Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારા દિવ્ય ગુણગાનો સદાયે ગાય મુખ મારું,
કથા કીર્તન શ્રવણનો રંગ માણે શ્રવણને ચારુ.

તન થકી કરાયે સેવા, મન રમે ચરણમાં નિશદિન,
હૃદયમાં રાસ રમતા હો તમે જીવન ધરી ન્યારું.

જગતમાં નિહાળી તમને નમન નિશદિન કરું નેકે,
તમારા વિના કોઈનેય માનું ના અહીં મારું.

તમારી કૃપાની વૃષ્ટિ સદાયે પ્રાણમાં વરસે,
બનીયે અલગ ના કો’દિ, તમારું સૌ બને પ્યારું.

શરણમાં શાંતિ સ્મરણે સનાતન ને સ્વર્ગ સુખમય હો,
મળો વૈકુંઠ સંસર્ગે તમારા, મોક્ષપ્રદ ન્યારું

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

Add comment

Submit