Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હું તો સંતસહારે શ્વાસ ધરું...

સંત જગાડે તો જાગું જરી, વળી,
સંત જપાવે તે જાપ કરું...હું તો...

સુખ મળે તો સંતકૃપા ને,
દુઃખ પડે તો કસોટી ગણું...હું તો...

જીવન સૂર્ય બનીને સંતે,
પાપ ને તાપ પ્રજાળ્યું બધું...હું તો...

સંતસહારે શાંતિ સાંપડી,
કાળ થકી હવે કેમ ડરું?...હું તો....

સંતસ્વરૂપે શ્યામ મળ્યા મને,
શ્રદ્ધાથી ચરણોમાં નમું...હું તો....

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
જીવનનો એકમાત્ર સહારો સંતષુરુષ જ બન્યા ત્યારે તે નવજીવન કેવી રીતે શરૂ થયું તેની ઝાંખી આ પદમાં જોવા મળે છે.

મા બાળકને સંભાળે તે રીતે સંતે સંભાળ લેવાની શરૂ કરી. સાધકને અજ્ઞાનની નિદ્રામાંથી જગાડીને મંત્રદીક્ષા આપી, મંત્રજપની સાધના સમજાવી.

જીવનમાં સુખદુઃખ તો આવે જ, ત્યારે પણ સંતની કૃપાથી તે પ્રસંગોનો પણ સમજપૂર્વક સ્વીકાર કરવાની સદબુદ્ધિ સાંપડી. સુખ એ સંતકૃપાની ભેટ છે, ને દુઃખ મળ્યું તો સંત કસોટી કરી રહ્યા છે એવી સમજણ પ્રગટી ત્યારે જીવનમાં સર્વકાળે આનંદ જ પ્રગટી રહ્યો.

સંતપુરુષ પોતાના જ્ઞાનરૂપી સૂર્યથી માનવના સઘળા તાપો, ક્લેશો, કષ્ટોને બાળીને ભસ્મ કરી દે છે. સાચા સંતના સહારે કાળદેવનો પણ ડર રહેતો નથી. સંતના સાન્નિધ્યે સંપૂર્ણ નિશ્ચિંતતા અનુભવવા મળે છે. અંતે, સંતનું સંપૂર્ણ શરણાગતભાવે સેવન કરવાથી સંતસ્વરૂપમાં જ શ્યામસુંદરની ઝાંખી થાય છે ત્યારે સંતના શ્રી ચરણે થયેલા પ્રણામ શ્રી પ્રભુને પહોંચી જાય છે.
 

Add comment

Submit