|
ભગવાન રામના પૂર્ણ કૃપાપાત્ર અને પ્રેમી પવનસુત હનુમાનની પ્રશસ્તિ સંતશિરોમણી
તુલસીદાસને માટે છેક જ સ્વાભાવિક કહેવાય. સદગુરુએ એમને શૈશવાવસ્થામાં
માતાપિતાની છત્રછાયાને ખોયા પછી સુદીર્ઘ
સમયપર્યંત આશ્રય આપ્યો અને વિદ્યા પ્રદાન કરી. રત્નાવલીએ એક આદર્શ
આર્યસન્નારીની અદાથી રામકૃપાપાત્ર બનવાની ને રામમય જીવનને જીવવાની પ્રેરણા પાઇ
તો હનુમાનજીએ એ પ્રેરણાને પરિપૂર્ણપણે સાર્થક કરવાનો સાધનાત્મક રાહ દર્શાવીને
એમના જીવનને જ્યોતિર્મય કરવાનું કલ્યાણકાર્ય કર્યું.
પરંપરાગત પ્રાચીન લોકકથા પ્રમાણે અમની ઉપર એક પ્રેતે વૃક્ષના મૂળમાં રોજની પેઠે
પાણી નાખતી વખતે પ્રસન્ન થઇને એમની કથામાં વૃદ્ધરૂપે હનુમાનજી પોતે પધારે છે
એવું જણાવેલું. એ પ્રેત રામદર્શન કરાવી શકે તેમ નહોતું પરંતુ રામદર્શનનો રસ્તો
બતાવવા જેટલું શક્તિશાળી ઠર્યું. એણે આપેલી ઓળખાણને અનુસરીને કથામાં આવેલા એ
વૃદ્ધ પુરુષને તુલસીદાસે કથાની પરિસમાપ્તિ સમયે વંદન કર્યાં. એમણે આરંભમાં તો
થોડીક
આનાકાની કરી પરંતુ પાછળથી પ્રાર્થતા હનુમાનસ્વરૂપે સાક્ષાત્ બનીને ચિત્રકૂટ
જઇને રામકૃપા પામવા, રામદર્શન કરીને કૃતાર્થ બનવા માટે આરાધનાને આદરવાની સૂચના
આપી. એ સુચનાને અનુસરીને તુલસીદાસે ચિત્રકૂટ પહોંચીને તપ કર્યું ને રામાનુગ્રહ
મેળવ્યો.
એવા હનુમાનને તુલસીદાસ કેવી રીતે ભૂલી શકે? રામચરિતમાનસમાં એમની પ્રશસ્તિ કરીને
તથા જીવનલીલાને વર્ણવીને એમને સંપૂર્ણ સંતોષ સાંપડ્યો છે એ તો સાચું જ પરંતુ
એમણે એમને હનુમાનચાલીસા રચીને અલગ રીતે અંજલિ આપી છે. એમની એ રચના સુપ્રસિદ્ધ
છે. |