મારો સુણતાં પોકાર, પ્રેમે પધારજો !
આજે સુણતાં પોકાર, પ્રેમે પધારજો !
દિલડાને દર્શનની લગની છે લાગી,
મમતા ને પ્રીત ગઈ ભારે છે જાગી;
રાગે રોવે ચોધાર, પ્રેમે પધારજો !
... મારો સુણતાં પોકાર.
આતુર આ આંખલડી તમને તાકી રહી,
પ્રીતિની પીડા શી હજુયે બાકી રહી?
પીડા થાયે પોબાર; પ્રેમે પધારજો !
... મારો સુણતાં પોકાર.
અંતરને આરામ મળતો ના ક્યાંયે,
તાપે અકળાય, ના દેખાતી છાંયે;
ના કરો ઘડીનીયે વાર; પ્રેમે પધારજો !
... મારો સુણતાં પોકાર.
સાચું કહું છું નથી કોઈ સંસારમાં,
માતાપિતા ને મિત્ર સ્નેહી સંસારમાં;
એક છે તમારો આધાર; પ્રેમે પધારજો !
... મારો સુણતાં પોકાર.
અમૃતનું દાન દઈ દર્શન દો આજ તો,
શોક છે છવાયો, મળે આનંદ આજ છો;
‘પાગલ’ પ્રેમનદી પાર, પ્રેમે પધારજો !
... મારો સુણતાં પોકાર.
- © શ્રી યોગેશ્વરજી

