ગોવિંદની કર પ્રીત
મન, તું ગોવિંદની કર પ્રીત,
વિષયોની રસવૃત્તિને મેલી
ચરણોમાં ચોંટાડ ચિત્ત ....મન તું.
આ રે સંસારનાં સુખડાં ક્ષણિક સૌ,
સેવી રહ્યો તું નિત,
તો પણ શાંતિની છાયા મળી ના,
ગાને ગોવિંદનાં ગીત ....મન તું.
ગોવિંદનું ધર ધ્યાન સદાયે
ન્હાઈને નેહ નવનીત,
વર્ષા વરસાવી લે જીવનમાં તારી
પૂરી થઈ જશે જીત ....મન તું.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

