if (!window.top.location.href.startsWith("https://swargarohan.com/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते ।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
ॐ शांतिः शांतिः शांतिः ॥

om purnamadah purnamidam purnat purnamudachyate |
purnasya purnamadaya purname vavasisyate ॥
om shantih shantih shantih ॥

શાંતિપાઠ
તે પૂર્ણ છે ઈશ્વર, સૃષ્ટિ પૂર્ણ છે,
તે પૂર્ણમાંથી જગ પૂર્ણ થાય છે;
ભલે લઈ લો કદિ પૂર્ણ પૂર્ણથી,
લીધા છતાં પૂર્ણ બચી રહે છે.
ૐ શાંતિઃ । શાંતિઃ । શાંતિઃ ॥

અર્થઃ

ૐ - પરમાત્મા
અદઃ - એ (પરબ્રહ્મ પરમાત્મા)
પૂર્ણમ્ - સર્વપ્રકારે પૂર્ણ છે.
ઇદમ્ - આ (જગત પણ)
પૂર્ણમ્ - પૂર્ણ (છે)
પૂર્ણાત્ - એ પૂર્ણ પરમાત્માથી જ
પૂર્ણમ્ - આ પૂર્ણ જગત
ઉદચ્યેત્ - ઉત્પન્ન થાય છે.
પૂર્ણસ્ય - પૂર્ણના
પૂર્ણમ્ - પૂર્ણને
આદાય - લઇ લેવાથી
પૂર્ણમ્ - પૂર્ણ
એવ - જ
અવશિષ્યતે - બાકી રહે છે.

ભાવાર્થઃ

ઉપનિષદમાં શાંતિપાઠ પોતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે, એનું મહત્વ અનોખું છે. પ્રત્યેક ઉપનિષદનો આરંભ અને અંત શાંતિપાઠથી જ થતો હોય છે. સંસારમાં મનુષ્ય સૌથી વધારે શાંતિને ચાહે છે. તેવી રીતે પહેલાં પણ ચાહતો એની પ્રતીતિ વેદ અથવા ઉપનિષદના શાંતિપાઠ પરથી સહેલાઇથી થઇ રહે છે. એટલે તો એણે શાંતિપાઠની રચના કરી છે. શાંતિપાઠમાં પરમાત્માનું સ્મરણ છે અને કેટલીક હૃદયસ્પર્શી સદભાવનાઓના પ્રતિઘોષ પડેલા છે. વેદ અને ઉપનિષદના પ્રાતઃસ્મરણીય પરમાત્મદર્શી ઋષિવરો પોતાના સ્વાનુભવના આધાર પર કહી બતાવે છે કે શાંતિ અથવા પરમશાંતિની પ્રાપ્તિ પરમાત્મા સાથેના પ્રત્યક્ષ સંબંધની પ્રસ્થાપના સિવાય ના થઇ શકે. એ સંબંધની પ્રસ્થાપના માટે તન, મન, તથા વચનનો સંયમ આવશ્યક છે. આત્મસંયમ અને આત્મશુદ્ધિ સિવાય આત્મદર્શન ના થઇ શકે અને આ આત્મદર્શન અથવા આત્માનુભૂતિ સિવાય સનાતન શાંતિની ઉપલબ્ધિ આકાશકુસુમવત્ અશક્ય રહે છે. શાંતિની પ્રાપ્તિ માટે ભૌતિક પ્રદેશમાં પ્રયત્ન કરનારા માનવે આભ્યંતર ક્ષેત્રમાં પણ પ્રવેશ કરવો જોઇએ. એવા પ્રવેશ સિવાય શાંતિની યાત્રા અધૂરી રહી જાય.

આ શાંતિપાઠમાં પરમાત્મા તથા જગત વિશેનાં ચિંતન, મનન અને નિદિધ્યાસનનો અનુભૂતિપૂર્ણ ઉદગાર સમાયેલો છે. એ ઉદગારને લક્ષમાં લેવા જેવો છે. જે જગત આપણી આજુબાજુ બધે જ પથરાયેલું છે, જેને આપણે અવલોકી અથવા અનુભવી રહ્યા છીએ તે જડ તત્વો કે પદાર્થોનો સંઘાત છે અને અપૂર્ણ છે એવી માન્યતા મોટેભાગે પ્રચલિત છે. એ માન્યતાના ઉપલક્ષમાં એક અવનવીન વિશિષ્ટ વિચારધારાની રજૂઆત કરતાં અહીં સૂચવવામાં આવે છે કે જગત જડ નથી. એ ઉપરથી જોતાં જડ જણાતું હોય તોપણ અંદરથી ચિન્મય છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ દ્રષ્ટિથી એનું દર્શન કરતાં એ ચૈતન્યના પરમ પારાવાર જેવું જ લાગે છે. એ ઉપરાંત એને અપૂર્ણ કહેવું એ બરાબર નથી, અજ્ઞાનની અર્ઘદગ્ધ દશામાં એ અપૂર્ણ ભાસે છે ખરું, પરંતુ પરમ જ્ઞાનાભૂતિની પરિપૂર્ણ પાવન અલૌકિક અવસ્થામાં પૂર્ણ જ લાગે છે. એ વિચાર વિસ્મયકારક હોવા છતાં સાચો છે અને શાંતિપાઠ એને નિર્ભીક રીતે સહજતાપૂર્વક પ્રતીતિજનક રીતે રજૂ કરે છે.

શાંતિપાઠ સંક્ષિપ્ત છતાં સારગર્ભિત છે. એના ભાષા સીધીસાદી હોવાં છતાં ગહન છે. એની પાછળ બૌદ્ધિક પ્રતિભાનું પ્રગલ્લભ પીઠબળ નથી. પરંતુ વરસોની સાધનાના સુપરિણામે સાંપડલી સ્વાનુભૂતિનો રણકાર છે. એમાં કોઇપણ પ્રકારની શંકા-કુશંકા વિના સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે પરમાત્મા પૂર્ણ છે અને આ જગત કે બ્રહ્માંડ પણ પૂર્ણ જ છે. પરમાત્મા પૂર્ણ છે એ વિધાનમાં તો કોઇને શંકા ના હોઇ શકે. પરિપૂર્ણતા એટલે જ પરમાત્મા એવું કહીએ તો પણ ચાલે. પરમાત્મા સચ્ચિદાનંદ છે અને એમની અંદર કોઇપણ પ્રકારની અપૂર્ણતા નથી હોતી. જે અપૂર્ણ હોય એને પરમાત્મા કહી શકાય જ નહિ; કોઇક બીજું નામ ભલે આપી શકાય. પરમાત્મા જ્ઞાનની દ્રષ્ટિએ, શક્તિની દ્રષ્ટિએ અને યોગ્યતા અથવા વિકાસની દ્રષ્ટિએ પૂર્ણ છે. પરંતુ જગતને એવી રીતે પરિપૂર્ણ કહી શકાય ? હા. પરમાત્મા જ સર્વના મૂળમાં છે; પરમાત્મા સિવાય બીજું કશું પણ નહોતું અને નથી, તો પછી જગત પરમાત્માથી અલગ હોવાનો પ્રશ્ન જ ક્યાં રહે છે ? જગત પ્રકારાંતરે પરમાત્મા જ છે, એની અંદર-બહાર અને એના રૂપમાં જે કાંઇ દેખાય છે તે પરમાત્મા જ છે, એ પરમાત્માનું જ સ્વરૂપ છે, એવું માનવું-મનાવવું બરાબર જ છે. સુવર્ણના અલંકારોને અલંકારોનું નામ આપીએ કે સુવર્ણ કહીએ બધું એક જ છે. એ પ્રમાણે જગતને જગત કહીએ કે પરમાત્માના પ્રતીક તરીકે ઓળખીએ, પરમાત્માનું સ્વરૂપ સમજીએ, બધું સરખું જ છે. જગતના રૂપમાં પરિપૂર્ણ પરમાત્મા પોતે જ પોતાની લીલા કરી રહ્યા છે.

પરમાત્મા પૂર્ણ છે, જગત પણ પૂર્ણ છે, અને પરિપૂર્ણ પરમાત્મામાંથી આ પૂર્ણ જગતનું પ્રાકટ્ય થાય છે, એ વાતનો વિચાર એક બીજી રીતે પણ કરી લઇએ. સમુદ્ર સ્વયં સંપૂર્ણ છે, એવી અંદર ઉત્પન્ન થતા તરંગો એનાથી જુદા નથી એટલે પૂર્ણ જ છે. એમના સ્વરૂપમાં સમુદ્ર જ દેખાય છે. એવી રીતે જગતના રૂપમાં પણ પરમાત્મા જ પ્રતીત થાય છે.

સંપૂર્ણ સમુદ્રમાંથી થોડું કે વધારે પાણી લઇ લઇએ તો સમુદ્રને હાનિ પહોંચતી નથી. સમુદ્ર તો એવો જ સુવિશાળ રહે છે. જગતના સર્જન અને વિસર્જનની ક્રિયાથી પરમાત્માને પણ એવી જ રીતે કોઇ પણ પ્રકારની હાનિ પહોંચતી નથી. એમની અંદરથી સૃષ્ટિનું સર્જન થાય તોપણ એ અપૂર્ણ નથી બનતા પરંતુ પૂર્ણ જ રહે છે.

શરીરની, મનની અને અંતરની ત્રિવિધ શાંતિની માનવને ઝંખના હોય છે. જીવનની પરિપૂર્ણતા, સ્વસ્થતા અને શાંતિ માટે એ ત્રણે પ્રકારની શાંતિની આવશ્યકતા હોય છે. એ ત્રિવિધ શાંતિને આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક શાંતિ પણ કહે છે. શાંતિપાઠમાં એની કામના કરવામાં આવી છે. ભૌતિક પરિસ્થિતિનો પ્રભાવ માનવના ચિત્તતંત્ર પર અતિશય પ્રબળપણે પડતો હોય છે. દૈવી સંકેતો, ઉત્પાતો કે પ્રસંગો પણ એને અસર પહોંચાડે છે, અને એ આત્મિક રીતે, અવિદ્યાને લીધે દુઃખી, અસ્વસ્થ અથવા અશાંત રહ્યા કરે છે. એ ત્રણે પ્રકારની અશાંતિમાંથી મુક્તિને માટે અહીં પ્રાર્થના કરવામાં આવી છે. પરિસ્થિતિ માનવની ઇચ્છાને અનુકૂળ ના થાય તોપણ માનવને અસ્વસ્થ તો ના જ કરે અને ચલાયમાન ના બનાવે, એની વચ્ચે વસીને પણ માનવ પોતાની આત્મસ્થ શાંતિને અખંડ રાખે એ ઇચ્છવા જેવું છે. આપણે પણ એવી અખંડ અલિપ્તાવસ્થાને મેળવવા પ્રાર્થના કરીએ.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.