Text Size

06. ષષ્ઠમ સ્કંધ

વૃત્રાસુરનું પૂર્વચરિત્ર - 1

સ્વનામધન્ય સંતશિરોમણિ શુકદેવજીના શ્રીમુખથી વૃત્રાસુરના વ્યક્તિત્વનું વર્ણન સાંભળ્યા પછી પરીક્ષિતને સ્વભાવિક રીતે જ થોડી શંકા થઇ. એને શંકાને બદલે જિજ્ઞાસાનું નામ આપીએ તો તે વધારે યોગ્ય લેખાશે. એવી જિજ્ઞાસા આટલાં વરસો પછી બીજાને પણ થવાનો સંભવ છે. પરીક્ષિતે એનો પડઘો પાડતાં શુકદેવજીને પૂછયું કે વૃત્રાસુર પાપી તથા લોકોને ત્રાસ આપનારો હોવાં છતાં યુદ્ધભૂમિમાં પોતાના મનને ભગવાનના સ્વરૂપમાં લગાવી શક્યો તેનું કારણ ? એવી રીતે મનને ઇશ્વરપરાયણ કરવાનું કામ મોટા મોટા મુનિઓને માટે પણ મુશ્કેલ છે.

પરીક્ષિતની જિજ્ઞાસાના જવાબમાં શુકદેવે એમને વૃત્રાસુરના પૂર્વજન્મની કથા કહી. એ કથા એમણે મહર્ષિ વ્યાસ, મહર્ષિ દેવલ તથા દેવર્ષિ નારદ પાસેથી સાંભળેલી.

સ્વનામધન્ય શુકદેવે સંભળાવેલી વૃત્રાસુરની પૂર્વજન્મની કથાનો સંક્ષિપ્ત સારભાગ આ રહ્યો: પ્રાચીનકાળમાં શૂરસેન દેશમાં ચક્રવર્તી સમ્રાટ મહારાજા ચિત્રકેતુ રાજ્ય કરતો. એને અનેક સ્ત્રીઓ હોવાં છતાં કોઇ સંતાન નહોતું. એથી એ થોડોક ઉદાસ રહેતો.

એક દિવસ શાપ તેમ જ વરદાન દેવામાં સમર્થ અંગિરા ઋષિ વિભિન્ન પ્રદેશોમાં વિચરણ કરતા એના રાજપ્રાસાદમાં પહોંચી ગયા. ચિત્રકેતુએ એમનું સમુચિત સન્માનપૂર્વક સ્વાગત કર્યું. મહર્ષિ અંગિરાએ એના મુખમંડળ પરની ચિંતા તથા વેદનાનું કારણ પૂછયું તો એણે કોઇ પણ પ્રકારના સંકોચ સિવાય એ કારણ કહી બતાવ્યું, અને એમના માર્ગદર્શનની માગણી કરી. મહર્ષિએ ત્વષ્ટા દેવતાને યોગ્ય ચરુનું નિર્માણ કરીને અર્પણ કરી એમનું પૂજન કર્યું અને યજ્ઞનો પ્રસાદ ચિત્રકેતુની સૌથી મોટી સદ્દગુણી સ્ત્રી મહારાણી કૃતદ્યુતિને અર્પણ કર્યો. ચિત્રકેતુને એમણે જણાવ્યું કે આ સ્ત્રીથી તને જે પુત્ર થશે તે હર્ષ તથા શોક બંને પ્રદાન કરશે.

એ પછી મહર્ષિ અંગિરા ત્યાંથી વિદાય થયા.

સુયોગ્ય સમય પર મહારાણી કૃતદ્યુતિએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. સમ્રાટ ચિત્રકેતુને  અને સમસ્ત પ્રજાને એથી આનંદ થયો. તપઃપૂત મહાપુરુષના આશીર્વાદ કાંઇ નકામા જાય છે ? કદાપિ નહિ.

ચિત્રકેતુ કૃતદ્યુતિ પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખવા લાગ્યો ને બીજી બધી જ સ્ત્રીઓ પ્રત્યે ઉદાસીનતા. એને લીધે બીજી સ્ત્રીઓ કૃતદ્યુતિને દ્વેષની નજરે જોવા લાગી. એમણે કૃતદ્યુતિના પુત્રને ઝેર આપ્યું. એના પ્રભાવથી એનું મરણ થયું.

એના મરણના સમાચાર ચિત્રકેતુ તથા કૃતદ્યુતિ બંનેને માટે ભયંકર શોકજનક અને આઘાતકારક થઇ પડ્યા. સુખને ઠેકાણે દુઃખના દાવાનળ સળગી રહ્યા.

મમતા અથવા આસક્તિ જ માણસને દુઃખી કરે છે, બેચેન બનાવે છે, ને રડાવે છે. જો દુન્યવી વિષયોમાં કે પદાર્થોમાં  મમત્વ, રાગ કે આસક્તિ ના હોય તો જીવને માટે દુઃખી થવાનું, બેચેન મનવાનું કે રડવાનું કોઇ કારણ જ નથી રહેતું. મમત્વ, રાગ અથવા આસક્તિના બંધનને તોડવા માટે આત્મજ્ઞાનનો તેમ જ ભગવદ્દભક્તિનો આધાર લેવાની જરૂર છે. એની દ્વારા ઇશ્વરના અસાધારણ અનુગ્રહનો લાભ મળવાથી એ બંધન કાયમને કાજે કપાઇ જાય છે ને જીવન સદાને સારુ શાંત, પ્રસન્ન, મુક્ત તથા ધન્ય બને છે. બંધનને તોડીને જીવનને કૃતાર્થ કરવાની એ પ્રક્રિયામાં સંતસમાગમ પણ અમોઘ આશીર્વાદરૂપ ઠરે છે. એ સંતસમાગમ જેને સાંપડી જાય છે એના સૌભાગ્યનો સૂર્યોદય સોળે કળાએ ખીલી ઊઠે છે. એ પણ કોઇકને જ અને ઇશ્વરની કૃપાથી જ સાંપડી શકે છે. મહારાજા ચિત્રકેતુને સંતસમાગમનો એ દેવદુર્લભ લાભ મળવાનો હોવાથી એની શોકગ્રસ્ત દશાને દેખીને એની પાસે એક નહિ પણ બે સંત આવી પહોંચ્યા - દેવર્ષિ નારદ અને મહર્ષિ અંગિરા.

સંતપુરુષોનાં જીવન સૌનું અકારણ હિત કરવા માટે જ હોય છે. સૌનું મન, વચન, કર્મથી પરમકલ્યાણ કરતા એ જગતમાં જીવતા હોય છે. એમનું શરીરધારણ બીજાને પ્રેરણા તથા પ્રકાશ પૂરો પાડવા ને શાંતિ આપવા માટે હોય છે. એમના વિના જગત જીવવા જેવું ભાગ્યે જ રહ્યું હોત. જગતની સમુન્નતિ, સુખાકારી ને શાંતિમાં એમનો ફાળો ઘણો મોટો છે.

એક જ સંત શાંતિ આપી શકે ને જીવનનું કલ્યાણ કરી શકે તો આ તો બે સંત ભેગા થયા, અને એ બંને એ જમાનાના મહાન, સર્વોત્તમ સંત. પછી શું બાકી રહે ? એમણે ચિત્રકેતુને જુદી જુદી રીતે આશ્વાસન આપ્યું. પાણીના પ્રબળ પ્રવાહમાં જેવી રીતે રેતીના કણ પરસ્પર ભેગા મળે છે ને જુદા પડે છે તેવી રીતે જગતમાં જુદા જુદા જીવો મળે છે ને છૂટા પડે છે. એમનો હર્ષ-શોક કેવો ? એમની મમતા કરીને દુઃખી શા માટે થવું જોઇએ ? મમતા એક ઇશ્વરની જ રાખવી, બીજા કોઇની નહિ. ઇશ્વરની મમતા તારક બને છે ને બીજી મમતાઓ મારક.

બે દિવસ પહેલાં મારી પાસે અહીં મસૂરીમાં એક ધનવાન પતિપત્ની આવ્યાં. એ લુધિયાણાનાં નિવાસી હતાં. પુરુષને મેં કુશળસમાચાર પૂછ્યા તો એ તરત જ મોટેથી રડવા માંડ્યા. એમની પત્ની પણ રડવા લાગી. સાથે આવેલી એમની એક સંબંધી સન્નારીએ એના રહસ્યનું ઉદ્દઘાટન કરતાં કહ્યું કે એકાદ મહિના પહેલાં એમના યુવાન પુત્રનું મૃત્યુ થયું છે માટે એ દુઃખી છે. એમનું દિલ ક્યાંય નથી લાગતું.

‘એમને બીજા છોકરા છે ? ’ મેં પૂછયું.

‘બીજા બે છોકરા છે. એક મોટો છે ને બીજો થોડોક નાનો. બંને પરણેલ છે.’

‘તો પછી એ દુઃખી શા માટે થાય છે ? એમણે તો સુખ માનવું જોઇએ. જે ગયો છે એ છોકરો તો પાછો આવવાનો નથી. એ પોતે પણ ક્યાં અમર છે ? એમને પણ એક દિવસ જવાનું છે. કાળ કોઇને પણ પોતાના પાશમાંથી મુક્તિ નથી આપતો. એ સૌની ઘડીઓ ગણે છે.’

‘પરંતુ એને પરણ્યે ત્રણ મહિના જ થયેલા.’ પેલા પુરુષે કહ્યું.

‘એ બરાબર છે. એ વાતનું દુઃખ થતું હોય તો તો એની યુવાન સ્ત્રીને માટે દુઃખ લગાડો. તમે તો એને માટે એક અક્ષર પણ નથી ઉચ્ચારતા અને તિલમાત્ર દુઃખ નથી પ્રકટ કરતા. એની અવસ્થા કેટલી બધી કરુણ હશે તેનો વિચાર તો કરી જુઓ.’

એ સદ્દગૃહસ્થ થોડાક સમયને સારુ શાંત રહ્યા ને પછી બોલ્યા :

‘તો પછી મારું દુઃખ દૂર કેવી રીતે થાય ?’

‘જે તમારાથી વધારે દુઃખી હોય તેવા લોકોનો વિચાર કરવાથી, આત્મવિચારનો આધાર લેવાથી, પ્રાર્થનાથી અને ઇશ્વરના નામસ્મરણથી. સંસારનું સ્વરૂપ જ એવું અનિત્ય ને પરિવર્તનશીલ છે. એને વિવેકનો આશ્રય લઇને સારી પેઠે સમજી લો એટલે તમારું દુઃખ હળવું થશે. બીજો કોઇ જ રસ્તો નથી. તમને એ છોકરો એટલો બધો પ્રિય છે તો તમારા મરવાથી એ જીવતો થઇ શકતો હોય તો એને બદલે તમે મૃત્યુના મહેમાન થવા તૈયાર છો ?’

એ સદ્દગૃહસ્થ વાતે એવી રીતે વળાંક લીધો એથી જરાક વિચારમાં પડ્યા. એવા પ્રશ્ન કે પ્રસ્તાવની એમને કલ્પના જ નહોતી.

‘કેમ કશું બોલતા નથી ?’ મેં પૂછ્યું; ‘તમારા મરવાથી તમારા પુત્રને નવજીવન મળતું હોય તો તમે મરવા તૈયાર છો ? તમે તો હવે વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છો.’

‘વૃદ્ધાવસ્થા પર પહોંચ્યો હોઉં તેથી શું થયું ? જીવન કોને પ્રિય નથી ? એનો પોતાની મેળે ત્યાગ કરવા કોઇ તૈયાર થાય છે ખરું ? મને તો લાગે છે કે મારા એ છોકરાની સ્ત્રી પણ એવી રીતે એના બદલામાં મરવા તૈયાર નહિ થાય. એણે સ્નેહ લગ્ન કરેલું તો પણ.’

‘એની વાત જવા દો. પહેલાં તમારી વાત કરી લો. તમે જવા માટે તૈયાર છો ?’

‘કદાપિ નહિ.’

‘તો પછી તમે તૈયાર છો ?’ મેં એમની પત્નીને પૂછ્યું; ‘પુત્રની લાગણી તો તમને પણ થતી હશે.’

‘લાગણી તો માતા છું એટલે શા માટે ના થાય ?’ એ સ્પષ્ટીકરણ કરતાં કહેવા માંડ્યું; ‘પરંતુ એ લાગણી એવી નથી કે હું એને માટે મરવા તૈયાર થઉં. એનું તો મરણ થયું પરંતુ મારે એની પાછળ શા માટે મરવું પડે ? મને મારા પતિને માટે પણ લાગણી છે. એમની સેવા કરવા માટે પણ મારે જીવતા રહેવું જોઇએ.’

‘તો પછી શું થાય ?’

‘મને એક ઉપાય યાદ આવે છે તમને હરકત ના હોય તો કહી બતાવું.’

‘કહી બતાવો.’

‘તમારા શરીરત્યાગથી એ છોકરાને નવજીવન મળતું હોય તો એને એવું જીવન જરૂર આપો.’

‘મારા શરીરત્યાગથી ?’

‘હા. અમે તમારા જીવનભર આભારી રહીશું. સંતો અહેતુકી કૃપાથી ભરેલા ને હંમેશા બીજાને માટે જીવતા ને મરતા હોય છે. તમે આટલો પરોપકાર કરશો તો તેમાં કશું અનુચિત નહિ લેખાય.’

એમની સ્ત્રીએ પણ એમાં સૂર પૂરાવ્યો. મને એમની અવનવીન કલ્પનાશક્તિ અને હિંમત જોઇને આશ્ચર્ય થયું. એમનો પ્રસ્તાવ ખૂબ જ વિનોદપૂર્ણ હતો. મેં એમને કહ્યું :

‘છોકરો તમારો છે; તમને એના પર પ્રેમ, રાગ કે મમતા છે; તો પણ તમે એને સારું શરીર ત્યાગ કરવા તૈયાર નથી થતાં તો મેં તો એને જોયો પણ નથી, મને એને માટે રાગ કે મમતા પણ નથી, તો હું કેવી રીતે તૈયાર થઇ શકું ? જે શરીર મળ્યું છે એનો સમ્યક્ સદુપયોગ કરીને મારે તો પ્રભુપ્રીત્યર્થે કર્મો કરવાનાં છે. એ શરીરનો ઉત્સર્ગ હું ઇશ્વર વિના બીજા કોઇને ય માટે ના કરી શકું.’

‘પરંતુ અમારો છોકરો ઇશ્વરરૂપ છે. ’

‘ભલે હોય.’

‘તમારી વાત સાંભળીને અમને તો નવી આશા પેદા થયેલી. એ આશા નિરાશામાં પલટાઇ ગઇ.’

‘તો પછી ? ’

‘તો પછી શું કરવું જોઇએ તે મેં કહેલું જ છે. એ જ માર્ગ છે. સંસારના પદાર્થોની પરિવર્તનશીલતાનો વિચાર કરી, ઇશ્વરના વિધાનમાં સંતુષ્ટ રહી, એને માથે ચઢાવીને અહંતા, મમતા અને આસક્તિની ગ્રંથિને હળવી કરવાનો તથા તોડી નાખવાનો પ્રયત્ન કરતા રહીને ઇશ્વરને માટે જીવન જીવો એ જ વિકલ્પ છે. એ સિવાય જીવન દુઃખમય બની જશે અને અંતર અશાંતિનો અનુભવ કર્યા કરશે.’

‘સાચેસાચ ?’

‘હા. જે આપણું હોય જ નહિ એની મમતા અથવા આસક્તિ કરીએ તો બીજું શું પરિણામ આવી શકે ? દુનિયાનાં મોટા ભાગનાં દુઃખોનું કારણ એ જ છે - મમતા અથવા આસક્તિ. એને તિલાંજલિ આપે છે તે જ સુખી થાય છે ને શાંતિ મેળવે છે.’

મારા ઉદ્દગારો એમને ગળે ઉતર્યા કે નહિ તે તો કોણ જાણે પરંતુ થોડોક વખત પછી એ મારી રજા લઇને વિદાય થયા.

*

રાજા ચિત્રકેતુની ઉપર ઇશ્વરની કૃપા થવાથી એને સંતપુરુષોનો સમાગમ થયો. સંતો સિવાય સંતપ્ત અંતરને શાંતિ કોણ આપી શકે ? એ શાંતિની સુધાવર્ષા કરે તો પણ જીવનું સૌભાગ્ય હોય તો જ તેને ઝીલીને ધન્ય બની શકે. દેવર્ષિ નારદ તથા મહર્ષિ અંગિરાનો સદુપદેશ સાંભળીને ચિત્રકેતુને પ્રકાશ મળ્યો. એનો શોક થોડોક હળવો બન્યો.

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok