Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

રે વહાલાં, શું...ગાઉં ?

ઘરમાં હું ગાનાર, તું તો દુનિયામાં ગાનાર;
હું તો છું પીનાર, તું તો સૌને યે પાનાર રે...શું ગાઉં ?

એકલ મારો તાર, તારા અનેક તીણા તાર;
એકજ હાથ મહારો નાનો, તારાનો નહિ પાર રે...શું ગાઉં ?

આંખમાં ઉના છે આંસુડાં, ને હૈયામાં મારા છે હાય;
પ્રેમનાં પૂર આવ્યાં મારે, કેવી રીતે ગવાય ? રે...શું ગાઉં ?

મારામાં તું ગાનાર, રે શું ગાઉં ?
જડ ને ચેતન આખા જગને, પ્રાણતણો પાનાર રે...શું ગાઉં ?

ગાન રહ્યું મારૂં નાનકું, તારૂં તો ગાન વિરાટ;
તો પણ સ્નેહથી સાંભળવા તું,ઊભો રહ્યો જોઈ વાટ રે...શું ગાઉં ?

તેથી જ ગાઉં છું ગીતડું નાનું, ધન્ય માની મારી જાત;
થોડી જ વારમાં રંગભરેલી, વીતી જશે રૂડી રાત રે...શું ગાઉં ?

 - શ્રી યોગેશ્વરજી