An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 1 : Verse 01

 

ब्रह्मवादिनो वदन्ति । 

किं कारणं ब्रह्म कुतः स्म जाता जीवाम केन क्व च संप्रतिष्ठा ।

अधिष्ठिताः केन सुखेतरेषु वर्तामहे ब्रह्मविदो व्यवस्थाम् ॥१॥

 

અર્થઃ

હરિઃ ૐ - પરમાત્મા

બ્રહ્મવાદિનઃ - બ્રહ્મવાદી પુરુષો

વદન્તિ - પરસ્પર કહે છે.

બ્રહ્મવિદઃ - હે વેદવેત્તા જ્ઞાનીગણ

કારણમ્ - જગતનું મુખ્ય કારણ

બ્રહ્મ - બ્રહ્મ

કિમ્ - કોણ છે.

કુતઃ - કોનાથી

જાતાઃ સ્મઃ - (આપણે) ઉત્પન્ન થયા છીએ.

કેન - કોને લીધે

જીવામ્ - જીવી રહ્યા છીએ.

ચ - અને

ક્વ - કોનામાં

સંપ્રતિષ્ઠાઃ - આપણી સ્થિતિ છે.

કેન અધિષ્ઠિતાઃ - કોને અધીન રહીને

(વયમ્ - આપણે)

સુખેતરેષુ - સુખ અને દુઃખને

વ્યવસ્થામ્ - નિશ્ચિત વ્યવસ્થાને અનુસરીને

વર્તામહે - ભોગવીએ છીએ.

 

ભાવાર્થઃ

આ ઉપનિષદનો આરંભ પરમાત્માના પવિત્ર નામસ્મરણથી કરવામાં આવ્યો છે. એથી એ આરંભ મંગલ થયો છે. પરમાત્માના નામસ્મરણ કે નામસંકીર્તન સાથે કરાયેલું કોઇપણ કામ પવિત્ર ને કલ્યાણકારક થાય છે. જે રીતે ઉપનિષદનો આરંભ થયો છે તે રીત પરથી લાગે છે કે પ્રાચીન ઔપનિષદિક કાળમાં વેદવેત્તા જિજ્ઞાસુ જ્ઞાની પુરુષો સમય સમય પર પરસ્પર ભેગા થઇને ગુણગ્રાહકવૃતિથી પ્રેરાઇને ચર્ચાવિચારણા કરતા રહેતા. એ પદ્ધતિ પ્રશસ્ય અને પ્રેરક હતી. એને લીધે જ્ઞાનની આદાનપ્રદાનની પ્રક્રિયા સરળ બનતી. ઉપયોગી ઠરતી. જ્ઞાન સીમિત રહેવાને બદલે વિસ્તૃત બનતું. સમકાલીન સ્વાનુભવસંપન્ન સત્પુરુષો અને જિજ્ઞાસુઓ એકમેકના સુખદ સંસર્ગમાં આવતા. એથી પારસ્પરિક પ્રેમ અને આદરભાવની અભિવૃદ્ધિ થતી. આ ઉપનિષદનો આરંભ એ સુંદર, સ્વસ્થ સર્વોપયોગી પરંપરાની સુખદ સ્મૃતિ કરાવે છે.

એના આરંભમાં જે વિવરણ છે એના પરથી કેનોપનિષદની પણ સ્મૃતિ થાય છે. કેનોપનિષદ પણ જ્ઞાનના આવા જ પરંતુ જરાક જુદા જાતના પ્રશ્નોથી પ્રારંભ પામીને આગળ વધે છે. એની પેઠે આ ઉપનિષદમાં પણ માનવની શુદ્ધતર નિર્ભેળ જિજ્ઞાસાવૃતિનું દર્શન થાય છે. માનવ પોતાના વિશે, જગત વિશે, અને જગતના કોઇ નિયંતા હોય તો એમના વિશે જાણવા માગે છે. આજે પણ એવી જિજ્ઞાસાવૃતિ જીવે છે, ભૂતકાળમાં પણ જીવતી હતી, અને ભવિષ્યકાળમાં પણ જીવતી રહેશે. ત્યાં સુધી જ્ઞાનની ચર્ચાવિચારણાઓ, સાધનાઓ અને અનૂભુતિની દિશામાં લઇ જનારી પ્રયોગ પંરપરા થતી જ રહેશે. અહીં પૂછવામાં આવેલી પ્રશ્નો પુરાતન હોવાં છતાં રોચક છે. આ વિશાળ વિશ્વના મૂળભૂત મુખ્ય કારણ બ્રહ્મ શું છે ? એનું સ્વરૂપ કેવું છે ? જગતની અને આપણી ઉત્પત્તિ શેનાથી થઇ છે ? જગતને અને આપણને જીવન પ્રદાન કરનારી, પોષનારી, ટકાવનારી કોઇ સનાતન સર્વોપરી શક્તિ છે ખરી ? જગતમાં સુખદુઃખની સંમિશ્રિત અસરોને ઉપજાવનારી કર્મની પંરપરાનું સુવ્યવસ્થિત રીતે સંચાલન કરનાર કોઇ છે ખરું, કે પછી જુદાં જુદાં કર્મો પોતાની મેળે જ સુખદુઃખની વિરોધાભાસી અસરો પેદા કરે છે ? આ જગત કોઇ ચોક્કસ કર્મનિયમોને અનુસરીને ચાલે છે કે કોઇપણ પ્રકારના નિયમો વિના જ, જેમ ફાવે તેમ પ્રવૃતિ કરે છે ? એનું નામ શુદ્ધતર આત્મજિજ્ઞાસા અને બ્રહ્મજિજ્ઞાસા. આધ્યાત્મિકતાને એની સાથે અત્યંત સમીપનો સંબંધ. એવી જિજ્ઞાસા આધ્યાત્મિકતાનું મૂલ્યવાન મસ્તિષ્ક છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer