Text Size

06. ષષ્ઠમ સ્કંધ

અજામિલની જીવનકથાનો સાર

અજામિલની જીવનકથાનો સાર સમજવાની આવશ્યકતા કાંઇ ઓછી નથી. ભાગવતની બધી જ કથા-ઉપકથાઓમાં એક અથવા બીજી જાતનો જીવનોપયોગી સાર ભરેલો છે. એને આપણે હસ્તગત કરવાનો છે. અજામિલનું આરંભનું જીવન મોટા ભાગના માનવોની જીવનચર્યાનો પડઘો પાડે છે. મોટા ભાગના માનવોની દશા પણ એવી જ દુઃખદ નથી ? એ પણ ધર્મ ને નીતિની પ્રસ્થાપિત પરંપરાથી ડગી ને પડી ગયા છે. એમના સંસ્કાર લુપ્ત બન્યા છે. પોતાના દેવદુર્લભ જીવનના મહિમાને સુચારુરૂપે ના સમજવાથી એ એનો જેવો જોઇએ તેવો તથા તેટલો સદુપયોગ નથી કરી શકતા. એ અનેક પ્રકારના વ્યસનોના ને બુરાઇઓના દાસ બન્યા છે. એમનું પરિત્રાણ કેવી રીતે થઇ શકે અને એમને શાશ્વત સુખ પણ શી રીતે મળી શકે ? એમણે સત્સંગનો આશ્રય લેવાની આવશ્યકતા છે. એ દ્વારા એમની સદ્દબુદ્ધિ જાગ્રત થશે અને એમને વધારે સારું, ઉત્તમ અથવા આદર્શ જીવન જીવવાની પ્રેરણા મળશે.

અજા એટલે બકરી. બકરી જેવા વિષયી, દુર્બુદ્ધિ, દેહબુદ્ધિવાળા, આત્મા કે પરમાત્માને ભૂલેલા જીવોને અજામિલ કહી શકાય. એવા જીવો અજામિલની પેઠે બુદ્ધિની વિષયવતી વૃત્તિરૂપી વેશ્યાના સંગમાં પડેલા છે, અને દસ ઇન્દ્રિયોના દસ પુત્રોમાં મમતાવાળા છે. એવા જીવો ઇન્દ્રિયોની મમતાને છોડી, વિષવયતી વૃત્તિને તિલાંજલિ આપીને ઇશ્વરાભિમુખ ના બને ત્યાં સુધી જીવનનું કલ્યાણ કરીને આદર્શ જીવનના આનંદનો આસ્વાદ કેવી રીતે મેળવી શકે ?

ભાગવતના પાંચમાં સ્કંધમાં ભરત ઋષિની જે કથા કહેવામાં આવી ને છઠ્ઠા સ્કંધમાં જે અજામિલની જીવનકથાનું આલેખન કરવામાં આવ્યું એમાં થોડોક મહત્વનો નોંધપાત્ર વિરોધાભાસ છે. એ વિરોધાભાસ પ્રત્યે અંગુલિનિર્દેશ કરીએ તો એ અસ્થાને નહિ લેખાય. ભરતજીનું સમગ્ર જીવન ઘણું સારું હતું, પરંતુ મૃગશાવકમાં આસક્તિ થવાથી અને એ આસક્તિને પરિણામે સાધનામાં પ્રમાદ થવાથી એમનો અંતકાળ બગડ્યો અને એમની સદ્દગતિ ના થઇ. અજામિલનું યુવાવસ્થાથી શરૂ થયેલું વૃદ્ધાવસ્થા સુધીનું સમગ્ર જીવન વિષયગામી બનીને બગડી ગયેલું, પરંતુ એના જીવનનો શેષ સમય અને એનો અંતકાળ સુધરી ગયો એથી એને સદ્દગતિની ને શાંતિની પ્રાપ્તિ થઇ. એ બંને વિરોધાભાસી વ્યક્તિત્વનાં રેખાચિત્રોમાંથી જરૂરી સારને ગ્રહણ કરવાનો છે.

અજામિલની એ રસમય જીવનકથાની ફળશ્રુતિ સંભળાવતાં સ્વનામધન્ય શુકદેવે પરીક્ષિતને જે કહ્યું છે તે પણ જાણવા જેવું છે. એમણે કહ્યું છે કે અજામિલના જીવનનો ઇતિહાસ રહસ્યમય અને પાપનાશક છે. એનું શ્રદ્ધાભક્તિપૂર્વક શ્રવણ, મનન ને સંકીર્તન કરનારને કદી નરકમાં નથી જવું પડતું. યમના દૂતો એના તરફ જોઇ પણ નથી શકતા. એ ફળશ્રુતિ સાચી છે. એના અનુસંધાનમાં આપણે કહીશું કે આ કથામાંથી પ્રેરણા મેળવીને માણસ કુકર્મમાંથી મુક્તિ મેળવે, સત્કર્મપરાયણ બને, ઇશ્વરની શ્રદ્ધાભક્તિથી સંપન્ન થાય. અને ઇશ્વરના સાક્ષાત્કારથી જીવનને ઉજ્જવળ, સફળ, મુક્ત ને ધન્ય કરે એ જ એની સાચી ફળશ્રુતિ છે. કથાશ્રવણ કાનને પવિત્ર કરીને બેસી રહેવા માટે નથી; અંતરને, અણુઅણુને, સમસ્ત જીવનને પવિત્ર અને ઉત્તમ કરવા માટે છે. એનો ખ્યાલ રાખીએ. તો જ કથાનું શ્રવણ, મનન તથા પારાયણ સાર્થક થાય. જીવનનું નિરીક્ષણ કરીને દિનપ્રતિદિન તપાસવું જોઇએ કે જીવન અજામિલની જેમ અધઃપતનના માર્ગે તો નથી જતું. જો જતું હોય તો એને એમાંથી ઉગારીને ઉન્નત કરવાની કોશિશ કરવી જોઇએ, જેથી જે ઇશ્વરે આપ્યું છે તે ઇશ્વરને માટે વપરાઇને ઇશ્વરનું બની શકે.

 

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok