|
વિભીષણે
રાવણને સમજાવવાનો અને દોષમુક્ત બનાવવાનો પ્રયત્ન કર્યો, એને અનેક રીતે ઉપદેશ
આપી જોયો, પરંતુ એની ધારેલી અસર ના થઇ. રાવણે એની સલાહને અવગણી ને એને ક્રોધે
ભરાઇને લાત મારી એ પ્રસંગ એને માટે અમોઘ આશીર્વાદરૂપ સાબિત થયો. એણે સત્વર
રામનું શરણ લેવાનો સંકલ્પ કર્યો. લંકાપુરીને પરિત્યાગીને એ રામને મળવા માટે
ચાલી નીકળ્યો.
વિભીષણને
દૂરથી આવતો જોઇને સુગ્રીવના મનમાં શંકા થઇ કે એ દુશ્મનનો દૂત બનીને આપણો ભેદ
ઉકેલવા માટે આવતો લાગે છે. ત્યારે રામે જે વચન કહ્યાં તે વચનો એમની અસાધારણ
ઉધારતા, સ્નેહમયતા અને ભક્તવત્સલતાના સૂચક છેઃ 'શરણાગતના ભયને દૂર કરવો એ મારી
પ્રતિજ્ઞા છે.'
मम प्रण
शरनागत भयहारी
'પોતાને
શરણે આવેલાને જે પોતાના અહિતને વિચારી છોડી દે છે તે પામર તથા પાપમય છે. તેને
જોવાથી પણ હાનિ પહોંચે છે.'
'જેને
કરોડો બ્રાહ્મણોની હત્યા લાગી હોય તેને પણ હું શરણે આવ્યા પછી છોડતો નથી. જીવ
જ્યારે મારી સન્મુખ થાય છે ત્યારે તેનાં કરોડો જન્મોનાં પાપો નાશ પામે છે.'
'પાપી
પુરૂષોને મારું ભજન કદી ગમતું નથી. જો તે દુષ્ટ હૃદયનો હોત તો કદી મારા પ્રત્યે
અભિમુખ થઇ શકત ખરો?'
'નિર્મળ
મનના માનવો જ મને પામે છે. મને છળકપટ કે દોષદૂષણ નથી ગમતાં. રાવણે એને ભેદ લેવા
મોકલ્યો હશે તોપણ આપણને ભીતિ કે હાનિ નથી. કારણ કે જગતનાં સઘળા રાક્ષસોને
લક્ષ્મણ નિમીષમાત્રમાં જ મારી શકે તેમ છે. જો તે ભયથી શરણે આવ્યો હશે તોપણ હું
પ્રાણની પેઠે એની રક્ષા કરીશ.'
વિભીષણે
રામની પાસે પહોંચીને જણાવ્યું કે હું તમારા સુયશને સાંભળીને આવ્યો છું. તમે
સંસારના ભયના નાશક છો. હે દુઃખીના દુઃખને હરનાર, શરણાગતને સુખ ધરનાર રઘુવીર,
મારી રક્ષા કરો. મારો જન્મ રાક્ષસકુળમાં થયેલો છે. મારું શરીર તામસ છે. ઘુવડને
અંહકાર પ્રિય લાગે તેમ મને સ્વભાવથી જ પાપકર્મ પ્રિય લાગે છે.
રામની
ભક્તવત્સલતા તો જુઓ. એમણે વિભીષણને સન્માનતી વખતે એને લંકેશ કહીને સમુદ્રનું
પાણી મંગાવીને રાજતિલક કર્યું. કવિ સરસ રીતે નોંધે છે કે જે સંપત્તિ શંકરે
રાવણને દસ મસ્તકના બદલામાં આપેલી તે સંપત્તિ રામે વિભીષણને અતિશય સંકોચસહિત
પ્રદાન કરી.
जो संपति
सिव रावनहि दीन्ह दिएँ दस माथ ।
सोइ
संपदा बिभीषनहि सकुचि दीन्ह रघुनाथ ॥
શરણાગત
ભક્ત પર ભગવાન કેવી અસાધારણ અમોઘ
કૃપા કરે છે તેનો ખ્યાલ એ પ્રસંગ પરથી સહેલાઇથી સુસ્પષ્ટ રીતે આવી શકશે. તોપણ
વિવેકરહિત અજ્ઞાની જીવ પ્રભુના શરણે જતો નથી. વિભીષણે રામનો સમાશ્રય લીધો
ત્યારે રાવણ લંકાનો અધીશ્વર હોવાં છતાં રામે એને લંકેશ કહી રાજ્યતિલક કર્યું એ
શું સુચવે છે? એ જ કે રાવણનો નાશ નજીકના ભવિષ્યમાં થવાનો જ છે એવું સુસ્પષ્ટ
ભવિષ્યકથન એમણે કરી લીધું. બીજું એ કે વિભીષણની યોગ્યતાને એમણે સૌની વચ્ચે મહોર
મારી બતાવી.
|