Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મુજને શાંતિ ન કેમે થાય !
બેચેન બન્યો તમારા વિના,
બેચેની ના જાય ... મુજને.

મન મુંઝાયે, લાખ ઉપાયે
આતુરતા ના જાય;
માને ના કોઈ રીતે એ,
નીરસ સર્વ જણાય. ... મુજને.

ભારે હૈયે જીવન જીવું,
છેક સુકાઈ કાય;
વિરહવ્યથામાં નિશદિન ન્હાઉં,
શોધું કોની સહાય ? ... મુજને.

પ્યાસ મટે ના કેમે મારી,
સ્નેહસુધા ન સુકાય,
આશારસમાં અડગ બનીને
મનડું તોયે ન્હાય ... મુજને.

તમે પધારો પ્રેમ કરી તો
હરખ ન મારો માય;
કરમાયેલું અંતર ખીલે,
ભાવ ભરીને ગાય ... મુજને.

પ્રાણ તમોને સર્વસ્વ લઈ
પૂજે તેમજ ચ્હાય;
ધ્યાન તમે ના શાને ધરતાં,
ના મુજને સમજાય ... મુજને.

‘પાગલ’ને શાંતિ મળી જાયે,
મિલન મધુર જો થાય;
જાણો તો પણ મૂક બનો ના
સત્વર કરો ઉપાય ... મુજને.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit