An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ईशोपनिषत्

     
   
< BACK

< Isopanishad >

NEXT >

Verse 12

 

अन्धं तमः प्रविशन्ति येऽसम्भूतिमुपासते ।

ततो भूय इव ते तमो य उ सम्भूत्याँ रताः ॥१२॥

 

અર્થઃ

યે - જે

અસંભૂતિમ્ - અસંભૂતિની

ઉપાસતે - ઉપાસના કરે છે (તે)

અંધમ્ - અજ્ઞાનરૂપ ઘોર

તમઃ - અંધકારમાં

પ્રવિશંતિ - પ્રવેશે છે (અને)

યે - જે

સંભૂત્યામ્ - સંભૂતિમાં

રતાઃ - રત છે અથવા એમની ઉપાસનાના મિથ્યાભિમાનમાં મત્ત છે

તે - તે

તતઃ - એથી

ઉ - પણ

ભૂયઃ ઇવ - વધારે

તમઃ - અંધકારમાં (પ્રવેશે છે).

 

ભાવાર્થઃ

આ શ્ર્લોકમાં ઉપનિષદકારે બે નવા જ શબ્દોનો પ્રયોગ કર્યો છે અને એમની વચ્ચેના ભેદનું વર્ણન કરવાનો પ્રયત્ન આદર્યો છે. એ શબ્દો છે સંભૂતિ અને અસંભૂતિ. સંભૂતિ અને અસંભૂતિ દ્વારા શું અભિપ્રેત છે એ સંબધમાં ભારે મતભેદ છે. કોઇ વિચારકો કે વિદ્વાનો સંભૂતિ એટલે વિવિધ દેવદેવી, ઇશ્વરના અવતાર અથવા વ્યક્ત સાકાર ઇશ્વર અવો અર્થ કરે છે. અને અસંભૂતિ એટલે નિરાકાર અવ્યક્ત ઇશ્વર એનો અર્થ ઘટાવે છે. તો કોઇ સંભૂતિનો અર્થ ભક્તિ અને અસંભૂતિનો અર્થ જ્ઞાન કરે છે. એ અર્થો ના ચાલે એવા નથી; સહેલાઇથી ચાલી શકે છતાં પણ આપણે સંભૂતિનો અર્થ સર્જન, પ્રકૃતિ, સાંસારિક સુધારણા અથવા વિજ્ઞાન અને અસંભૂતિનો અર્થ અવ્યક્ત પરમાત્મા એવો ઘટાવી શકીએ. એવા અર્થઘટન દ્વારા મૂળ શ્ર્લોકને અને એના રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ તો કશું ખોટું નથી.

સર્જન, સંસાર અથવા પ્રકૃતિને પરમાત્માનું શરીર અથવા વ્યક્ત સ્વરૂપ કહી શકાય. એનાં સૌદર્ય, માધુર્ય, પ્રેમ અને ઐશ્વર્યને અવલોકીને તથા અનુભવીને એના અધીશ્વર પરમાત્માના મહિમાનો ખ્યાલ આવે છે. સર્જનમાં જે વિશિષ્ટતા છે તે તો પરમાત્માની પરમ વિશિષ્ટતાના એકાદ અલ્પ અંશ બરાબર છે. છતાં એ અલ્પ અંશ પણ અતિશય આકર્ષક અને સંમોહક હોવાથી એના આસ્વાદથી કેટલાય મનુષ્યો ભાન ભૂલી જાય છે. સર્જન, પચરંગી પ્રકૃતિ, સાંસારિક સુધારણા અને સંસારના રહસ્યનું ઉદઘાટન કરવાની મહત્વકાંક્ષાથી પંડિત બનીને એની સુખદ સફળતા માટે પ્રયોગાત્મક પ્રયત્નો કરાવવાનું વિજ્ઞાન, સર્વકાંઇ છે તો સારું અને પ્રશસ્ય, પરંતુ એમના નશામાં પડીને અને એમને જ સર્વ કાંઇ અથવા જીવનનું પરમ પ્રાપ્તવ્ય સમજીને જો માનવ એમની અંદર આસક્ત થાય અને પ્રકૃતિના પાશમાં બંધાઇને ભગવાનને ભૂલી જાય તો એ વસ્તુ એને માટે આત્મઘાતક થઇ પડે અને એનું પરમકલ્યાણ ના કરી શકે. સંસારની વચ્ચે વસનારા નામને સંસારના બનવાને બદલે ભગવાનના જ બની જવું જોઇએ. જે કેવળ સાંસારિક સુધારણામાં કે સુખોપભોગમાં જ રત બને છે તે ઘોર અજ્ઞાનાંધકારમાં રમે છે. એ અવિવેકી છે. તે જીવનની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત નથી બની શકતો.

એવી જ અવસ્થા જે કેવળ અવ્યક્ત પરમાત્માની જ ઉપાસના કરે છે અને એમના સાકાર વ્યક્ત સ્વરૂપ સરખાં સર્જન, સંસાર કે પ્રકૃતિ અને ભૌતિક-વૈજ્ઞાનિક સંશોધનોની ઉપેક્ષા કરે છે એની છે. એવો માનવ, પછી તે ગમે તેવો અને તેટલો વિદ્વાન કે શાસ્ત્રજ્ઞાની હોય તોપણ, ઉપર્યુક્ત માનવ કરતાં પણ વધારે ઘોર અજ્ઞાનાંધકારમાં રમતો હોય છે. પરમાત્માની ઉપાસનાના નામે કરતી સંસારની કે પ્રકૃતિના ઉપેક્ષા, અને સંસારની કે પ્રકૃતિના આરાધનાના નામે થતી પરમાત્માની અવજ્ઞા- બંનેમાંથી કશાને અભિનંદનીય, અનુકરણીય અથવા આદર્શ ના કહી શકાય. એ બંને છેડાઓ છે અને સામાન્ય રીતે સ્વસ્થ સંપૂર્ણ સમાજજીવનની દ્રષ્ટિએ એ છેડાઓને ટાળવા જોઇએ અથવા એમનો મેળાપ કરવો જોઇએ.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer