રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

રચનાનો હેતુ

(રામચરિતમાનસ)

 

પુષ્પો ઉદ્યાનમાં સહજપણે જ પ્રકટે છે તોપણ એમનું પ્રાકટ્ય ઉદ્યાનને અને આજુબાજુના વાયુમંડળને પરિમલથી, પ્રસન્નતાથી, શ્રીથી પરિપ્લાવિત કરે છે.  કવિની કવિતારચના પણ એજ રીતે પોતાના આત્માના અવિદ્યારૂપી અંધકારનો અંત માટે આરંભાયેલી હોય તોપણ અન્યને જ્ઞાત અથવા અજ્ઞાત રીતે મદદરૂપ બને છે, પ્રેરક ઠરે છે.

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Bal Kand | Next >

       

રામચરિતમાનસ.

રસથી રંગાયેલી રસાયેલી રામકથા.

સ્વયં રસસ્વરૂપ હોવાની સાથેસાથે રસના પિપાસુને, પારખુને, પ્રેમીને, ભોક્તાને પણ રસ ધરનારી, અન્યના હૃદયને, રોમરોમને, આત્માના અણુએ અણુને, અવનીતલ પરના સકલ અસ્તિત્વને, આત્માના અલૌકિક અવતરણને સાર્થક, સફળ, સરસ અને સારગર્ભિત કરનારી.

એક અનુપમ અમૂલખ અલૌકિક ઔષધિ. સુધાસભર સંજીવનીબુટી. પરમ પ્રાણવાન, પ્રાણના પ્રત્યેક પરમાણુને પરિતોષનારી, નવ પ્રાણ પ્રદાન કરનારી પિયૂષપરબ. સત્શાસ્ત્રોના, સદબુદ્ધિના, સ્વર્ગીય સ્વાનુભૂતિના ક્ષીર સાગર મંથનમાંથી સાંપડેલી સુખપ્રદ સર્વશ્રેયસ્કર સુધાધારા. પ્રેમભક્તિના પરમદિવ્ય ઉદ્યાનમાં સ્વર્ગીય સૌરભભીનાં સુમનોની મનહર મંગલ માળા.

માનવ સંસ્કૃતિના મંથનનું નેહનવનીત. પ્રેરણાત્મક પ્રેમપરબ. જીવનને ઉજ્જવળ કરનારી ભક્તિજ્યોતિ. પૂર્ણતાના પથિકની પવિત્ર પગદંડી. સુખદ સરિતા, સરસ સુખપ્રદાયક સર્વોત્તમ સ્નેહ શીલ સંયમ સાધનાસર. ભવસાગરની નિત્યનવીન નૌકા. વનમાં વિચરતા વટેમાર્ગુની વિકરાળતાને શમાવનારી સનાતન શાંતિદાયક વનસ્થલી.

એને રચાયે વરસોના વહાણાં વીતી ગયા તોપણ એ એવી જ નિત્યનૂતન, સુખમય, સારગર્ભિત લાગે છે. એનો રસ ખૂટતો નથી ને પુરાતન પણ નથી થતો. એ વ્યાધિ ને વૃદ્ધાવસ્થાથી પર છે. દેશ કાળાતીત.

સૌમાં રમનારા રામનો, ઋષિવરો તથા રસિકોના ચિરવિરહધામ રામનો એ અવિનાશ અક્ષરદેહ. ક્ષણેક્ષણે અભિનવ. સ્થળે સ્થળે રસમય. મધુરતાનો મધપૂડો. કેવળ કવિતા નહીં કિન્તુ ક્લેશ, કિલ્મિષ, અવિદ્યાયુક્ત મોહને મટાડનાર શક્તિશાળી સવિતા. એનો આસ્વાદ ગમે તે રૂપમાં હોય તોયે અહર્નિશ આવકારદાયક, આનંદજનક. આત્માને અનુપ્રાણિત કરનાર.

રામચરિતમાનસની રચના સ્વનામધન્ય રામકૃપાપાત્ર સંતશિરોમણિ તુલસીદાસ મહારાજે કરી.

એ રસમય રમણીય રચના પાછળનો મુખ્ય હેતુ એમના જ શબ્દોમાં કહી બતાવીએ તો પોતાના અંતઃકરણના અવિદ્યારૂપી અંધકારનો અંત આણવાનો. પ્રજ્ઞાના અથવા પ્રશાંતિના પવિત્રતમ પ્રસારનો.

રામચરિતમાનસની રસસભર પ્રભુપ્રેમ પરિપ્લાવિત પરબની પ્રાણપ્રતિષ્ઠા પાછળનું પ્રમુખ પ્રયોજન એ જ.

એ સંબધમાં એ સ્વાનુભવસંપન્ન સંતપુરુષની, ભક્તિરસ કવિતાગંગાના ભાગ્યવાન ભગીરથની શબ્દાવલિને સ્વીકારી લઇએ.

એ પ્રાણવાન પવિત્ર પ્રયોજનથી પ્રેરાઇને જ એમણે ભગીરથની પેઠે તીવ્રતમ તપ કરીને, ભગવાન શિવનો અસીમ અનુગ્રહ અનુભવીને, રામચરિતમાનસની રસગંગાનું અક્ષરદેહની અવની પર અવતરણ કર્યું.

એનું અવલોકન, આચમન, અવગાહન, અમૃતપાન અનેકને માટે આશીર્વાદરૂપ ઠરે છે, કલ્યાણકારક બને છે અને બનશે.

કિન્તુ કલિમલહારિણી કલ્યાણકારિણી એ કવિતાગંગાના પ્રાદુર્ભાવનું પ્રયોજન એટલું જ છે?

કોઇપણ ક્રાંતિકારિણી શાંતિદાયિની પરમરસપ્રદાયિની કવિતાકૃતિનું કે શકવર્તી, સ્વાભાવિક રીતે સરજાતી, સાહિત્યકૃતિનું પ્રયોજન એટલું જ હોઇ શકે?

સરિતા સમુદ્રની દિશામાં અભિસરણ કરે છે તોપણ એનું અભિસરણ એ ઇચ્છે અથવા ના ઇચ્છે તોપણ અનેકને માટે આશીર્વાદરૂપ ઠરે છે. પુષ્પો ઉદ્યાનમાં પ્રકટે છે ને સહજપણે જ પ્રકટે છે તોપણ એમનું પ્રાકટ્ય ઉદ્યાનને અને આજુબાજુના વાયુમંડળને પરિમલથી, પ્રસન્નતાથી, શ્રીથી પરિપ્લાવિત કરે છે. સૂર્યનો પ્રકાશ સ્વાભાવિક હોવા છતાં પણ અવનિના અંધકારનો અંત આણે છે. કવિની કવિતારચના પણ એજ રીતે પોતાના આત્માના અવિદ્યારૂપી અંધકારનો અંત માટે આરંભાયેલી હોય તોપણ અન્યને જ્ઞાત અથવા અજ્ઞાત રીતે મદદરૂપ બને છે, પ્રેરક ઠરે છે અને અન્યના અવિદ્યારૂપી અંધકારનો ઓછાવત્તા અંશે અંત આણે છે. સ્વ અને પર - ઉભયને મદદ કરે છે. રામચરિતમાનસની રસકવિતાના સંબંધમાં એ વિધાન સર્વથા સાચું ઠરે છે. એણે પ્રેરણાની પવિત્રતમ પ્રાણવાન પરબ બનીને અત્યાર સુધી અનેકને અમૃતપાન કરાવ્યું છે. અનેકની તૃષા મટાડીને શાંતિ બક્ષી છે. અસંખ્ય આત્માઓને અવિદ્યારૂપી અંધકારમાંથી મુક્તિ આપી છે. એમના જીવનને જયોતિર્મય કરીને પ્રભુપ્રાપ્તિ માટેના સુસમૃદ્ધ સેતુ કર્યા છે.

એની રચનાથી કવિનો નિર્ધારિત હેતુ તો સર્યો જ છે, પરંતુ એની સાથે સાથે એની દ્વારા કરાયેલી ભક્તિરસલ્હાણને લીધે અનેકનાં પ્રયોજનોની પૂર્તિ થઇ છે.

અનેકનાં ઉજ્જડ જીવનોદ્યાન અભિનવ, રસકસથી સંપન્ન અને નવપલ્લવિત, નવકુસુમિત બન્યાં છે. એમાં પ્રેરણાના પરમ અલૌકિક અમૃતમય ફુવારા ફૂટ્યા છે. શક્તિની શતશત ધારાઓ વહી છે. અવનવી આશાઓના, જીવનોલ્લાસના, સાર્થકતાના વિહંગસ્વરો પ્રસાર પામ્યા છે. રામચરિતમાનસના સ્વનામધન્ય, સર્વશ્રેયસ્કરી સદભાવનાવાળા સંતકવિને માટે એ પરિણામ પ્રસન્નતાપ્રદાયક થઇ પડે તેવું છે.

રામચરિતમાનસની રસકવિતાના પ્રત્યેક કાંડની પરિસમાપ્તિએ કવિએ જે વિશિષ્ટ શબ્દપ્રયોગ કર્યો છે તે ખાસ લક્ષમાં લેવા જેવો છેઃ

इति श्रीमद्रामचरितमानसे सकलकलिकलुषविध्वंसने

કવિ સુચવે છે કે રામચરિતમાનસ સકળ કલિકાળનાં કલુષોનો નાશ કરવા માટે છે. એની અંદર એવી અસાધારણ અમોઘ શક્તિ સમાયેલી છે. એનું શ્રવણ-મનન, પઠન-પાઠન, પરિશીલન કરનારે, એનો આસ્વાદ લેનારે, સકળ કલિકલુષોમાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરવો જોઇએ, મનોરથ સેવવો જોઇએ, મુક્તિ મેળવવી જોઇએ, એવી અપેક્ષા રાખવી અસ્થાને નથી.

કલિકાળનાં કલુષ જેવાં વ્યસનો, દુર્ગુણો, દુર્ભાવો, દુષ્કર્મોમાંથી છૂટવા સિવાય અંતઃકરણના અવિદ્યારૂપી અંધકારનો આત્યંતિક અંત ના આવી શકે એ દેખીતું છે.

સંતશિરોમણી શ્રી તુલસીદાસકૃત રામચરિતમાનસની મહત્તા તથી મંગલમયતાનું વર્ણન પૂરેપૂરી ગંભીરતા, સભાનતા અને ગુણજ્ઞ બુદ્ધિ સાથે કરતાં બેની કવિએ સમુચિત રીતે જ કહ્યું છે કેઃ

વેદમત સોધિ, સોધિસોધિ કૈ પુરાન સબૈ

સંત ઔ અસંતનકો ભેદ કો બતાવતો,

કપટી કુરાહી કૂર કલિકે કુચાલી જીવ;

કૌન રામનામ હૂકી ચરચા ચલાવતો.

 

'બેની' કવિ કહે માનો માનો હો પ્રતીતિ યહ

પાહન-હિયેમેં કૌન પ્રેમ ઉપજાવતો,

ભારી ભવસાગર ઉતરતો કવન પાર

જો પે યહ રામાયમ તુલસી ન ગાવતો.

રામચરિતમાનસ ભવસાગરને પાર કરવા માટે તો મહામૂલ્યવાન મદદ કરે જ છે અથવા આલંબન ધરે છે પરંતુ સાથેસાથે ભવસાગરનાં ભયંકર મોજાંની વચ્ચે, જુદાંજુદાં જીવલેણ જોખમી જલચરોની વચ્ચે, તોફાની તાંડવ કરનારા પ્રમાથિ, બળવાન, મહાપ્રલયંકર પવનોની વચ્ચે અડગ અથવા અલિપ્ત કેવી રીતે રહેવું ને પરમાત્મામાં પ્રતિપળ શી રીતે વસવું તે પણ શીખવે છે. એ કેવળ પરલોકનો દીક્ષાગ્રંથ નથી, આ લોકને આલોકિત, સુખી, સફળ, સાર્થક કરવામાં માનનારો શિક્ષાગ્રંથ છે. ઇહીલોકની અમુલખ આચારસંહિતા છે.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer