Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જાણું છું તમારી આંખમાંથી કોણ જુએ છે.
અનુરાગના અલૌકિક અખંડ આટાપાટા રચીને
અંતરને કોણ ધુએ છે;
જાણું છું તમારી આંખમાંથી કોણ જુએ છે.

જાણું છું તમારી વાણીમાંથી કોણ વહે છે.
વહાલની વેણુ પર વેણુ વગાડીને
મારી વેણુ જગાડીને, નવા સાજે સજાવીને,
પ્રાણને પ્રેમથી કોણ પરિપ્લાવિત કરે છે,
જાણું છું તમારી વાણીમાંથી કોણ પરિચય ધરે છે.

જાણું છું તમારા સુધાસભર સ્પર્શમાં
કોનો સ્પર્શ તાજો બને છે; કોણ હૈયે હેયું ધરે છે,
આતમથી આતમને એક કરે છે.

પૂર્વની પ્રબળ પુનિત પ્રીતના અનુસંધાનમાં
કોણ જીવનમાં જાદુ ભરે છે,
નસનસને નેહ ધરે છે,
શ્વાસ પ્રશ્વાસને સજીવન કરે છે,
સ્વર્ગમુક્તિ પૂર્ણતાથી પણ અધિક સાર્થક ઠરે છે,
જાણું છું કોણ તમારા સ્વરૂપે સ્નેહ કરે છે.

–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)