Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કૃપાની વર્ષા કરજો રે, શ્રી ગુરુદેવા !

મેં પવિત્ર કરવા કાયા,
સ્વજનોની છોડી માયા;
વડલાની શોધી છાયા રે... શ્રી ગુરુદેવા !

તમે માત તાત છો મારા,
વળી પ્રગટ પ્રભુ છો પ્યારા;
મારા સખા બનીને બેઠા રે... શ્રી ગુરુદેવા !

વૈરાગ્યભક્તિ ના મુજમાં,
શ્રદ્ધા કેવળ છે ઉરમાં;
સ્થાપી છે મૂર્તિ મનમાં રે... શ્રી ગુરુદેવા !

દિલડું નિશદિન આ ઝંખે,
વિરહે વ્યાકુળ થઈ ડંખે;
મને ધન્ય કરોને સંગે રે... શ્રી ગુરુદેવા !

આ પવિત્ર જીવનક્યારી,
જોજો ના કરમાયે મારી;
એને સદા રાખજો ન્યારી રે...શ્રીગુરુદેવ...

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
શાળાનાં બંધનોને ફગાવીને જ્યારે પ્રભુપંથે વળવાનું બન્યું, ત્યારે મારા જીવનના આધાર ગુરુદેવનાં શ્રીચરણે આ પ્રાર્થના થઈ.

સંસારના સૌ સ્વજનોને છોડીને કાયાનું કલ્યાણ કરવા ગુરુરૂપી વડલા નીચે આશ્રય લેવાનું નક્કી કયુઁ, ત્યારે ગુરુની કૃપાવર્ષાની અપેક્ષા સ્વાભાવિક જ રહી.

સંસારના સર્વ મમત્વનાં મૂળને ગુરુનાં શ્રીચરણે વાળ્યાં, તો હવે તેઓ રક્ષા કરીને કૃપાપાત્ર બનાવશે એવી શ્રદ્ધા જાગી. શ્રીગુરુને સમર્પિત થવાની કોઈ યોગ્યતા નથી. નથી વૈરાગ્ય કે નથી ભક્તિનું બળ. ફક્ત શ્રદ્ધાની મૂડી સાથે ગુરુભક્તિના પવિત્ર પથ પર પગલાં ભરવાના પ્રયત્નો શરૂ થયા.

શ્રીગુરુની સતત છત્રછાયા મળે એવી પણ ઈચ્છા જાગી, ત્યારે હૈયું વિરહની વેદના અનુભવવા લાગ્યું, ગુરુના સહવાસની ધન્ય ક્ષણ ક્યારે આવે તેની રાહ જોવા લાગ્યું.

જીવનની પવિત્ર ક્યારીમાં ગુરુદેવ કૃપાના અમીછાંટણાં છાંટયા કરે એવી પણ પ્રાર્થના થઈ. શ્રીગુરુ જ માત, તાત, સખા ને પ્રત્યક્ષ પ્રભુ છે, એવો ભાવ મન-અંતરમાં જાગી ગયો.
 

Add comment

Submit