પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

અંત નથી આવવાનો

     
   
< BACK

પરિમલ

NEXT >
 

સુખનો સનાતન વરસાદ વરસાવો કે દુ:ખના દાવાનલનું દાન દો; તમારે માટેના મારા અનુરાગનો, આદર ને વિશ્વાસનો, અંત કદી પણ નથી આવવાનો.

*

આનંદના અમીમય અર્ણવમાં અવગાહનનો અલૌકિક અવસર આપો કે શોકની સૂકી સરિતામાં સદાને સારુ સ્નાન કરવો; તમારે માટેના મારા અનુરાગનો, આદર ને વિશ્વાસનો, અંત કદી પણ નથી આવવાનો.

*

શાંતિના સુમધુર, સુવાસિત સુમનની મનહર માળા પહેરાવો કે અશાંતિના અંચલથી અંતરને અધિકાધિક આવૃત્ત કરો; તમારા માટેના મારા અનુરાગનો, આદર ને વિશ્વાસનો, અંત કદી પણ નથી આવવાનો.

*

માનના માદક મધુનું પાન કરાવો કે અપમાનની અનંત એવી અંજલી આપો; સફળતાના સ્વયંવરમાં સફળતા સાથે શામેલ કરો કે નિષ્ફળતાના નિરાશાજનક નાટકનો નટ થવાનો ઉપહાર ધરો; સંપત્તિના સ્વર્ગીય સુરાપાનનું સુખ દો કે વિપત્તિના વેદનામય વડવાનલ વ્યાકુલ કરો; તમારે માટેના મારા અનુરાગનો, આદર ને વિશ્વાસનો, અંત કદી પણ નથી આવવાનો.

*

કેમ કે એમાં બદલાની આશા નથી, ગણતરીની અભિલાષા નથી, ને વ્યવસાયની અભીપ્સા નથી. એની આગળ અને પાછળ એક જ પ્રેરણાત્મક મંત્ર છે, પ્રેમ, અથવા બીજી ભાષામાં કહેવું હોય તો કહો કે કર્તવ્ય.

એટલે જ કહું છું કે ગમે તે સ્થળ, સ્થિતિ કે સમયમાં પણ, તમારે માટેના મારા અનુરાગનો, આદર ને વિશ્વાસનો, અંત કદી પણ નથી આવવાનો.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer