્યનું સ્થાન આત્માનું અધિષ્ઠાન થઈ જાય એવું ના બની શકે
?
મહર્ષિ
:
તમારા
ધ્યાનને સ્થિર કરવા માટેનો અભ્યાસ કરતા હો ત્યાં સુધી આત્માના અધિષ્ઠાન વિશે
જે કાંઈ નક્કી કરશો તે કેવળ સૈદ્ધાંતિક હશે. તમે તમને
દૃષ્ટા
માનો છો ને જ્યાં તમારા ધ્યાનને જમાવો છો તે સ્થળ
દૃશ્ય
બને છે. એ ફક્ત ભાવના છે. જ્યારે બીજી બાજુએ તમે
દૃષ્ટાને
પોતાને જુઓ છો, આત્મામાં લીન બનો છો, અને એની સાથે એક થાવ છો. એ હૃદય છે.
જિજ્ઞાસુ
:
તો
પછી ભ્રૂમધ્યમાં ધ્યાન કરવાનું સલાહભર્યું છે
?
મહર્ષિ
:
ધ્યાનમાં
પ્રત્યેક પ્રકારના અભ્યાસનું અંતિમ પરિણામ એ છે કે સાધક જેના પર પોતાના મનને
સ્થિર કરે છે તે દૃશ્યપદાર્થના અલગ અસ્તિત્વનો અંત આવે છે.
દૃષ્ટા
ને
દૃશ્ય,
ધ્યાતા ને ધ્યેય એક આત્મામાં મળી જાય છે અને એ જ હૃદય કહેવાય છે.
ભ્રૂમધ્યમાં
ધ્યાન કરવાની પદ્ધતિ પણ સાધનાની એક વિશિષ્ટ પદ્ધતિ છે અને એની મદદથી થોડાક
વખતને માટે વિચારોનો સારી રીતે સંયમ સાધી શકાય છે. મનને ભ્રૂમધ્યમાં સ્થિર
કરવાનો અભ્યાસ કરતી વખતે કોઈ મંત્રજપનો આધાર પણ લેવો જોઈએ. એથી લાભ થાય છે.
જપની મદદ વિના ધ્યેય વસ્તુ પર એકાગ્ર નહિ થઈ શકાય. એ સાધનાના પ્રભાવથી છેવટે
ધ્યેયપદાર્થમાં લીન થવાય છે. વિશુદ્ધ ચેતના, આત્મા અથવા હૃદયનો છેવટે
સાક્ષાત્કાર થાય છે. એ સાક્ષાત્કાર અંતિમ છે.
જિજ્ઞાસુ
:
ભગવાન
દ્વારા અમને કોઈ ખાસ ચક્રસ્થાનનું ધ્યાન કરવાનો આદેશ કેમ નથી આપવામાં આવતો
?
મહર્ષિ
:
યોગના
ગ્રંથોમાં કહ્યું છે કે આત્માનું અધિષ્ઠાન સહસ્ત્રધાર અથવા મસ્તક છે.
પુરૂષસૂક્ત એનું અધિષ્ઠાન હૃદય છે એવું વર્ણન કરે છે. સાધકના મનમાં એ પરસ્પર
વિરોધી વિચારધારાને લીધે પેદા થનારી શંકાના સમાધાન માટે હું એને અહંભાવનો
આધાર લઈને એના મૂળ ઉદભવસ્થાન સુધી પહોંચી જવાની ભલામણ કરું છું. કારણ કે
પોતાના અહંભાવના સંબંધમાં કોઈ પ્રકારની શંકા કરવાનું કોઈને માટે શક્ય નથી, ને
ગમે તે પ્રકારની સાધનાનો આધાર લેવામાં આવે
તો પણ
આખરે તો તમે જેનો અનુભવ કરો છો તે અહંભાવના ઉદભવસ્થાનનો સાક્ષાત્કાર જ કરી
લેવાનો છે. અંતિમ ધ્યેય એ જ છે. એટલે આત્મવિચારનો આશ્રય લેવાથી આત્મા, સ્વરૂપ
અથવા હૃદયને પહોંચી
શકશો.
મહર્ષિની એ
બધી વિચારધારા પરથી સુસ્પષ્ટ રીતે સમજી શકાય છે કે એમનું હૃદય કોઈ સ્થૂલ હૃદય
નથી પરંતુ આત્માનું અધિષ્ઠાન છે. એ હૃદયનો અનુભવ અંતરંગ સાધનાનો આધાર લેવાથી
થઈ શકે છે. સાધક ભ્રૂમધ્ય અથવા હૃદયપ્રદેશમાં અથવા બીજા ગમે તે સ્થાનવિશેષમાં
પોતાની અભિરુચિ કે પસંદગી
પ્રમાણે
ધ્યાન કરી શકે છે, પરંતુ આખરે તો એણે બધા જ બાહ્ય ભેદભાવોમાંથી મુક્તિ
મેળવીને આત્માનુભૂતિની પ્રાપ્તિ કરવાની છે. એની સાધનાના એ મુખ્ય ને મૂળભૂત
હેતુ તરફ એ એક અથવા બીજી રીતે અવારનવાર અંગુલિનિર્દેશ કરે છે.