પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

મારી પસંદગી

     
   
< BACK

પરિમલ

NEXT >
 

અજ્ઞાન અને અહંકારોત્પાદક, અસત્યનો આનંદ આપનારું આડંબરપૂર્ણ જ્ઞાન - બેમાંથી કશું પણ ઈચ્છવા જેવું નથી. છતાં પણ એમાંથી કોઈ એકની પસંદગી કરવી જ પડે તેમ હોય, તો હું અજ્ઞાનની જ કરીશ : અહંકારોત્પાદક, આડંબરપૂર્ણ જ્ઞાનની નહિ.

 

ગરીબી અને આંખ અને અંતરને અંધ કરનારી અમીરી - આમાંથી કશું પણ ઈચ્છવા જેવું નથી. છતાં પણ એમાંથી કોઈ એકનો સ્વીકાર કરવો જ પડે તેમ હોય, તો હું ગરીબીનો જ કરીશ : આંખ અને અંતરને અંધ કરનારી અમીરીનો નહિ.

 

નિર્બળતા અને નિર્બળને રંજાડી સત્તાની સ્પર્ધા કરનારું અવિવેકી, આતંકકારી બળ - બેમાંથી કશુંપણ ઈચ્છવા જેવું નથી. છતાં પણ એમાંથી કોઈ એકને અપનાવવું પડે તેમજ હોય, તો હું નિર્બળતાને જ અપનાવીશ; અવિવેકી અને આતંકકારી બળને નહિ.

 

અશક્તિ અને અનેકનો અંત આણવામાં કામ લાગનારી તથા અવરનાં સર્વનાશનાં સાધન શોધનારી શક્તિ કે સિદ્ધિ - એ બેમાંથી કશું પણ ઈચ્છવા જેવું નથી. છતાં પણ એમાંથી કોઈ એકનું સ્વાગત કરવું જ પડે તેમ હોય, તો હું અશક્તિનું જ કરીશ; અવરનાં સર્વનાશની સામગ્રી બનવા માગનારી કે બનનારી શક્તિ કે સિદ્ધિનું નહિ.

 

સંસ્કારહીનતા અને બીજાને ફસાવવા, દબાવવા કે છેતરવામાં પટુતાવાળી, ચતુરાઈભરી, ચાલાક કહેવાતી, શ્રેષ્ઠતાના ગુમાનવાળી, સ્વચ્છંદી સંસ્કારીતા - બેમાંથી કશું પણ ઈચ્છવા જેવું નથી. છતાં પણ એમાંથી કોઈ એકનો સત્કાર કરવો જ પડે તેમ હોય, તો હું સંસ્કારહીનતાનો જ કરીશ; ચતુરાઈભરી, ચાલાક કહેવાતી, સ્વચ્છંદી સંસ્કારીતાનો નહિ.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer