Text Size

Writings

anant-soor   Parimal   sanatan-sangeet

શ્રી યોગેશ્વરજીની કલમ એ ગુજરાતી સાહિત્યની શકવર્તી ઘટના છે. યુવાનીના દિવસોથી જ સાતત્યપૂર્ણ રીતે મા સરસ્વતીની આરાધના કરતી એમની લેખિનીએ લગભગ પાંચ દાયકાની સાહિત્યયાત્રા દરમ્યાન ગુજરાતી જનતાને ઘણું ઘણું ધરી દીધું. ગુજરાતી આધ્યાત્મિક સાહિત્યના સીમાચિન્હ સમી એમની આત્મકથા 'પ્રકાશના પંથે' થી માંડીને એમના દ્વારા પ્રસાદિત જીવનકથા, અનુવાદો, મહાકાવ્યો, કવિતાઓ, લેખો, નવલકથાઓ અને બેનમૂન ચિંતનગ્રંથો વડે ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ બન્યું.

અહીં પ્રસ્તુત બહુધા કૃતિઓનો રચનાકાળ ૧૯૪૦ થી ૧૯૫૫ વચ્ચેનો છે, જ્યારે તેઓ હિમાલયના શાંત એકાંત પ્રદેશમાં ઇશ્વરની શોધમાં જીવન નિર્ગમન કરતા હતા. સાહિત્યસાધના એમને માટે બાધક બનવાને બદલે એમની જીવનસાધનાની સંગિની બની. એ કાળ દરમ્યાન એમની માનસગંગોત્રીમાંથી જે જે અવતીર્ણ થયું તે બધું કલમના માધ્યમ દ્વારા પ્રસ્ફુટિત થયું અને સમય આવ્યે ગ્રંથો દ્વારા જનહિતાર્થે પ્રસ્તુત થયું. નાત, જાત, સંપ્રદાય કે ધર્મના વાડાઓ જેમને સ્પર્શી નહોતા શક્યા એવા આ મહાપુરુષે શ્વેતવસ્ત્રને શોભાવી સંતપણાને તો અનોખી ગરિમા બક્ષી જ કિન્તુ સાથે સાથે કલમને પણ ગૌરવ પ્રદાન કર્યું. પ્રસિદ્ધિ કે પ્રશસ્તિની પરવા કર્યા વગર સાચા કર્મયોગીની પેઠે જીવનના અંત સુધી ગુજરાતી સાહિત્યની મૂક સેવા કરતાં રહી તેઓ ૧૯૮૪માં ચાલી નિકળ્યા. ગુજરાતી જનતા અને સાહિત્યકારોએ હજી એમના સાહિત્યીક વારસાને યથાર્થ રીતે પિછાનવાનો અને પૂર્ણ માત્રામાં મુલવવાનો બાકી છે.

'પરિમલ', 'સનાતન સંગીત', 'અનંત સૂર' તથા 'અક્ષત' યોગેશ્વરજીના અન્ય સર્જનો કરતાં નિરાળી ભાત પાડે છે. એમાં આલેખીત અપદ્યાગદ્ય રચનાઓ એમના મનોભાવોનું દર્પણ બની એમના વિશાળ વ્યક્તિત્વનું અનોખું ઉદઘાટન કરે છે. એ મધુમય રચનાઓમાં ટાગોરની 'ગીતાંજલી' કે અંગ્રેજ કવિ શેલી અને વર્ડઝવર્થના લખાણો જેવી વિચારોની તાજગી, ભાવોની ઉદાત્તતા અને અભિવ્યક્તિની મોકળાશ મહેંકે છે.

Explore

  1. અક્ષત
  2. અનંત સૂર
  3. પરિમલ
  4. ફૂલવાડી
  5. સનાતન સંગીત
  6. સ્વાતિબિંદુ
  7. Tunes unto the Infinite

પ્રભાતના પુષ્પોની મહેંકથી મહેકતી આ અર્થસભર રચનાઓનો ગુજરાતી સાહિત્યરસિકો ભ્રમર બની આસ્વાદ લેશે તો એમનો શ્રમ સાર્થક લેખાશે. યોગેશ્વરજીની કમનીય કલમની ભાવપ્રચૂર અભિવ્યક્તિ વિશે તમારા પ્રતિભાવોનો અમને ઇંતજાર રહેશે.

Today's Quote

Like a miser that longeth after gold, let thy heart pant after Him.
- Sri Ramkrishna

prabhu-handwriting