મહર્ષિનો
જગતવિષયક
દૃષ્ટિકોણ
વેદાંતની પુરાતન પ્રખ્યાત પરંપરા પ્રમાણેનો ને શંકરાચાર્યના
દૃષ્ટિકોણને
મળતો હતો. કેટલાક લોકો એવું માને છે કે એ જગતને માનતા નહોતા અને એની સત્તાની
અવગણના કરતા. પરંતુ ખરેખર એવું ન હતું. એ જગતની વ્યવહારિક સત્તાનો સ્વીકાર
કરતા અને એટલા માટે જ એમાં રહીને બીજાને મદદરૂપ થવા તૈયાર રહેતા તથા જુદા
જુદા જીવનોપયોગી વ્યવહાર કરતા, પરંતુ જગતમાં કે જગતના રૂપમાં સર્વત્ર
પરમાત્માનો અનુભવ કરતા હોવાથી જગત એમને માટે બીજાની જેમ ભેદભાવયુક્ત પાર્થિવ
જગત નહોતું રહ્યું, પરંતુ પરમાત્માનું પરમપવિત્ર ચિન્મય પ્રતીક બની ગયેલું.
મહર્ષિ
બ્રહ્મમયી
દૃષ્ટિથી
સંપન્ન હોવાથી સર્વપ્રકારના નાના મોટા અવિદ્યાજન્ય ભેદભાવથી મુક્ત હતા. એમના
વિચારો અલૌકિક અભેદભાવનો અને અનેરી આત્મનિષ્ઠાનો પડઘો પાડે છે. એ વિચારોનો
પરિચય એમને સાચી રીતે સમજવામાં અથવા એમના વ્યક્તિત્વને મૂલવવામાં ઉપયોગી ઠરે
તેમ હોવાથી થોડેઘણે અંશે કરી લઈએ.
પ્રશ્ન
:
જ્ઞાની
જગતને અનુભવે છે ખરો ?
મહર્ષિ
:
પ્રશ્ન કોના
તરફથી પૂછવામાં આવ્યો છે ?
જ્ઞાની તરફથી કે અજ્ઞાની તરફથી ?
જિજ્ઞાસુ
:
અજ્ઞાની
તરફથી, એ કબૂલ કરું છું. હું જગત સંબંધી જ્ઞાનીનો
દૃષ્ટિકોણ
જાણવા માગું છું. આત્માના સાક્ષાત્કાર પછી જગતનો અનુભવ થાય છે ખરો
?
મહર્ષિ
:
તમે જગતની
અને આત્મસાક્ષાત્કારની સિદ્ધિ પછી એનું શું થાય છે તેની ચિંતા શા માટે કરો છો
?
પહેલાં આત્માનો સાક્ષાત્કાર કરી લો. જગતનો અનુભવ થતો હોય
તો પણ
શું અને ના થતો હોય
તો પણ
શું ?
નિદ્રાવસ્થામાં જગતનો અનુભવ નથી તો તેથી તમારી શોધમાં મદદ મળે એવું કશું તમને
મળે છે ખરું ?
એથી ઊલટું, અત્યારે જગતનો અનુભવ થતાં તમને શું નુકસાન થાય છે
?
જગતનો અનુભવ થાય છે કે નહિ એ જ્ઞાની કે અજ્ઞાની બંનેમાંથી કોઈને માટે વધારે
મહત્વનું નથી હોતું. બંનેને એનું દર્શન તો થાય જ છે, પરંતુ એમના
દૃષ્ટિકોણમાં
ફેર હોય છે.
જિજ્ઞાસુ
:
જ્ઞાની અને
અજ્ઞાની બંને જગતનો એકસરખો અનુભવ કરતા હોય તો એમની અંદર કશો તફાવત ક્યાં
રહ્યો ?
મહર્ષિ
:
જગતને જોતી
વખતે જ્ઞાની જે કાંઈ દેખાય છે તેના સારરૂપ આત્માને જુએ છે. અજ્ઞાની જગતને
જોતો હોય કે ના જોતો હોય
તો પણ
એના સત્ય સ્વરૂપથી અથવા આત્માથી અનભિજ્ઞ હોય છે.
જિજ્ઞાસુ : જે જગત આટલી જુદી જુદી રીતે જોવાય છે, અનુભવાય છે, અને
ઈન્દ્રિયોનો વિષય બને છે તે સ્વપ્નસમાન અથવા ભ્રમણામાત્ર છે
?
મહર્ષિ
: જો તમે સત્યની ને કેવળ સત્યની શોધ કરવા માગતા હો તો તમારે માટે
જગતને અવાસ્તવિક અથવા અનિત્ય માનવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી રહેતો.
જિજ્ઞાસુ
: એનું કારણ ?
મહર્ષિ
: એનું એક સીધું સાદું કારણ એ છે કે જગત સાચું છે, એ ખ્યાલને
તિલાંજલિ નહિ આપો ત્યાં સુધી તમે તેની પાછળ મોહિત કે મુગ્ધ બનતા રહેશો. એક
માત્ર સત્યનું જ અસ્તિત્વ હોવા છતાં, બહારના દૃશ્યને તમે સાચું માની લેશો તો
જે સાચેસાચ સત્ય છે તેને કદાપિ નહિ જાણી શકો. એ દૃષ્ટિબિંદુને
‘રજ્જુમાં
સર્પ’ના
રૂપક દ્વારા રજુ કરવામાં આવ્યું છે. જ્યાં સુધી તમે સર્પને જુઓ છો ત્યાં સુધી
રજ્જુને રજ્જુના રૂપમાં નથી જોઈ શકતા. જેનું અસ્તિત્વ જ નથી તે સાપ તમારે
માટે સાચો બની જાય છે, જ્યારે સાચું રજ્જુ એનું અસ્તિત્વ ખોઈ બેસે છે.
જિજ્ઞાસુ
: માનવાને ખાતર માની લઈએ કે જગત આખરે સાચું નથી, પરંતુ એ ખરેખર અસત્ય
છે એવું તો સહેલાઈથી નથી માની શકાતું.
મહર્ષિ
: તમે સ્વપ્નાવસ્થામાં હો છો ત્યારે તમારું સ્વપ્નજગત પણ એવી રીતે જ
સાચું હોય છે. સ્વપ્ન ચાલુ હોય ત્યાં સુધી તેમાં જે કાંઈ જુઓ છો કે અનુભવો છો
તે સાચું હોય છે.
જીજ્ઞાસુ
: તો પછી જગત સ્વપ્નથી વિશેષ કશું જ નથી
?
ઉત્તર : તમે સ્વપ્નાવસ્થામાં છો ત્યારે તમારામાં એની યથાર્થતાની
બુદ્ધિ હોય છે એમાં ખોટું શું છે ?
તમને તદ્દન અશક્ય જેવું સ્વપ્નું આવ્યું હોય : દાખલા તરીકે મરેલા માણસ સાથે
સુખદ વાતચીત કરવાનું. તે વખતે તે માણસ શું મરી નથી ગયો
?
એવી થોડા વખતને માટે તમને શંકા થઈ આવે તો પણ પાછળથી તમે ગમે તેમ કરીને એ
સ્વપ્નાનુભવ પ્રમાણે મનનું સમાધાન કરી લો છો, અને એ માણસ સ્વપ્નના પ્રસંગ
પૂરતો જીવતો બને છે. બીજી ભાષામાં કહીએ તો સ્વપ્નને તમે સ્વપ્ન પૂરતું શંકાની
નજરે નથી જોતા. એ જ રીતે તમારી જાગૃતિ અવસ્થામાં અનુભવાતા જગતની યથાર્થતાની
શંકા પણ તમને નથી થતી. જે મન જગતને ઉત્પન્ન કરે છે તે તેની અવાસ્તવિકતાનો
સ્વીકાર કેવી રીતે કરી શકે ?
જાગૃતિ તથા સ્વપ્નાવસ્થાના જગતની સરખામણી કરવા પાછળનું રહસ્ય એ જ છે. બંને
મનને લીધે પેદા થાય છે અને મન એ બંનેમાંથી એકમાં પણ ડૂબેલું હોય ત્યાં સુધી
સ્વપ્નાવસ્થા દરમિયાન સ્વપ્નની ને જાગૃતિ દશા દરમિયાન જાગૃતિની યથાર્થતાનો
ઈન્કાર નથી કરી શકતું. એથી ઊલટું, તમારા મનને જગતમાંથી પાછું વાળીને અંતર્મુખ
કરો ને હમેશાં આત્માભિમુખ અને આત્મનિષ્ઠ બનો તો સ્વપ્નદશાની દુનિયાની પેઠે જ
જાગૃતિદશાની દુનિયા પણ તમારે માટે મિથ્યા થઈ પડશે.
જિજ્ઞાસુ
: કેવળ પાશ્ચાત્ય વિજ્ઞાન જ નહિ પણ વેદો પણ જગતને સાચું માને છે. એ
જગતના આવિર્ભાવ અને આદિકારણનું વિસ્તારથી વર્ણન કરે છે. જગત સત્ય ના હોય તો
એ એવું વિશદ વર્ણન શા માટે કરે ?
મહર્ષિ
: વેદોનું મુખ્ય પ્રયોજન અવિનાશી આત્માના સ્વરૂપનું જ્ઞાન આપવાનું
ને
तत्वमसि
અથવા
‘તું
તે છે’ની
પ્રમાણભૂત અધિકારપૂર્ણ જાહેરાત કરવાનું છે.
જિજ્ઞાસુ
:
બરાબર છે.
પરંતુ જગતને એ સત્ય ના માનતા હોય તો એ બધાં વિસ્તૃત વિગતવાર વર્ણનો શા માટે
કરે ?
મહર્ષિ
:
સિદ્ધાંતની
દૃષ્ટિએ
જેને સ્વીકારતા હો એને આચરણમાં ઉતારો અને બીજું બધું બાજુએ મૂકી દો.
શાસ્ત્રોએ સત્યના પ્રત્યેક શોધકને દોરવણી આપવાની હોય છે, અને બધાનાં માનસિક
બંધારણ એકસરખાં નથી હોતાં. જેને તમે ના સ્વીકારી શકો એને અર્થવાદ અથવા
આનુષંગિક તર્ક તરીકે માનો.
મહર્ષિનો એ
અંતિમ ઉત્તર ખૂબ જ મનનીય છે. એની ઉપરથી પ્રતીત થાય છે કે એ પોતાના પક્ષ કે
અભિપ્રાયને બીજા પર લાદવાનો લેશ પણ દુરાગ્રહ નહોતા રાખતા. ધર્મ, સાધના કે
આધ્યાત્મિકતા વિતંડાવાદને માટે નથી, અનુભવને માટે છે, એ એમનો મુખ્ય સંદેશ
હતો.
આપણે ત્યાં
જગત વિશે ઘણી ઘણી ચર્ચાઓ ચાલે છે. તેમાં ઘણાને રસ પડે છે. તેમણે સમજવું જોઈએ
કે જગત છે પરંતુ તેને જ્ઞાનદૃષ્ટિએ
જોતાં ને તેમાં જ્ઞાની થઈને રહેતાં કે શ્વાસ લેતાં શીખવાનું છે. જગતના
અસ્તિત્વને ઉડાવી દેવાની વૃત્તિ વધારવાને બદલે એને સ્નેહભર, સરસ, સુંદર,
સમૃદ્ધ, સમુન્નત અને સાર્થક કરવાની
દૃષ્ટિ
જગાવવાની ને શક્તિ કેળવવાની જરૂર છે. જ્યાં સુધી એમાં રહેવાનું છે ત્યાં સુધી
આદર્શ માનવની પેઠે રહેવાય, અનાસક્ત તથા આત્મનિષ્ઠ થવાય, અને એને અધિકાધિક
ઉપયોગી બનાય, તેનું ધ્યાન રાખવાનું છે. વર્તમાન સમયમાં એ જ પ્રેરક મંત્રની
આપણને આવશ્યકતા છે. એ જ મંત્ર આપણી તંદ્રા, જડતા તથા ઘોર સ્વાર્થપરતાને દૂર
કરી શકશે, જીવનનું પરિત્રાણ કરશે, અને આપણને સાચા અર્થમાં કૃતાર્થ કરીને
બીજાને પણ કૃતાર્થ કરવાની દિવ્ય શક્તિ ધરશે. આ જગતને પરમાત્માનું પ્રતીક
માનીને એમાં રહીએ તો આપણને ને બીજાને ઘણો લાભ થાય.