કલમ ચલાવ્યે જા, ઓ લેખક, કલમ ચલાવ્યે જા !
ગૌરવભીનું ગા, ઓ લેખક, કલમ ચલાવ્યે જા !
આફત અભ્ર છવાયાં આભે, સૂર્ય રૂપ તું થા !
પ્રાણ બધાનાં ઝંકૃત કરતાં, પ્રકાશ પાવન પા ! .. ઓ લેખક.
વીંટે વરાળ વિષની સૌને, અમૃત ત્યારે થા,
જોમભર્યો જીવનરસ રેલી, ન્હવરાવીને ન્હા ! ... ઓ લેખક
વસંત બનતાં પાનખર મહીં, પ્રફુલ્લ પવને વા,
કાળ કરાળ ઉભો હો સામે, નિર્ભય બનતાં ગા ! ... ઓ લેખક
સત્તાધન અનૃતથી ડરતાં મૂક રહેતો ના,
અહર્નિશ રહી આઝાદ ભલે, આતમ સૌનો થા ! ... ઓ લેખક
જોજે દોષ ન લાગે તુજને, પ્રમાદ છોડી ગા,
મનુકુળમાં ક્રાંતિ કરે એવી બની પ્રેરણા જા ! ... ઓ લેખક
- શ્રી યોગેશ્વરજી