Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હું તો આવી રહી તારે દ્વાર,
ઓ કૃપાનિધિ ! માર કે તાર.

તેં બોલાવી તો દોડી આવી,
સાંભળ મારી વાત;
રખે મને તું અળગી કરતો,
પકડજે મારો હાથ....હું તો...

તલસાવી મને તડપાવી વળી,
મારીશ ના કદી લાત;
વ્હાલ કરીને સ્વીકારી લેજે,
રાખજે મારી લાજ...હું તો...

પ્રેમની પાવન પગદંડી પર,
પ્રેમે કરું છું પ્રયાણ;
જોજે નિરાશા થાય મને ના,
રક્ષજે મારો પ્રાણ...હું તો...

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
તા. ૯-૧૧-૧૯૭૯ ના રોજ પૂજ્ય શ્રી યોગેશ્વરજીના ફક્ત બે દિવસના સત્સંગ માટે સુરતથી અમદાવાદ જવા નીકળી ત્યારે માર્ગમાં આ પદ લખાયું.

વારંવાર બે, પાંચ, સાત દિવસના સુખદ સંતસમાગમ પછી શાળામાં સેવા માટે જવું જ પડે એ પ્રવૃત્તિ સાધનામાં વિક્ષેપ લાગતી હતી.

તેથી જ આ પદમાં અંતઃકરણથી વિનંતિ થઈ કે આ વખતે પણ તમારા આમંત્રણથી આવી રહી છું, તો હવે કૃપા કરીને મને અળગી ના કરશો, નિરાશ ના કરશો. હે પ્રભુ! મારી સાધનામાં હવે મને તડપાવવાનું બંધ કરી દો. મને તમારી છત્રછાયામાં સ્વીકારી લો. અને સાચા અંતઃકરણથી થયેલો એ પોકાર પ્રભુ સાંભળ્યા વિના રહે ખરા ?

થોડા જ દિવસોમાં, એટલે કે ૧૫ નવેમ્બર પછી, શાળાના સ્થૂળ બંધનનો પ્રભુકૃપાએ પરિત્યાગ થયો અને સદાને માટે સમર્થ સંતની શીતળ છાયામાં પરમવિશ્રામ પામવાનું સદભાગ્ય મળી ગયું.

સંતના-પ્રભુના સાન્નિધ્યે જવા જીવ તલસે ત્યારે તેના મન-અંતરમાં જે ભાવો જાગે છે તે આ પદમાં વ્યક્ત થયા છે.
 

Add comment

Submit