નિદ્રા તથા યોગનિદ્રા
પ્રશ્ન : નિદ્રા તથા યોગનિદ્રામાં કોઈ તફાવત છે ખરો ?
ઉત્તર : ઘણો મોટો તફાવત છે.
પ્રશ્ન : શો તફાવત છે ?
ઉત્તર : નિદ્રાનો અનુભવ તો સામાન્ય રીતે સૌ કોઈને સારું સહજ હોય છે. મનુષ્યો જ નહિ પરંતુ પશુપક્ષીઓને પણ એનો અનુભવ થતો હોય છે. એના વિશે તો નાનામોટા સૌ કોઈ જાણે છે. પરંતુ યોગનિદ્રા જુદી જ વસ્તુ છે. નામજપ કરતાં કરતાં કે ધ્યાનનો આધાર લેતા કોઈવાર મન સ્થિરતાનો અથવા એકાગ્રતાનો અનુભવ કરીને એકાએક લય પામે છે કે શાંત થાય છે. મનની અંતરંગ સાધના દ્વારા પ્રાપ્ત થતી એવી અદ્દભૂત અલૌકિક લયદશાને યોગનિદ્રા કહે છે. એવી યોગનિદ્રાની અવસ્થા જેને તેને નથી મળતી, કોઈ કોઈ વિરલ સાધકોને સાંપડતી હોય છે. એ અવસ્થા સાત્વિક કહેવાય છે.
પ્રશ્ન : એને સમાધિનું નામ આપી શકાય કે ના આપી શકાય ?
ઉત્તર : ના આપી શકાય. સમાધિ જુદી જ, વધારે ઊંડી વસ્તુ છે અને એ તો સમાધિના મંગલમય મહા મંદિરના ઉદ્દઘાટનની શરૂઆતની સહજ અવસ્થા હોય છે. એના અનુભવથી આનંદ અનુભવી, ઉત્સાહપૂર્વક આગળ વધવાથી સમાધિ મળે છે.
પ્રશ્ન : યોગનિદ્રામાંથી સૌને પસાર થવું પડે છે ? સાધકમાત્રને ?
ઉત્તર : એને માટેનો કોઈ નિશ્ચિત નિયમ નથી કરી શકાતો. છતાં પણ મોટા ભાગના સાધકોને એનો અનુભવ થતો હોય છે એ સાચું છે.
પ્રશ્ન : સમાધિ તથા સાક્ષાત્કાર એક છે ?
ઉત્તર : ના. એ બંને જુદાં જુદાં છે. સમાધિ સાધન છે અને સાક્ષાત્કાર સાધ્ય. સમાધિનો લાંબા વખતનો અભ્યાસ સ્વરૂપના સાક્ષાત્કારમાં મહત્વની મદદ પહોંચાડે છે. એ બંનેને એક કેવી રીતે કહી શકાય ? બંનેને એક કેવી રીતે કહી શકાય ? બંનેમાં દેખીતો જ તફાવત છે.
પ્રશ્ન : તમે મુમુક્ષુને (ઈચ્છા હોય તો) ગમે તેટલા અંતરાયો છતાં સહાય કરી શકો છો, તો તેમાં કયી રીત કામે લગાડો છો ? શક્ય હોય તો કહેજો.
ઉત્તર : મારાથી કોઈ મુમુક્ષુને મદદ મળી છે અથવા સહાય કરાઈ છે એવું તમને ખાતરીપૂર્વક લાગે છે ખરું ? મને તો નથી લાગતું. મેં એવું કહ્યું પણ નથી. મારામાં બીજાને મદદ કરવાની શક્તિ છે જ ક્યાં ? હું મદદ કરનાર છું જ કોણ ? જે મદદ મળે છે તે ઈશ્વર તરફથી જ મળતી હોય છે. આપણે તો માત્ર માધ્યમ છીએ. કોઈવાર કોઈને માટે પ્રાર્થના કરું છું તે પણ ઈશ્વરને જ કરું છું. એના પરિણામે જે કોઈ સહાય આવે છે તે પણ ઈશ્વરની જ સહાય આવતી હોય છે. એના ઉપર મારો અધિકાર શા માટે રાખું ? એ અધિકાર ઈશ્વરનો જ રહે એ બરાબર છે.
પ્રશ્ન : મને તમારી સાથે તમારી સેવામાં રહેવાની છૂટ આપી શકશો ?
ઉત્તર : ના. મારી એવી કોઈ સેવા નથી જેને માટે કોઈને સાથે રહેવાની છૂટ અપાય. તમે તમારી જ સેવા કરો અને તેને સારું હું જેની સતત સંનિધિમાં રહેવાની કોશિશ કરું છું તે પરમાત્માની સાથે રહેવાનો પ્રયાસ કરો. જીવનનું સાચું ને સંપૂર્ણ શ્રેય ત્યારે જ સાધી શકાશે. બને તેટલા વધારે ને વધારે નામજપ કરો, વધારે ને વધારે પ્રમાણમાં ધ્યાન ધરો, પ્રાર્થના તથા સત્સંગનો આધાર લો અને આત્મનિરીક્ષણ તેમજ આત્મવિકાસના માર્ગે આગળ વધો. એમ કરવાથી જીવનની સફળતા કે સંસિદ્ધિ સાંપડી શકાશે.
પ્રશ્ન : તો પણ તમારી સંનિધિમાં રહેવાની ઈચ્છા તો થાય છે જ.
ઉત્તર : એવી જ ઈચ્છા ઈશ્વરની સંનિધિમાં રહેવાની કરો. એ અધિક ઉપયોગી અને આવકારદાયક થઈ પડશે. એ જ સંનિધિ સદાને માટે ઈચ્છવા જેવી છે. એને લીધે જ સાચું કલ્યાણ કરી શકાશે.