if (!window.top.location.href.startsWith("https://swargarohan.com/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તુલસીકૃત રામાયણમાં આવિર્ભાવ પામેલી સંત તુલસીદાસની લોકોત્તર કળાનો વિશેષ રસાસ્વાદ ચાખવો હોય તો આવો, એમાં વર્ણવેલા એક નાના સરખા, છતાં સુંદર પ્રસંગ પાસે પહોંચી જઈએ.

પ્રસંગ લંકાકાંડનો છે. સમુદ્ર પર સેતુ બાંધી ભગવાન રામ પોતાની વિશાળ વાનરસેના સાથે 'સુબેલ' પર્વત પર આવ્યા.

એ પર્વતના એક સુંદર પ્રદેશ પર લક્ષ્મણે શ્રીરામ માટે બિછાવેલા આસન પર રામ વિરાજમાન થયા. હનુમાન, સુગ્રીવ, અંગદ તથા વિભીષણ એમની સામે બેઠા. લક્ષ્મણજી હાથમાં ધનુષબાણ ધારણ કરી રામની પાછળ બેસી ગયા.

અને એ શોભામાં વધારો કરતો પૂર્વ દિશામાં ચારૂ ચંદ્રનો ઉદય થયો.

અંધકારના આવરણને ભેદી, બહાર નીકળેલો એ સુંદર, શાંત-શીતળ-સુધામય ચંદ્ર-જાણે રામનાં દર્શન માટે આવ્યો હતો !

જોતજોતામાં તો એના કોમળ કિરણો બધે ફરી વળ્યાં અને આખું વાતાવરણ અવનવું બની ગયું.

સાગરના ઉત્તુંગ તરંગો ઉછળતા હોય, એની સમીપમાં લીલીછમ સુંદર પર્વતમાળા હોય ને સામેના તારામઢ્યા આકાશમાંથી ચંદ્રનો ઉદય થાય ત્યારે આખુંય દૃશ્ય કેટલું બધું આલ્હાદક અને અનોખું બની જાય છે તથા કેટલો બધો રસ પેદા થાય છે, તે કાંઈ કહી બતાવવાની નહિ-અનુભવવાની વસ્તુ છે.

ચંદ્રોદયનું અનુપમ દૃશ્ય જોઈ બધાનાં અંતર આનંદથી ઉછળવા લાગ્યાં. રામના મનમાં એ જોઈ એક જુદો જ ભાવ પેદા થયો.

એ ભાવ વિચારને વ્યક્ત કરતાં એમણે પોતાના પ્રિયજનોને પૂછ્યું, 'ચંદ્રનું સ્વરૂપ છે તો બહુ સુંદર. એને નિહાળી મન મુગ્ધ બને છે-પરંતુ એની અંદર જે શ્યામતા છે તે શાને લીધે છે-અથવા એ શું છે, તે સંબંધમાં તમારો વ્યક્તિગત અભિપ્રાય કહી બતાવો. તેથી મને આનંદ થશે.'

રામના શબ્દો સાંભળી સહુ વિચારમાં ડૂબ્યા, પરંતુ થોડીવાર પછી બધાએ વારાફરતી પોતાની માન્યતા રજૂ કરી.

સુગ્રીવે કહ્યું, 'ચંદ્રમાં શ્યામતા છે તે બીજું કશું નહિ, પણ પૃથ્વીનો પડછાયો છે.'

બીજાએ કહ્યું, 'રાહુ અને ચંદ્ર વચ્ચે ભીષણ યુદ્ધ થયેલું ત્યારે રાહુએ ચંદ્ર પર પ્રહાર કરેલો, તેથી એનું અંતર શ્યામ બની ગયું છે.'

ત્રીજાએ જણાવ્યું, 'બ્રહ્માએ કામદેવની સ્ત્રી રતિનું મુખ બનાવ્યું ત્યારે ચંદ્રનો સારભાગ લઈ લીધેલો. ચંદ્રના દેહમાં તેથી છિદ્ર પડી ગયેલું. જે શ્યામતા છે તે બીજું કાંઈ નહિ પરંતુ એ કાણામાં પડતો આકાશનો પડછાયો છે.'

હવે રામનો વારો આવ્યો એટલે એમણે કહેવા માંડ્યું:

'ચંદ્ર તથા ઝેર બેઉની ઉત્પત્તિ સમુદ્રમંથનના પરિણામે થયેલી હોવાથી એ બેઉ ભાઈ છે એટલા માટે ચંદ્ર વિષને હંમેશા પોતાના હૃદયમાં રાખે છે, ને પોતાના ઝેરી કિરણો ફેલાવી વિરહમાં ડૂબેલા નરનારીને દુઃખી કરે છે. મને તો એવું જ લાગે છે.'

આ બધું શાંતિપૂર્વક સાંભળી રહેલા હનુમાને કહ્યું, 'મારે અભિપ્રાય એથી જરા જુદો છે. મને તો લાગે છે પ્રભુ ! ચંદ્ર તમારો ભક્ત હોવાથી તમારી શ્યામમૂર્તિ એના હૃદયમાં વસી ગયેલી હોવાથી તમારી શ્યામતા દેખાય છે.'

હનુમાનજીના શબ્દો સાંભળી શ્રીરામે સ્મિત કર્યું.

એ સુંદર અનોખો પ્રસંગ ત્યાં જ પૂરો થાય છે. ઉપરથી જોતાં તો એ પ્રસંગ સાધારણ લાગે છે-પરંતુ એમાં ઊંડુ રહસ્ય છે, 'દ્રષ્ટિ તેવી સૃષ્ટિ' ના કુદરતી નિયમ પ્રમાણે સુગ્રીવને ચંદ્રમાં પૃથ્વીનો પડછાયો તેવી જ રીતે રામ એ વખતે સીતાની વિરહ-વેદનાથી દુઃખી હોવાથી ચંદ્રના હૃદયમાં ઝેર છે અને એને પોતાના કિરણોથી ફેલાવી એ વિરહમાં ડૂબેલાં નર-નારીને દઝાડે છે એવો અભિપ્રાય એમણે પ્રકટ કર્યો. પરંતુ હનુમાન તો રામના એકનિષ્ઠ ભક્ત હતા. એમના હૃદયમાં રામ વગર બીજું કાંઈ ન હતું, એટલે એ કલ્પના પણ બીજા કોની કરી શકે ? એમને ચંદ્રના હૃદયમાં પણ રામ દેખાયા તથા રામની પોતાની શ્યામતાનો આભાસ લાગ્યો, 'દૃષ્ટિ તેવી સૃષ્ટિ'નો નિયમ એ રીતે સાચો ઠર્યો.

પરંતુ એથી આગળ વધીને વિચારીએ તો એ પ્રસંગમાથી એક બીજી સાધના વિષયક હકીકતનો પણ પડઘો પડ્યા વગર નથી રહેતો  ? તે પડઘો સાંભળવા જેવો છે. ઊંચી અવસ્થા પર પહોંચેલા ભક્ત અથવા જ્ઞાનીનો એ સ્વભાવ બની જાય છે કે એ પોતાના ઉપાસ્ય દેવને કે પરમાત્માને સંસારના બધા પદાર્થોમાં જોયા કરે છે. સંસારને તે પોતાના પ્રાણપ્યારા પ્રિયતમ પરમાત્માનું સાકાર સ્વરૂપ સમજે છે ને એ રીતે જ જુએ છે. એની આંખમાં અને અંતરમાં બીજું કાઈ રહેતું જ નથી. કવિ કલાપીના શબ્દોમાં કહીએ તો 'જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની' અને મહાકવિ ન્હાનાલાલની પંક્તિમાં કહીએ તો

નાથ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા,
નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાંહી ભળ્યા.

 

એ અનુભવ એને માટે સહજ બની જાય છે.

એવો અનુભવ હનુમાનજી માટે સ્વાભાવિક હોવાથી એમના મુખમાંથી એવા શબ્દો નીકળી શક્યા. આ રહ્યા એ તુલસીકૃત રામાયણમાં લખાયેલા એમના મૂળ શબ્દો,

કહ હનુમંત સુનહુ પ્રભુ, સસિ તુમ્હાર પ્રિય દાસ,
તવ મુરતી બિધુ ઉર બસતિ, સોઈ શ્યામતા અભાસ.

 

અનન્ય ભક્ત અથવા જ્ઞાનીએ ક્રમક્રમે આગળ વધી એવી અભેદભાવથી ભરેલી પરમાત્મદ્રષ્ટિ કેળવવી જોઈએ. સાધકોએ એ સંદેશ ધ્યાનમાં રાખવા જેવો છે. કિષ્કિંધાકાંડમાં રામચંદ્રજીએ હનુમાનને એ સંદેશ સંભળાવતાં કહેલું, 'અનન્ય ભક્ત તો એ છે-જે પોતાને સદા સેવક સમજે છે ને પરમાત્માનું અથવા પોતાના સ્વામીનું સ્વરૂપ ચરાચરમાં વ્યાપેલું માને છે.'

સો અનન્ય જાકે અસિ, મતિ ન ટરઈ હનુમંત,
મેં સેવક સચરાચર, રૂપ સ્વામિ ભગવંત.

 

લંકાકાંડના ઉપરના પ્રસંગમાં, રામે જાણે કે હનુમાનની કસોટી કરી અને હનુમાનજી એ કસોટીમાંથી સફળતાપૂર્વક પસાર થયા.

 - શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.