Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જેને કામધેનુ જેમ સિદ્ધ સેવતા રે,
જેનો મહિમા વેદોમાં વંચાય,
ભક્તિ એવી આપો મને !

જેને યોગી તપસ્વી ઝંખતા રે,
વર્ણવ્યો છે પુરાણે પ્રતાપ,
ભક્તિ એવી આપો મને !

રિદ્ધિ સિદ્ધિ દાસી બનીને રહે રે,
મુક્તિ જોડે આઠે પહોર હાથ,
ભક્તિ એવી આપો મને !

જેને પામીને પામવાનું ના રહે રે,
જેથી બીજો રહે ના લાભ,
ભક્તિ એવી આપો મને !

પૂર્ણ આનંદ ઓઘ સદા ઊછળે રે,
શાંતિ ભૂલેચૂકે ના ભંગાય,
ભક્તિ એવી આપો મને !

રૂપ મંગલ તમારું નિહાળ્યા કરું રે,
સ્વપ્નમાંયે રહે તમારું ધ્યાન,
ભક્તિ એવી આપો મને !

ભક્તિ એવી મળે છે બડભાગને રે,
આપવાને ચાહો તો વરદાન,
ભક્તિ એવી આપો મને !

કહ્યું શાસ્ત્રે માનવ તન દોહ્યલું રે,
તેને કરવા સફળ ખરે આજ,
ભક્તિ એવી આપો મને !

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

Add comment

Submit