રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

જયંતની કથા

(અરણ્યકાંડ)

 

જીવને જયોતિર્મય નવજીવન મળે તે જ શિવની સાચી કૃપા છે. એનાથી અધિક ઉત્તમ, કલ્યાણકારિણી રક્ષા બીજી કોઇ જ નથી.

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Aranya Kand | Next >

       

અરણ્યકાંડના આરંભમાં સંત શિરોમણિ કવિવર તુલસીદાસે ઇન્દ્રના પુત્ર જયંતની કથાને રજૂ કરી છે.

પ્રકૃતિ તથા પુરૂષની સ્નેહલીલા સર્જનની શરૂઆતથી જ ચાલ્યા કરે છે. રામ તથા સીતાના જીવનમાં પણ તેનું દર્શન થતું. અરણ્યની અનેકવિધ આપત્તિઓ વચ્ચે વસવા છતાં પણ એમના સ્નેહનું શુચિ સ્ત્રોત લેશપણ મંદ પડ્યું કે સુકાયું નહોતું. એની પ્રતિતી સહેલાઇથી થઇ શકે છે. પવિત્ર પ્રભુમય પ્રેમનું કેવું સરસ, સુમધુર, સંક્ષિપ્ત છતાં પણ સચોટ વર્ણન છે?

 

एक बार चुनि कुसुम सुहाए। निज कर भूषन राम बनाए ॥

सीतहि पहिराए प्रभु सादर। बैठे फटिक सिला पर सुंदर ॥

 

'એકવાર રામે સુંદર સુમનો એકઠાં કરીને, પોતાના હાથથી આભૂષણો બનાવીને, સુંદર સ્ફટિક શિલા પર બેસીને સીતાને સ્નેહ અને સન્માનથી પહેરાવ્યા.'

વાત આનંદજનક હતી પરંતુ સંજોગોએ જુદું જ સ્વરૂપ ધારણ કર્યું. ઇન્દ્રના પુત્ર જયંતે કાગડાનું રૂપ ધારણ કરીને સીતાના ચરણોમાં ચાંચ મારીને નાસવા માંડ્યું.

રંગમાં ભંગ પડ્યો.

રામે સીતાના ચરણમાંથી વહેતા લોહીને જોઇને, જયંતના કુકર્મનો દંડ દેવા માટે મંત્રથી પ્રેરેલું બ્રહ્મબાણ છોડ્યું.

જયંત એનાથી ભયભીત બનીને નાસી છૂટ્યો. મૂળ રૂપને ધારીને એ ઇન્દ્રની પાસે પહોંચ્યો, પરંતુ રામનો વિરોધ જાણીને ઇન્દ્રે એને આશ્રય આપ્યો નહીં. એને બ્રહ્મલોક કે શિવલોકમાંય શાંતિ ના મળી.

દેવર્ષિ નારદના કથનાનુસાર એણે છેવટે રામના શરણમાં જઇને રક્ષા માટે પ્રાર્થના કરી.

રામે એને એક નેત્રવાળો કરીને છોડી દીધો.

કવિ લખે છે કે રામ જેવા કૃપાળુ કોણ ?

को कृपाल रघुबीर सम

કોઇને પ્રશ્ન થવાનો સંભવ છે કે જયંતને અપરાધી ગણીને રામે કાણો કર્યો એમાં રામની કૃપા ક્યાં રહી ? રામે એને ક્ષમાપ્રદાન કરીને હાનિ પહોંચાડ્યા સિવાય જવા દેવો જોઇતો હતો. રામચરિતમાનસમાં લખ્યું છે કે  एकनयन करि तजा भवानी।

'એકનયન' નો અર્થ વિકાર કે વાસના વગરનાં, નિર્મળ, એકમાત્ર પ્રભુને - રામને નિહાળનારાં દિવ્ય નયન એવો કરીએ અથવા એકનયન એટલે પ્રામાણિક પવિત્ર નયન એવો કરીએ તો તેમાં કૃપાળુ રામની કૃપા દેખાય છે. જીવને જયોતિર્મય નવજીવન મળે તે જ શિવની સાચી કૃપા છે. એનાથી અધિક ઉત્તમ, કલ્યાણકારિણી રક્ષા બીજી કોઇ જ નથી.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer