Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એમણે પોકાર પાડ્યો, શોરબકોર કરી મૂક્યો,
લોકશાહી, શાંતિ, સ્વતંત્રતા, માનવતા ભયમાં છે.
રાષ્ટ્રના માન્ય નિર્દોષ નેતાઓને પકડ્યા,
કારાવાસમાં ધકેલ્યા.
જેમણે કહ્યું ચોર નથી તેમને જણાવ્યું તમે ચોર છો,
સમાજના હિતશત્રુ છો.
તમારે લીધે બધું જ ભયમાં છે.

એમણે એકાએક પોકાર પાડ્યો, શોરબકોર કરી મૂક્યો,
લોકશાહી, શાંતિ, સ્વતંત્રતા, માનવતા,
રાષ્ટ્રની સંસ્કૃતિ ભયમાં છે.
ન્યાયપાલિકાને નિસ્તેજ કરી,
રાષ્ટ્રસભાને નિરર્થક.

અન્યની સભા પર પ્રતિબંધ મૂકીને
પોતે સભા ભરી, રેલી કાઢી,
સૂત્રોની રાતોરાત શોધ કરી.
વિરોધને દબાવી દેવા
મંત્રણાની સૃષ્ટિને બદલે યંત્રણાની વૃષ્ટિ કરી,
લોકશાહીની સ્વસ્થ રીતરસમોને નેવે મૂકી.
આપખુદીને અપનાવી.
છતાં પણ પોકાર પાડ્યો, શોરબકોર કરી મૂક્યો,
લોકશાહી, શાંતિ, સ્વતંત્રતા, માનવતા,
અમારું જીવન ભયમાં છે.

સમજદાર સમજી ગયા,
બીજું કશું નહિ, સત્તા ભયમાં છે.

–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)