Text Size

નિર્ભયતાનું કારણ

વિવેક ને વૈરાગ્યની પાદુકા પહેરીને
અમે વિશ્વમાં વિચરીએ છીએ,
એટલે કાંટા કે કાંકરા વાગવાની અમને ભીતિ નથી;
કેડી કઠોર કે કપરી હોય તો પણ અમને તેની ભીતિ નથી.

તિતિક્ષાની તલવાર લઈને
અમે વસુધામાં વિહાર કરીએ છીએ,
એટલે સુખ ને દુઃખ
તથા માન ને અપમાન જેવા તસ્કરનો અમને ભય નથી.

અનુરાગ ને અનાસક્તિના અમીમય ઔષધનું
આકંઠ પાન કરીને પૃથ્વીની પરિકમ્મા કરીએ છીએ,
એટલે મન ને અંતરના રોગની અમારા પર અસર નથી.

હે વહાલા વૈરાગી,
આત્માના અલૌકિક અજવાળાને અંગેઅંગમાં આંજીને
સૃષ્ટિની સફર કરીએ છીએ,
એટલે બહારના ને અંદરના અંધકારની અમને ભીતિ નથી,
કાળ કે સ્થિતિની તમા નથી,
ને મૃત્યુની પણ પરવા નથી.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Wherever there is a human being, there is an opportunity for kindness. 
- Seneca (Roman Philosopher)

prabhu-handwriting