An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

केनोपनिषद ॥

     
   
< BACK

  < Kena Upanishad >

NEXT >

CHAPTER 1 : Verse 02

 

श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यद् वाचो ह वाचं स उ प्राणस्य प्राणः ।

चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रेत्यास्माल्लोकादमृता भवन्ति ॥२॥

 

અર્થઃ

યત્ - જે

મનસઃ - મનના

મનઃ - મન કે કારણ છે.

પ્રાણસ્ય - પ્રાણના

પ્રાણઃ - પ્રાણ છે.

વાચઃ - વાણીની

વાચમ્ - વાણી છે.

શ્રોત્રસ્ય - શ્રોત્રના

શ્રોત્રમ્ - શ્રોત છે.

ઉ - અને

ચક્ષુષઃ - ચક્ષુના

ચક્ષુઃ - ચક્ષુ છે.

સઃ - તે

હ - જ. (આ બધાના પ્રેરક પરમાત્મા છે)

ધીરાઃ - જ્ઞાની પુરુષો (એમને જાણીને)

અતિમુચ્ય - જીવનમુક્ત બનીને

અસમાત્ - આ

લોકાત્ - લોકમાંથી

પ્રેત્ય - વિદાય થયા પછી

અમૃતાઃ - અમર

ભવન્તિ - બને છે.

 

ભાવાર્થઃ

પોતાની જાતને જાણવા માગનારો માનવ પ્રશ્નો પૂછીને પ્રમાદી બનીને બેસી રહ્યો નહીં. એણે એ પ્રશ્નોના પ્રત્યુત્તરોને પામવાનો પ્રયાસ કર્યો. પરંતુ પ્રત્યુત્તરો મળે કેવી રીતે ? બુદ્ધિજીવી બનવાથી ? ના. તો પછી ? સૌથી પહેલાં તો કોઇ સાધન સિદ્ધ પણ ન હતું. એમાં સત્સંગનો અને એ દ્વારા સાંપડનારા સંતોષકારક સમાધાનનો કોઇ અવકાશ જ ન હતો. માનવ હજુ સાધકાવસ્થામાં, જિજ્ઞાસુની દશામાં હતો. એને એટલી ખાતરી અવશ્ય હતી કે એ પરમ સનાતન શક્તિ શરીરની અંદર હશે તો એનો સાક્ષાત્કાર અંદર જ થઇ શકશે. એને ઓળખવા માટે અંતર્મુખ બનવું પડશે. અંદરની સાધનાનો આધાર લેવો પડશે. અંદરની આત્મિક આંખ દ્વારા એને અવલોકવાનો પ્રયત્ન કરવાનો રહેશે. એથી એણે ધ્યાનનો આધાર લીધો. એના સિવાય એની પાસે બીજું કોઇ સાધન જ ન હતું.

સુદીર્ઘ સમયની ધ્યાનની સંનિષ્ઠ સાધના પછી એક ધન્ય દિવસે એને એ પરમ સત્તાનો સંપર્ક અથવા સાક્ષાત્કાર થયો. એનું અંતર આનંદથી આપ્લાવિત બન્યું. નાચી ઉઠ્યું, કૃતકૃત્ય થયું. એણે જાણ્યું અથવા અનુભવ્યું કે જીવનનું મૂળ કારણ આ જ છે. આ જ છે સર્વસૂત્રધાર, સર્વોત્તમ, સર્વશાસક છતાં પણ સર્વાતીત. સર્વશક્તિમાન, સૌના મૂલાધારરૂપ, સંરક્ષક અથવા આશ્રય.

એણે એ પણ જાણ્યું અથવા અનુભવ્યું કે જે પિંડમાં છે તે જ બ્રહ્માંડમાં છે. પિંડની પેઠે બ્રહ્માંડને પણ એ જ સનાતન શક્તિ કે પરમ ચેતના જીવન આપે છે. સૃષ્ટિ એમાંથી પ્રાદુર્ભાવ પામે છે, એને લીધે ટકે છે, અને એમાં વિલીન થાય છે. પરિવર્તનશીલ પદાર્થોની અંદર અને બહાર સર્વત્ર રહેલી એ ચેતના અથવા પરમ સત્તા અપરિવર્તનશીલ છે. અખંડ, અનન્ય, અવિકારી છે.

એવી રીતે જિજ્ઞાસામાંથી જન્મીને આગળ વધેલી આધ્યાત્મિક સાધના સ્વાનુભૂતિમાં પર્યવસાન પામી. સાક્ષાત્કારથી સંપન્ન બનીને પરિસમાપ્તિ પર પહોંચી. ઋષિએ એ સ્વાનુભૂતિની અભિવ્યક્તિ કરતાં કહ્યું કે પરમાત્માની એ સત્તાને લીધે જ મન, પ્રાણ, તથા ઇન્દ્રિયો પોતપોતાના વિષયોંમાં અને વ્યાપારોમાં પ્રવૃત બને છે. એ સત્તા કે પરમાત્મા સર્વોપરી છે. માનવે મુક્ત, પૂર્ણ અને અમૃતમય થવું હોય તો એમને ઓળખવા જોઇએ. જે એમને અનુભવે છે અથવા ઓળખે છે તે જીવન દરમ્યાન જ અવિદ્યા અને મોહાદિથી મુક્તિ મેળવે છે, અને શરીર છોડ્યા પછી એ અવિનાશી પરમાત્મામાં મળી જાય છે. મૃત્યુંજયી બને છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer