|
ભરતના તેજસ્વી પાત્રનું ચિત્રણ એ રામચરિતમાનસની આગવી વિશીષ્ટતા છે. ભરતનો
ભ્રાતૃપ્રેમ - રામને માટેનો પ્રેમ અસાધારણ અથવા અકલ્પનીય છે. એ પ્રેમથી
પ્રેરાઇને એણે પોતાની માતા કૈકેયીની માંગણીને મંજૂર ના કરી. એને રાજ્યપ્રાપ્તિ
કે રાજ્યસુખની જરા પણ અપેક્ષા ન હતી. એને થયું કે પોતે રામાદિના વનગમન માટે
નિમિત્ત બન્યો છે. એણે વનમાં જઇને રામને મળીને રામને પાછા લાવવા માટે સંકલ્પ
કર્યો.
ભરતે રામને ચિત્રકૂટના પાવન પ્રદેશમાં મળીને પોતાના મનોભાવોથી માહિતગાર કર્યા.
ત્યાં સુધી કૈકેયીનો પશ્ચાતાપ પરાકાષ્ઠા પર પહોંચેલો. રામે એને એમની રીતે
આશ્વાસન આપીને એના હૃદયભારને હળવો કર્યો અને ભરતને રાજ્યની સંભાળ રાખવાની સૂચના
કરી.
ભરતે રામ પ્રત્યેના પ્રેમ અને પૂજ્યભાવથી પ્રેરાઇને એ સૂચનાનો અમલ કરવાની
તૈયારી બતાવી.
રામચરિતમાનસના અયોધ્યાકાંડમાં ભરતના એક જ પ્રકારના મનોભાવોને દર્શાવવા માટે
વધારે પડતું વર્ણન કરવામાં આવ્યું હોય તેવું લાગ્યા વિના નથી રહેતું. એ
મનોભાવોની અને અન્ય વર્ણનની અતિશયતાને લીધે અયોધ્યાકાંડનો છેવટનો કેટલોય ભાગ
કંટાળો ઉપજાવે તેવો, નીરસ અને અનાવશ્યક લાગે છે. એ વર્ણનનો કેટલોક ભાગ
ટૂંકાવીને રામ તથા ભરતના ઐતિહાસિક મધુર મિલન તથા મુખ્ય વાર્તાલાપની સીધી
વેળાસરની રજૂઆત કરી શકાઇ હોત.
અયોધ્યાકાંડના ઉપસંહાર સમયે કહેવામાં આવ્યું છે કે રામે આપેલી પાદુકાનું રોજ
પ્રેમપૂર્વક પૂજન કરી, એમના આદેશાનુસાર ભરત રાજ્યકાર્ય સંભાળતા.
नित पूजत प्रभु पाँवरी प्रीति न हृदयँ समाति ॥
मागि मागि आयसु करत राज काज बहु भाँति ॥
ભરતનું શરીર રોમાંચિત રહેતું;
એમના હૃદયમાં સીતારામ હતાં. જીભ રામનામ જપતી અને આંખોમાં પ્રેમપાણી આવતું. રામ,
લક્ષ્મણ, સીતા વનમાં વસતા ને ભરત ઘેર રહીને શરીરને કસતા. એમના વ્રતો તથા
નિયમોની વાતો સાંભળીને સંતો તથા સજ્જનો સંકોચાતા. એમની અવસ્થાથી મુનિવરો પણ
લજાતા.
કવિએ છેલ્લે છેલ્લે યોગ્ય જ કહ્યું છે કે ભરતનુ પરમ પવિત્ર આચરણ સુમધુર, સુંદર,
આનંદદાયક, મંગલ, કલિયુગના કલેશો અને પાપોને હરનાર અને મહામોહરૂપી રજનીનો નાશ
કરનાર સૂર્ય સમાન છે.
परम पुनीत भरत आचरनू। मधुर मंजु मुद मंगल करनू ॥
हरन कठिन कलि कलुष कलेसू। महामोह निसि दलन दिनेसू ॥
ભરતના ચરિત્રના ચિંતનમનનથી સીતારામનાં ચરણોમાં પ્રેમ થવાની સાથે સાથે સંસારના
રસ પરથી વૈરાગ્ય થશે, એ વાત સાચી છે.
|