સાધકોને મુંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન

 

પ્રશ્નોત્તરી

 

Question & Answer on Religion and Spirituality

HOME | AUDIO | BOOKS | BHAJANS | BHAGAVAT | BHAGAVAD GITA | MAHABHARAT | RAMAYAN | UPANISHAD | YOG SUTRA | MORE

 

> Q & A : more >

દર્શન અને ચમત્કાર

 

પ્રશ્ન: ઈશ્વરદર્શન કે આત્મસાક્ષાત્કારને સિદ્ધિ કે ચમત્કારોની સાથે કાંઈ સંબંધ ખરો ?

ઉત્તર: તમારો પ્રશ્ન મને બરાબર સમજાયો નહીં. તમારે શું કહેવાનું કે, પૂછવાનું છે તે મને સ્પષ્ટ રીતે કહી શકશો ખરા ?

પ્રશ્ન: મારો પ્રશ્ન એ છે કે જેને ઈશ્વરદર્શન કે આત્મસાક્ષાત્કાર થઈ જાય છે, તેની અંદર સિદ્ધિઓ કે ચમત્કારો કરી બતાવવાની શક્તિ આવે છે ખરી ?

ઉત્તર: ઈશ્વરદર્શન કે આત્મસાક્ષાત્કાર એજ મોટામાં મોટી સિદ્ધિ છે. એને તમે કોઈ સાધારણ સિદ્ધિ ન સમજતા. કેટલાય વરસોના સતત પુરુષાર્થ પછી એ સર્વોત્તમ સિદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. એથી વિશેષ સિદ્ધિ બીજી કઈ છે ? છતાં પણ જો તમે બીજી સિદ્ધિઓ અને ચમત્કારો કરી બતાવવાની શક્તિ સંબંધમાં પૂછતા હો, તો કહેવું જોઈએ કે જેને ઈશ્વરદર્શન કે આત્મસાક્ષાત્કાર થઈ જાય છે, તેની અંદર એવી શક્તિ કે સિદ્ધિ હોવી જ જોઈએ અથવા હોય છે જ એવું નથી. એવી સિદ્ધિ કે શક્તિ વિના એના આધ્યાત્મિક વિકાસમાં કશો જ અંતરાય નથી આવતો. જીવનની ધન્યતાનો આનંદ પણ એના વિના એ લૂંટી શકે છે અને જીવનની પૂર્ણતા પણ મેળવી લે છે. કેટલાય ઈશ્વરદર્શી કે આત્મસાક્ષાત્કારી પુરુષોમાં બહારની સિદ્ધિઓ નથી દેખાતી, છતાં પણ તે પરમ શાંતિને પામી ચૂકેલા, આત્મતૃપ્ત ને મુક્ત હોય છે. સિદ્ધિઓ હોય તો કાંઈ ખોટું યે નથી અને ના હોય તો નુકસાન પણ નથી. મારો કહેવાનો આશય એટલો જ છે કે આત્મિક વિકાસની પરિપૂર્ણતાએ પહોંચવા માટે, સિદ્ધિઓ કોઈ અનિવાર્ય અને સર્વસામાન્ય આવશ્યકતા નથી અને આત્મિક વિકાસની પરિપૂર્ણતાએ પહોંચ્યા પછી પણ સિદ્ધિઓ એની નિશાનીરૂપ નથી બનતી.

પ્રશ્ન: ઈશ્વરદર્શન અથવા આત્મસાક્ષાત્કાર વિના પણ કોઈને સિદ્ધિઓ મળી શકે ?

ઉત્તર: જરૂર મળી શકે. સિદ્ધિઓ મંત્રથી, તપથી, ઔષધથી, કોઈ મેલી વિદ્યાથી અને બીજી અનેક રીતે મળી શકે છે. દરેક વખતે તેનું ઉગમસ્થાન કે મૂળ આધ્યાત્મિક જ હોય છે એવું નથી હોતું. કોઈ વાર આધ્યાત્મિક વિકાસને પરિણામે પણ એમની પ્રાપ્તિ થાય છે. કોઈ સાધારણ લૌકિક સાધનાથી, મેલી વિદ્યાથી, કે આત્મિક સાધનાથી પણ. તે તમે પોતે જ્યાં સુધી ન જાણો ત્યાં સુધી નક્કી ન કરી શકો અને એ વિશે અભિપ્રાય પણ ના આપી શકો.

પ્રશ્ન: શાસ્ત્રોમાં સિદ્ધિઓથી દૂર રહેવાનું કહ્યું છે તેનું કારણ ?

ઉત્તર: તેનું કારણ બીજું તો શું હોય ? માનવમનની નિર્બળતા તથા વિષયપરતા. એ બંને જાતની કમજોરીને લીધે માણસને માટે સિદ્ધિઓમાં ફસાઈ જવાનો તથા વિષયલોલુપ થવાનો અને એવી રીતે સાધનાના વિકાસ ને સાચા માર્ગને ભૂલી જવાનો હંમેશા ભય રહે છે. એ ભયનો વિચાર કરીને જ સાધકોની સલામતી માટે, એમને સિદ્ધિઓથી દૂર રહેવાનું અથવા તો સિદ્ધિઓની લાલસા નહીં રાખવાનું કહેવામાં આવ્યું છે. જેમનું મનોબળ મજબૂત છે અને જે ભોગપરાયણ કે વિષયલોલુપ નથી તેમણે સિદ્ધિઓથી ડરવાનું કારણ નથી. તેમને સિદ્ધિઓ મળશે તો પણ તે તેમનાથી બંધાશે કે અંજાશે નહીં અને પથચ્યુત પણ નહીં થાય. સિદ્ધિઓનો ઉપયોગ તે પોતાના ને બીજાના ભલા માટે જ કરશે.

પ્રશ્ન: સિદ્ધિઓની પ્રાપ્તિને માટે કોઈ વિશેષ પરિશ્રમ કરવો પડે છે કે એ આપોઆપ જ આવે છે ?

ઉત્તર: તપ અને મંત્રના અનુષ્ઠાન જેવો વિશેષ પરિશ્રમ કરવો પડે છે. અથવા તો બીજી સાધના કરવી પડે છે. પરંતુ સાધનાના માર્ગમાં અમુક અંશે આગળ વધતાં હૃદયશુદ્ધિ સધાતાં, પરમાત્માને માટેના પરમ પ્રેમનો ઉદય થતાં, અથવા તો ઈશ્વરદર્શન થતાં કેટલીક સિદ્ધિઓ વિકાસની નૂતન ભૂમિકાની પ્રાપ્તિને પરિણામે આપોઆપ અથવા તો સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થાય છે. ફૂલની પાસે જવાથી જેમ સુવાસની, નદીની પાસે જવાથી નીરની, ને સૂરજની પાસે પહોંચવાથી પ્રકાશની પ્રાપ્તિ થાય છે તેમ. એટલે મારી તો સલાહ છે કે સિદ્ધિઓની પ્રાપ્તિને માટે વિશેષ પરિશ્રમ કરવાને બદલે, બનતો બધો જ પરિશ્રમ ઈશ્વરદર્શન કે આત્મસાક્ષાત્કારને માટે જ કરવો. જેથી જીવનનું સાચા અર્થમાં કલ્યાણ કરી શકાય અને વિકાસના ક્રમમાં જે સિદ્ધિઓ સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થાય, એમનો અનાદર ન કરવો, એમને અપનાવી લેવી. બાકી સિદ્ધિઓનો મોહ કે અભરખો ન રાખવો. મોહ માત્ર ઈશ્વરનો જ જોઈએ.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી કૃત 'ધર્મનો સાક્ષાત્કાર'માંથી)

 
 

 | Adhyatma| Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal |

 |  Articles | Autobiography | Letters | Lectures | Kavita | Poems | Q&A | Teachings | Writings |

| Calendar | E-books | GopiGeet | Shivmahimna Stotra | Vishnu Sahasranam | Ramana Maharshi | TirthYatra | YogAsana |

| ABOUT US | DISCLAIMER | FAQ | FEEDBACK | GLOSSARY | GUEST BOOK | LINKS | SITE MAP | WHAT'S NEW |

Copyright © Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA. All rights reserved.