An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ईशोपनिषत्

     
   
< BACK

< Isopanishad >

NEXT >

Verse 04

 

अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन्पूर्वमर्षत् ।

तद्धावतोऽन्यानत्येति तिष्ठत्तस्मिन्नपो मातरिश्वा दधाति ॥४॥

 

અર્થઃ

તત્ - એ પરમાત્મા

અનેજત્ - અચળ

એકમ્ - એક

મનસઃ - મનથી (પક્ષ)

જવીયઃ - વિશેષ વેગવાળા છે

પૂર્વમ્ - સૌના આદિ

અર્ષત્ - જ્ઞાનસ્વરૂપ અથવા સૌના જ્ઞાતા છે.

એનત્ - એ પરમાત્માને

દેવાઃ - ઇન્દ્રાદિ દેવો પણ

ન આપ્રુવન્ - પામી કે જાણી શક્યા નથી

અન્યાન્ - બીજા

ધાવતઃ - દોડવાવાળાને

તિષ્ઠત્ - (સ્વયં) સ્થિત રહીને પણ

અત્યેતિ - અતિક્રમણ કરે છે અથવા પાછળ પાડી દે છે

તસ્મિન્ - એમને લીધે જ અથવા એમની જ સત્તાશક્તિથી

માતરિશ્વા - વાયુ વગેરે દેવતા

અપઃ - જલવર્ષા. જીવની પ્રાણધારણાદિ ક્રિયા જેવાં કર્મો

દધાતિ - સંપાદન કરવામાં સમર્થ થાય છે.

 

ભાવાર્થઃ

પરમાત્માનો સાક્ષાત્કાર ના કરનારા અને પરમાત્મા પ્રત્યે અભિમુખ ના બનનારા માનવો દુઃખી થાય છે ને દુર્ગતિને પામે છે એ હકિકતનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું એટલે સ્વાભાવિક રીતે જ પ્રશ્ન પેદા થાય છે કે, જેમને પામવાનો મહિમા આટલો બધો મોટો છે એ પરમાત્મા કેવા છે અને એમનું સ્વરૂપ કેવું છે ? પરમાત્મા કોઇ વ્યક્તિ નથી પણ શક્તિ છે, પરમ સર્વશ્રેષ્ઠ શક્તિ છે, સર્વશક્તિમાન છે, એ સ્પષ્ટપણે સમજી લેવાનું છે. જેમ વિદ્યુત શક્તિ સામાન્ય જેવી હોવાં છતાં અનેક પ્રકારની શક્યતાવાળી છે અને આશ્ચર્યકારક કાર્યો કરી શકે છે તેવી રીતે પરમાત્મા એથીયે અધિક સૂક્ષ્મ તથા સામર્થ્યવાળા છે અને સંસારના સર્જન-વિસર્જનાદિ અનેકાનેક કાર્યોને કરી શકે છે. એ સાચેસાચ કેવો છે એ તો કોણ અને કેવી રીતે કહી શકે ? એ મન અથવા વાણીના વિષય જ નથી, એમને અવાગ્મનસગોચર કહ્યા છે તોપણ મન એમનું મનન અને વાણી વર્ણન કરવાના પ્રયત્નો કરે છે. એ પ્રયત્નો પરિપૂર્ણ છે એવું ના કહી શકાય. એમની પરિપૂર્ણતાનો દાવો પણ કોઇ નથી કરતું. છતાં પણ એમની રીતે એમનું મહત્વ છે અને એવા પ્રયત્નોથી પરમાત્માને સમજવામાં ઓછીવત્તી મદદ મળે છે. એ દ્રષ્ટિએ કહી શકાય કે પરમાત્મા એક અને અચળ છે. એમની બરાબરી બીજા કોઇનાથી નથી કરી શકાય તેમ. સંસારના સર્જનપૂર્વે એકમાત્ર એ જ હતા, અત્યારે પણ એ જ છે અને ભવિષ્યમાં પણ એ જ રહેશે. સંસારમાં ભયંકર પ્રલયંકર તોફાની પવનો વાય અને સર્જન-વિસર્જનના ક્રમ આરંભાય કે બદલાય તોપણ એમની ઉપર એની અસર નથી થતી. એ બધાની વચ્ચે એ અચળ રહે છે. અનેક પ્રકારના બાહ્યાભ્યંતર આઘાતો અને પ્રત્યાઘાતોની વચ્ચે પણ જે સ્વસ્થ, સ્થિર, એકરસ અને અછળ હોય એવી એક શાશ્વત સર્વોપરી સત્તાની શક્યતાને વિજ્ઞાન પણ નકારી નથી શકતું. અધ્યાત્મ, એ જ શાશ્વત સત્તાને પરમાત્મા કહે છે.

એ પરમાત્માનો વેગ મનથી પણ વધારે છે. એ સૌના આદિ, જ્ઞાનસ્વરૂપ અને સર્વના જ્ઞાતા છે. મોટા મોટા મુનિવરો અને દેવો પણ એમના મહિમાનો પાર નથી પામી શક્યા. દુનિયામાં એ સૌથી વધારે દિવ્ય છે. એમને લીધે જ જુદા જુદા દેવતાઓ પોતપોતાની પ્રવૃતિમાં પ્રવૃત થાય છે. એમના મહિમાનું જયગાન પૂરેપૂરી રીતે કોઇપણ ગાઇ શકે તેમ નથી.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer