Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કામ ક્રોધને દૂર કરીને પ્રભુનું ભજન કરી લે,
માર બધી મમતા જગની ને મોહ-તમિસ્ત્ર હરી લે .. કામ ક્રોધને.

આસક્તિનો આણ અંત ને વિવેક પૂર્ણ કરી લે,
શમદમનાં સાધન આચર ને જ્ઞાન પ્રકાશ ભરી લે .. કામ ક્રોધને.

પ્રેમ સુધાને ઘોળી ઘોળી પીને મસ્ત બની લે,
રોમ રોમમાં રાગ જગાવી પ્રભુથી પ્રાણ વણી લે. .. કામ ક્રોધને.

અંધકારમાં ડૂબ નહીં રે, મૃગજલને તું તજી દે,
નશ્વર પાછળ દોડ નહીં, તું અમૃત તત્વ ભજી લે .. કામ ક્રોધને.

મોંઘો આ સંદેશ સુણીને પ્રભુથી પ્રેમ કરી લે,
સાક્ષાત થશે દર્શન તુજને નક્કી એ સમજી લે .. કામ ક્રોધને.

પ્રભુ પાછળ ‘પાગલ’ બન પ્રેમે, પ્રભુનું ધ્યાન ધરી લે,
પરમાનંદ મગન બનવાને પ્રભુને ફક્ત વરી લે .. કામ ક્રોધને.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

Add comment

Submit