Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

રાધાના શ્યામ ! તારી પાસે હું માગું,
જીવન મારું ધન્ય કરું .

જપ-તપ-સાધના થાય નિરંતર,
ભૂલું કદીયે તુજને નહીં;
સંસારમઘ્યે સાર ગ્રહીને,
કાર્ય મહારું સાર્થક કરું...રાધાના...

સૃષ્ટિ સકળ ના સન્માને છોને,
પ્રભુપ્રેમે મસ્તી માણું ખરી;
અંતરમાં આનંદ ધારી શકું હું,
એવી અડગતા હૈયે ધરું...રાધાના...

દુનિયાની આશ તજી તારા મંદિરિયે,
પગલાં ભરાવજે ભાવ ભરી;
સાચો સખા છે જીવનનો મારો,
અનૂભૂતિ એવી ઉરમાં ભરું...રાઘાના...

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
ભગવાન શ્રીકૃષ્ણ પાસે કોઈ સ્થૂળ સુખોપભોગનાં સાધનો નથી માંગવાનાં. પ્રભુ પોતે આપવા માટે પ્રસન્ન થાય એવી માંગણી જ પ્રભુને ગમે.

માનવશરીર મળ્યું તો પ્રભુભજન નિરંતર થાય અને એમાં સંસારનાં કામકાજ વચ્ચે પ્રભુનું વિસ્મરણ ના થાય એ જરૂરી છે. સંસારના જે બનાવો બને તેમને તટસ્થભાવે જોઈને, સારતત્વને સ્વીકારીને, સાધના ક્ષેત્રે આગળ વળી શકાય એવું, હે પ્રભુ ! તું આપજે.

દુનિયા માન આપે કે અપમાનિત કરે, પણ તારા પવિત્ર પ્રેમમાં જ નિશદિન મસ્તી માણીએ એ સારું જીવનને આનંદમય બનાવજે.

તું જ મારો સાચો સ્વજન છે એવું દિલમાં દ્રઢ કરાવીને તારી જ આશા રાખું એવો ભાવ જગાડજે.

જીવનને ધન્ય બનાવવા માટે પ્રભુ પાસે એવી માંગણી થઈ.
 

Add comment

Submit