|
વિજ્ઞાનની
મદદથી માનવે હવે પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી કરી છે, ને ચંદ્રમાં મુસાફરી કરવાના
સ્વપ્ના શરૂ કર્યા છે. એની અભિલાષા સફળ થવાની સંપૂર્ણ શક્યતા છે.
સંસ્કૃતિની
વાતો કરનારો માનવ સૌને રોટી ને રોજી પૂરી પાડવાની પ્રવૃત્તિ કરે છે, ને સૌને
આશ્રયસ્થાન અને વિદ્યાની પ્રાપ્તિ થાય એવી યોજના ઘડે છે. કારખાનાં ને નહેરો તથા
બંધોનું નિર્માણ કરીને ઉત્પાદનને વધારવાની ને જીવનધોરણ સુધારવાની એ કોશીશ કરે
છે. એની યોજના કે કોશીશ સફળ થવાની સંપૂર્ણ શક્યતા છે.
એ બધુ જોઈને
મારો પ્રાણ પ્રસન્ન થાય છે. પરંતુ માનવના પ્રાણને જો કેદ કરી દેવામાં અને અનેક
પ્રકારની ધાકધમકી, યંત્રણા ને ગુલામીથી ગૂંગળાવી નાખવામાં આવશે, તો સંસ્કૃતિની
એ સાધના સર્વોત્તમ નહિ કહેવાય. એવી સાધના ને સંસ્કૃતિ મારા અલૌકિક, અસાધારણ,
આત્માની આરાધનાના આધારરૂપ નહિ બની શકે, જેમાં બીજું બધું જ હશે, ને સર્વોત્તમ
સ્વરૂપમાં હશે, પરંતુ માનવ નહિ હોય, માનવની મુક્તિની માવજત તથા મહેફિલ નહિ હોય
ને માનવને નામે દાનવનું વર્ચસ્વ ફેલાયું હશે.
ના, ના એવી
સાધના ને એવી સંસ્કૃતિને ઉપાસીને કે સ્વીકારીને હું શું કરીશ
?
મારો આ દેવદુર્લભ, દેવપ્રિય, દેવદૂત દેશ પણ શું કરશે
?
દુનિયા પણ શું કરશે, ને એનો આરાધક સમાજ પણ શું કરશે
?
દેશને જ નહિ, દુનિયાને પણ એ દાવાનળમાં ધકેલી દેશે. માટે જ મારી અરજ છે કે એ
સંસ્કૃતિ ને સાધનનો સમન્વય કરો;
પૂર્વ ને પશ્ચિમનો સંગમ કરો. તમારું વિજ્ઞાન ને અમારું માનવ સુધાર તથા સમુન્નતિ
ને માનવ-સ્વતંત્રતાનું શાસ્ત્ર ભલે એક કરો અને એવી એકતાને પરિણામે, માનવના
અંતરને આલોકિત કરો ને સદાને સારુ ઊર્ધ્વગામી કરીને, માનવ ને માનવસંસ્કૃતિની
સુરક્ષા કરો;
એમના સાચા સંરક્ષક ઠરો.
કવિની
જુગજૂની, મધુમયી મહીની કલ્પના એ રીતે સાકાર કરો
!
|