Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમે હો તો જીવનમાં શું હોય, હોઈ શકે, ખબર છે?

શીતળ સુખદ છાયા
મનહર માયા.
આતમ સાથેની કંચન કાયા.
તમે હો તો જીવનમાં શું હોય, હોઈ શકે, ખબર છે?

સંજીવનપ્રદ સ્વર્ગીય સુવાસ,
સાર્થક સ્વતંત્ર શ્વાસ,
સ્વર્ગમુક્તિ પરમધામ વૈકુંઠનો નિવાસ.
તમે હો તો જીવનમાં શું હોય, હોઈ શકે, ખબર છે?

રસ કસ. તનમન સઘળું’યે વશ.
નવી સ્ફૂર્તિ, નવી શક્તિ અવનવા આહલાદે
મહોત્સવ માંડે પ્રત્યેક નસ.

બીજા કોઈની જરૂર ના રહે
પરવશતા ના રહે
ચિત્ત બીજું કાંઈ જ ના ચહે,
કાળજું કૃતાર્થતાની કથા કહે.
શું ના હોય, ના હોઈ શકે, એ જ સવાલ રહે.

તમે હો તો જીવનમાં શું હોય, હોઈ શકે, ખબર છે?

–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)