An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ईशोपनिषत्

     
   
< BACK

< Isopanishad >

NEXT >

Verse 03

 

असुर्या नाम ते लोका अन्धेन तमसाऽऽवृताः ।

ताँस्ते प्रेत्याभिगच्छन्ति ये के चात्महनो जनाः ॥३॥

 

અર્થઃ

અસુર્યા - અસુરોના

નામ - પ્રસિદ્ધ

લોકાઃ - જુદી જુદી યોનિ અથવા લોકો છે

તે - તે બધા

તમસા - અજ્ઞાન તથા દુઃખ ક્લેશરૂપ ગાઢ અંધકારથી

આવૃતાઃ - વીંટળાયેલા છે

યે કે ચ - જે કોઇપણ

આત્મહનઃ - આત્માની હત્યા કરનાર

જનાઃ - મનુષ્યો (હોય છે)

તે - તે

પ્રેત્ય - મરીને

તાન્ - એ લોકોને

અભિગચ્છન્તિ - અવારનવાર પ્રાપ્ત થાય છે.

 

ભાવાર્થઃ

શ્ર્લોક પણ કર્મના મહિમાનું જ પ્રતિપાદન કરે છે. આપણે ત્યાં આત્મઘાત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. એ શબ્દ પરંપરાગત રીતે પ્રચલિત છે અને જુદા, એક પ્રકારના વિશિષ્ટ અર્થમાં વપરાય છે. એ અર્થ જાણીતો છે. જે પોતાનો નાશ નોતરે અથવા આપઘાત કરે એને આત્મઘાત કહેવાય છે. દુઃખ, ક્લેશ, વ્યાધિ, નિરાશા, કંગાલિયત, હાનિ અથવા બીજા કોઇયે કારણથી પ્રેરાઇને જીવનનો અંત આણનાર અથવા આણવાનો પ્રયત્ન કરનાર અપરાધી અથવા દંડપાત્ર પણ મનાય છે. જેમ માનવ બીજાનું ખૂન કરે છે તેમ પોતાનું પણ કરે છે. એ જીવનને ચાહી અથવા માણી નથી શકતો, ઉચિત ન્યાય નથી આપતો અને વિકસાવી નથી શકતો. હાથમાં આવેલા હીરાને ખોઇ દે છે. એવા આત્મઘાત કરનારા માનવોની સૂચિમાં એક અન્ય પ્રકારના માનવનો ઉમેરો કરવા જેવો છે. જે માનવો મહામોંઘા દેવદુર્લભ શરીરને મેળવીને આત્મકલ્યાણ કરવાને બદલે આત્માને ભૂલીને અનાત્મ પદાર્થોની પ્રીતિ કરે છે અને માનવતાનો મૃત્યુઘંટ વગાડે છે, આત્મદર્શનના પુણ્યપથમાં પ્રવૃત નથી થતા, આત્માની અશાંતિ અને આત્માનાં બંધનોને વધારે છે, એ બધા આત્મઘાતકો છે. ઉપનિષદ એમને આત્માનું હનન કરનારા કહે છે. એ જીવતા હોય છે તોપણ જીવનના રહસ્યને જાણવાનો પ્રયત્ન કર્યા વિના મરેલા હોય એવી રીતે જીવે છે. એ બીજું બધું જ કરે છે પરંતું આત્મકલ્યાણ કે આત્મવિકાસની પ્રવૃતિ નથી કરતા. એથી ઉલટું, પોતાના ને બીજાના બંધન, ક્લેશ, અશાંતિ અને દુઃખ વધે એવાં કુકર્મો કર્યા કરે છે.

એવા આત્મવિમુખ, આત્મઘાતક, માનવોનો સંસારમાં તોટો નથી. એ ઇન્દ્રિયોના ભોગોને જ સર્વકાંઇ સમજે છે અને એની અંદર ડૂબેલા રહે છે. એમની જીવતાં જ દુર્ગતિ થાય છે. એમને આત્મિક શાંતિનો અને જીવનના વાસ્તવિક વિકાસનો લાભ નથી મળતો. એ આસુરી સંપત્તિના મૂર્તિમંત સ્વરૂપ બનીને શ્વાસ લે છે. એમનું શરીર છૂટે છે ત્યારે શું થાય છે ? એમને કેવી મરણોત્તર ગતિની પ્રાપ્તિ થાય છે ? એનો ઉલ્લેખ કરતાં એ શ્ર્લોકમાં કહેવામાં આવે છે કે એ ગતિ અતિશય અમંગળ હોય છે. એવા માનવોને મરણ પછી અવિદ્યાથી ભરેલા, આસુરી સંપત્તિના પ્રતીક જેવા, દુઃખ-દર્દ અને અશાંતિથી છલેલા લોકની અથવા યોનિની પ્રાપ્તિ થાય છે. એ પૂર્ણતામાં પ્રતિષ્ઠિત નથી બનતા ને મુક્તિના મંગલ મંદિર દ્વારને નથી ઉઘાડી શકતાં. આવા સર્વોત્તમ માનવ શરીરને મેળવીને એ કરવા યોગ્ય પુરુષાર્થને નથી કરતા એટલે જીવન દરમ્યાન અને એ પછી પ્રાપ્ત થનારી સર્વોત્તમ સદગતિથી વંચિત રહી જાય છે.

પેલા ભક્ત કવિએ ઠીક જ કહ્યું છેઃ

મળ્યો મનુષજનમ અવતાર માંડ કરીને,

તમે ભજ્યા નહીં ભગવાન હેત ધરીને,

તેથી ખાશો જમનો માર પેટ ભરીને,

                માટે રામનામ સંભાર...

જમનો માર એટલે પીડા, પરિતાપ, દુઃખ, યંત્રણા, અશાંતિ. એમાંથી છૂટવા માટે પરમાત્માના સાક્ષાત્કારનો જ એકમાત્ર અકસીર અમોઘ ઉપાય છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer