|
અયોધ્યાના રાજા દશરથે રામને યુવરાજપદે સ્થાપવાનો સંકલ્પ કરી લીધો, પરંતુ વાત
એટલેથી જ પૂરી નથી થતી. મહત્વની, સમજવા જેવી, એ સમયની ભારતીય સંસ્કૃતિના
પરંપરાગત શિષ્ટાચારની વિશેષ નોંધપાત્ર વાત તો હવે આવે છે, અને કવિ એને અતિશય
સફળતાપૂર્વક સરસ રીતે વર્ણવે છે. કવિની દ્રષ્ટિ તથા શક્તિનો ત્યાં વિજય થાય છે.
એ વર્ણનમાં ભારતીય સંસ્કૃતિની પરંપરાનું દર્શન થાય છે. એ દર્શન આહલાદક અને
પ્રેરક છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સદગુરુનું મહત્વ ને માન સૌના કરતાં સવિશેષ
છે. રાજા દશરથ સદગુરુ વશિષ્ઠને મળીને એમની અનુમતિ મેળવવાનો પ્રયત્ન કરે છે.
એ પ્રયત્ન સફળ થાય છે. મુનિ વશિષ્ઠ રાજા દશરથના શુભ સંકલ્પ સાથે સંમત થઇને
રામને યુવરાજપદે પ્રતિષ્ઠિત કરવા માટે વિલંબ ના કરવાનો ને સઘળી તૈયારી કરવાનો
આદેશ આપે છે.
રાજા પ્રસન્ન થઇને પોતાના મહેલમાં આવે છે અને સચિવ સુમંત્રને અને સેવકોને
બોલાવીને સઘળી વાત કહી સંભળાવે છે ને જણાવે છે કે પંચને રામને યુવરાજ બનાવવાનો
અભિપ્રાય ઉચિત લાગે છે. તમે તેમને હર્ષપૂર્વક રાજતિલક કરો.
એ સાંભળીને સૌ પ્રસન્ન થાય છે.
મહામુનિ વશિષ્ઠની સુચનાનુસાર રામના રાજ્યાભિષેકની પૂર્વતૈયારી કરવામાં આવે છે.
રાજા દશરથની રાણીઓને એ સમાચાર પાછળથી મળે છે. સૌથી છેલ્લે જેમનો રાજ્યાભિષેક
થવાનો છે તે રામને.
પ્રથમ ગુરુની અનુમતિ, પછી સચિવની ને પંચની. રાણીઓ છેક છેલ્લે જાણે છે.
આપણે ત્યાં સામાન્ય રાતે અથવા બદલાયેલા સંજોગોમાં વધારે ભાગે શું થાય છે ?
તદ્દન ઊલટું જ. સૌથી પહેલાં કોઇ અગત્યની ગુહ્ય વાત હોય છે તો એનું રહસ્યોદ્ઘાટન
અને એની અનુમતિ પત્ની પાસે કરવામાં ને માગવામાં આવે છે. પછી શ્વસુરપક્ષ તથા
મિત્રમંડળ પાસે. ગુરુ તો છેક છેવટે કહેવાય છે, પુછાય છે અને કહેવાતું કે
પુછાતું નથી પણ ખરું. ઘટનાચક્ર સાથે જેનો સીઘો સંબંઘ હોય છે એને પ્રથમથી પણ
કહેવામાં આવે છે. રામાયણકાળની સાંસ્કૃતિક પરંપરા કેવી હતી એનો ખ્યાલ
રામચરિતમાનસના ઉપર્યુક્ત વર્ણન પરથી સહેલાઇથી આવી શકે છે.
|