રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

દેવર્ષિ નારદની વાત

(રામચરિતમાનસ)

 

દેવર્ષિ નારદ જેવા આપ્તકામ આત્મતૃપ્ત પરમાત્મપરાયણ પુરુષને આવી રીતે અંકિત કરવાનું યોગ્ય નથી. આપણાં નખશીખ નિર્મળ અતિશય ગૌરવવંતા પરમાદરણીય પૂજ્ય પુરુષપાત્રોને એવાં જ રાખવા જોઇએ. એથી આપણી સંસ્કૃતિની અને એના પ્રાચીન અર્વાચીન જ્યોતિર્ધરોના સાચી સેવા કરી શકાશે.

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Bal Kand | Next >

       

જે શિવપાર્વતીના સંબઘમાં તે જ વાત પપરમાત્માના પરમકૃપાપાત્ર પ્રાતઃસ્મરણીય ભક્તશિરામણી દેવર્ષિ નારદના સંબધમાં.

રામચરિતમાનસમાં બાલકાંડના આરંભમાં કહેવાયેલી દેવર્ષિ નારદની કામ જયની અને એના અનુસંધાનમાં આલેખાયેલી માયાના મોહની કથા એકંદરે રોચક તથા બોધક છે. કથાનું પ્રયોજન દેખીતી રીતે જ અહંકારમુક્તિનું અને મોહનિવૃતિનું છે.

એ કથા રામજન્મના કારણને દર્શાવવા માટે કહેવાઇ છે. દેવર્ષિ નારદે ભગવાનને આપેલા શાપને લીધે એક કલ્પમાં એમનો અવતાર થયેલો. એ હકિકતની પુષ્ટિને માટે આખીય કથા અંકિત કરવામાં આવી છે.

 

हिमगिरि गुहा एक अति पावनि । बह समीप सुरसरी सुहावनि ॥

आश्रम परम पुनीत सुहावा । देखि देवरिषि मन अति भावा ॥

 

"હિમાલય પર્વતની પવિત્ર ગુફા પાસે સુંદર ગંગા વહેતાં, દેવર્ષિ નારદને એ પરમ પવિત્ર આશ્રમ ખૂબ જ પસંદ પડ્યો."

 

निरखि सैल सरि बिपिन बिभागा । भयउ रमापति पद अनुरागा ॥

सुमिरत हरिहि श्राप गति बाधी । सहज बिमल मन लागि समाधी ॥

 

"પર્વત, નદી, વનના વિભાગોને વિલોકીને એમના મનમાં ભગવાન વિષ્ણુનાં ચરણનો અનુરાગ થયો. શ્રીહરિનું સ્મરણ થતાં એક સ્થળે સ્થિર થઇને નહીં રહેવાનો દક્ષનો શાપ મિથ્યા થયો. મન સહજ રીતે જ નિર્મળ થતાં સમાધિ થઇ."

પરંતુ -

 

मुनि गति देखि सुरेस डेराना । कामहि बोलि कीन्ह समाना ॥

 

"દેવર્ષિ નારદની અલૌકિક અવસ્થા જોઇને ઇન્દ્રને ભય લાગ્યો. એણે કામદેવને બોલાવીને, સન્માનીને એમની સમાધિમાં ભંગ પડાવવા જણાવ્યું."

કામદેવે ત્યાં પહોંચીને પોતાનો પરિપૂર્ણ પ્રભાવ પાથર્યો તોપણ કશું ના ચાલ્યું.

काम कला कछु मुनिहि न ब्यापी । निज भयँ डरेउ मनोभव पापी ॥

"કામની કોઇપણ કળા મુનિવરને ના વ્યાપી."

દેવર્ષિ પર પ્રભુની પૂર્ણ કૃપા હતી. જેના પર પ્રભુની કૃપા હોય છે તે શોક મોહ, કામ ક્રોધ ભયાદિમાંથી મુક્તિ મેળવે છે. દેવર્ષિ નારદના સંબંધમાં એ વિધાન સાચું ઠર્યું.

કામદેવે મુનિવરનાં શ્રીચરણે મસ્તક નમાવી વિદાય લીધી. ઇન્દ્રની પાસે પહોંચીને એણે એમના સહજ સંયમની પ્રશંસા કરી.

દેવર્ષિ નારદે એ વાત શિવને કહી. એમને કામને જીતવાનો અહંકાર થયેલો.

ભગવાન શંકરે તે વાત શ્રી હરિને ના કહેવાની સૂચના આપી. પરંતુ એ સુચનાનો અનાદર કરીને નારદે શ્રીહરિની પાસે પહોંચીને કામના વિજયની કથા કહી સંભળાવી.

ભગવાને એમને બોધપાઠ શીખવીને અહંકારરહિત કરવાનો વિચાર કર્યો. એમણે એમની માયાને પ્રેરણા કરી. એ માયાએ માર્ગમાં સો યાજનના વિસ્તારવાળું નગર રચ્યું. એની રચના વૈકુંઠથી પણ વિશિષ્ટ હતી.

 

बिरचेउ मग महुँ नगर तेहिं सत जोजन बिस्तार ।

श्रीनिवासपुर तें अधिक रचना बिबिध प्रकार ॥

 

રામચરિતમાનસમાં વર્ણવ્યા પ્રમાણે એ નગરમાં શીલનિધિ નામે રાજા હતો. એની વિશ્વમોહિની નામે કન્યા. તે કન્યા પ્રભુની જ માયા હતી.

તેના સ્વયંવરમાં અસંખ્ય રાજાઓ એકઠા થયેલા.

દેવર્ષિ નારદ સ્વયંવરના સમાચાર સાંભળીને રાજા પાસે પહોંચ્યા.

देखि रूप मुनि बिरति बिसारी । बड़ी बार लगि रहे निहारी

રાજાએ દેવર્ષિને રાજકુમારી પાસે પહોંચાડીને એના ગુણદોષ જણાવવાની પ્રાર્થના કરી. પરંતુ રાજકુમારીના રૂપને નિહાળીને દેવર્ષિ વૈરાગ્યને વિસરી ગયા અને એને થોડાક સમય સુધી જોઇ રહ્યા.

દેવર્ષિ નારદે એને વરવા માટે સમુચિત સુંદરતાથી સંપન્ન થવાનો સંકલ્પ કર્યો.

ભગવાનને  મળીને એમણે એમના અસાધારણ સૌદર્યને પ્રદાન કરવાની ને સ્વયંવર માટે સહાયભૂત બનવાની પ્રાર્થના કરી. ભગવાને જે ભક્તના પરમહિતમાં હશે તે કરવાની બાંયઘરી આપી. એમને અતિશય કુરૂપ કર્યા.

રાજકુમારીના સ્વયંવરમાં પુનઃ પધારેલા દેવર્ષિના સ્વરૂપના મર્મને ત્યાં બેઠેલા ભગવાન શંકરના બે ગણોએ જાણી લીધો. એ ગણો એમને અવલોકીને વિનોદ કરવા લાગ્યા.

રાજકુમારીએ રાજાના રૂપે આવેલા ભગવાનને વરમાળા પહેરાવી તે જોઇને દેવર્ષિ દુઃખી થયા. શિવગણોની સુચના પ્રમાણે એમણે જળાશયમાં જઇને પોતાના વદનને વિલોક્યું તો વાનર જેવું રૂપ જોઇને એ ક્રોધે ભરાયા. એમણે એ બંને ગણોને રાક્ષસ થવા માટે શાપ આપ્યો. ભગવાનને પણ જણાવ્યું કે તમે મને વાનર જેવું રૂપ આપ્યું તેથી વાનરો તમને સહાય કરશે. મને સ્ત્રીનો વિયોગ કરાવ્યો તેથી તમે પણ સ્ત્રીના વિયોગની વેદનાને ભોગવશો.

હરિની માયા મટી જતાં ત્યાં રાજકુમારી કે કશું રહ્યું નહીં. દેવર્ષિએ શ્રી હરિને પ્રણમીને પશ્ચાતાપ કર્યો ત્યારે એમણે શંકરના સો નામોનો જાપ કરવાનો આદેશ આપ્યો.

શિવના પેલા ગણોને પણ એમણે ક્ષમાપ્રાર્થના કરી ત્યારે જણાવ્યું કે તમે બંને રાક્ષસ થઇને અનંત બળ વૈભવ તથા તેજની પ્રાપ્તિ કરશો. યુદ્ધમાં શ્રીહરિના હાથે મૃત્યુ પામશો ત્યારે મુક્તિ મેળવશો. તે વખતે શ્રીહરિએ મનુષ્યશરીર ધાર્યુ હશે.

એ પ્રસંગ પછી દેવર્ષિ નારદ સર્વ પ્રકારની વાસનાઓમાંથી મુક્તિ મેળવીને ભગવાનનું સુખદ પ્રશાંતિપ્રેરક સ્મરણ કરતા આગળ વધ્યા.

રામચરિતમાનસના બાલકાંડના આરંભમાં આલેખાયેલો એ પ્રસંગ સામાન્ય રીતે રોચક તથા પ્રેરક હોવા છતાં મૂળ રામકથાની સાથે સુસંગત નથી લાગતો. એ પ્રસંગ રામકથાને માટે અનિવાર્ય નથી. એ પ્રસંગમાં થયેલું દેવર્ષિ નારદનું પાત્રાલેખન આનંદપ્રદાયક નથી. દેવર્ષિ નારદ પરમાત્માના પરમ કૃપાપાત્ર હતા. એમને માયાવશ બતાવવા માટે જે ઘટનાચક્રને રજૂ કરવામાં આવ્યું છે તે એમના ગૌરવને વધારનારું નથી. માયાનો પ્રભાવ અતિશય બળવાન છે તે દર્શાવવાને માટે એમને બદલે કોઇક બીજા અપરિચિત અથવા અલ્પ પરિચિત પાત્રનું આલેખન કરી શકાયું હોત. એમની ઇચ્છા - જો હોત તો - કેવળ લગ્ન કરવાની હતી. એને અનુચિત અથવા અધર્મ્ય ના કહી શકાય. એટલા માટે જ શ્રીહરિએ એમને જે અનુભવ કરાવ્યો ને મર્કટમુખ આપ્યું એ શ્રીહરિને માટે પણ શોભાસ્પદ કહેવાય કે કેમ તે પ્રશ્ન છે. એ પ્રશ્નને બાજુએ મુકીએ તોપણ, એટલું તો અવશ્ય કહી શકાય કે દેવર્ષિ નારદ જેવા આપ્તકામ આત્મતૃપ્ત પૂર્ણ મુક્ત પરમાત્મપરાયણ પુરુષને આવી રીતે અંકિત કરવાનું યોગ્ય નથી. દેવર્ષિ નારદના નામે સમાજમાં જે અનેક સાચીખોટી વાતો વહેતી થઇ છે એમાં એકની અભિવૃદ્ધિ કરવાની આવશ્યકતા નહોતી. આપણાં નખશીખ નિર્મળ અતિશય ગૌરવવંતા પરમાદરણીય પૂજ્ય પુરુષપાત્રોને એવાં જ રાખવા જોઇએ. એથી આપણી સંસ્કૃતિની અને એના પ્રાચીન અર્વાચીન જ્યોતિર્ધરોના સાચી સેવા કરી શકાશે.

શિવપાર્વતીના, દેવર્ષિ નારદના અને પ્રતાપભાનુ રાજાના પ્રસંગોનો અનુવાદ મેં નથી કર્યો. મૂળ કથામાં એ પ્રસંગો વિના કશી જ ક્ષતિ નથી પહોંચતી માચે.

એ સઘળા પેટાપ્રસંગોને લીધે રામકથાના મુખ્ય પ્રવાહનો પ્રારંભ ધાર્યા કરતાં ઘણો મોડો થાય છે. રામચરિતમાનસના રસિક વાચક કે શ્રોતાને રામકથાના વાસ્તવિક પ્રવાહરસમાં સ્નાન કરવા માટે ખૂબ જ વિલંબ થાય છે અને ધીરજપૂર્વકની પ્રતિક્ષા કરવા પડે છે. એ પ્રસંગોને લીધે ગ્રંથનો વિસ્તાર અનાવશ્યક રીતે વધ્યો છે.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer