Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારી સાથ સદાયે રહેજો રે, નંદદુલારા !

દુનિયાની મૂકી માયા,
મેં શોઘી તમારી છાયા,
તમને જ સમર્પી કાયા રે, નંદદુલારા ! મારી...

તમે કરી કસોટી ભારી,
સ્વીકારી અરજી મારી,
અંતે લીધી મને તારી રે, નંદદુલારા ! મારી...

મને મૂકી ક્યાંય ન જાશો,
નિત પ્રેમપિયાલા પાજો,
જન્માંતર સાથી થાજો રે, નંદદુલારા ! મારી...

વર્ષા કરુણાની કરજો,
આનંદ અલૌકિક ધરજો,
સંતાપ બધાયે હરજો રે, નંદદુલારા ! મારી...

MP3 Audio : મા સર્વેશ્વરી

MP3 Audio : હેમા દેસાઈ

 
રચના સમયના મનોભાવો
 
એકવાર પ્રભુદર્શન થઈ જાય, પછી ભક્ત ભગવાનથી જુદો પડવા ઈચ્છતો નથી. સદાકાળ ભગવાન પોતાની પાસે જ રહે એવું ભક્ત માંગે છે. ભગવાન ક્ષણને માટે પણ પોતાને ના છોડે એવું ભક્ત ઈચ્છે છે.

કસોટી કરી કરીને ભક્તને ભગવાને અપનાવ્યો છે, ત્યારે સતત કરુણાની વર્ષા કરીને તે જન્મજન્માંતરનો સાથી બની રહે તેવી ભક્ત પ્રાર્થના કરે છે.

સ્વજનોની દુન્યવી છત્રછાંયાને છોડીને ભક્ત ભગવાનના જ સહારે દોડી જાય છે, પોતાનું તનમનધન સમર્પિત કરી દે છે, ત્યારે પ્રભુકૃપા આવી મળે છે.

એવા દિવ્યદર્શન પછી, પ્રભુને વિનંતી કરતાં આ પદ લખાયું છે. સદાકાળનો સથવારો મળી રહે એવી એમાં આકાંક્ષા છે.

Add comment

Submit