'મા'નું નામ ખરે રૂપાળું.
મીઠું ને મનમોહક એ તો
છે દુનિયાનું પ્યારું ... 'મા'નું
મૃતને પણ છે જીવનદાયક,
વિષમાં અમૃત ન્યારું;
દુઃખદર્દનો છેક વિસામો,
અંધારે અજવાળું ... 'મા'નું
રણમાં છે એ મધુર વીરડી,
ભોજન ક્ષુધાર્ત સારું;
સ્વર્ગ તેમ મુક્તિથી મંગલ,
જીવનદાન અમારું ... 'મા'નું
કવિજન દેવ વળી પરમાત્મા
માને નિશદિન સારું;
કેમ કરીને કહી શકે કો
છે કેવું રઢિયાળું ... 'મા'નું
બોલાયે મુખમાંથી ત્યારે
તૂટે અંતર-તાળું;
'મા'નુંયે મનડું મલકાયે
કેમ કહો ના વારુ ? ... 'મા'નું
'મા'ની ફરજ છતાં છે ભારે,
સમજી લો તો સારું;
શરણાગતને પાળો રક્ષો
જીવન સુધરે મારું ... 'મા'નું
- શ્રી યોગેશ્વરજી

